લોકપાલ : સરકારના વહીવટીતંત્ર વિરુદ્ધ થતી જાહેર ફરિયાદોના નિવારણ માટેનો એકમ. રાજકીય અને વહીવટીતંત્રની સમસ્યાઓમાં ભ્રષ્ટાચાર એક ધ્યાનાકર્ષક સમસ્યા સ્વરૂપે પ્રાચીન સમયથી વિશ્વનાં રાજ્યોમાં જોવા મળે છે. આધુનિક લોકશાહી રાજ્યોમાં શાસનતંત્રો ઉપર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રના અંકુશ રહેલા હોય છે. આમ છતાં લાંચ-રુશવત, લાગવગ, રેઢિયાળ વહીવટ અને અન્ય ગેરરીતિઓ જોવા મળે છે. તેથી આ સમસ્યાઓના ઉકેલ માટે એવી સંસ્થાની આવદૃશ્યકતા જણાઈ, જે આ સમસ્યાઓ અંગે નીડરપણે ઊંડો વિચાર કરી, તટસ્થતાપૂર્વક તપાસ કરે. એટલું જ નહિ પણ તે લોકોની ફરિયાદોના ઉકેલ માટે પ્રભાવશાળી રીતે કામ કરે. આમ થાય તો જ લોકશાહીમાં લોકોનો વિશ્ર્વાસ જળવાઈ રહે.
આ દિશામાં વિશ્વમાં સૌપ્રથમ પહેલ સ્વીડને કરી. 1809મા તેના નવા બંધારણમાં ‘ઑમ્બુડ્ઝમૅન’ નામના અધિકારી માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી. સ્વીડન પછી 1948માં ફીનલૅન્ડમાં, 1954માં ડેન્માર્કમાં, 1961માં નૉર્વેમાં અને 1967માં બ્રિટનમાં આ સંસ્થાની સ્થાપના થઈ. ત્યારબાદ વિશ્વના લોકશાહી દેશો માટે આવી સંસ્થા પ્રેરણારૂપ બની રહી.
ભારતના વહીવટીતંત્રમાં સુધારણા માટે ઑમ્બુડ્ઝમૅન પ્રકારની સંસ્થા અંગેનું સૂચન સૌપ્રથમ રાજસ્થાનમાં વહીવટી સુધારણા પંચે કરેલું. આ સૂચનને ધ્યાનમાં લઈને કેન્દ્ર સ્તરે લોકપાલ અને રાજ્ય સ્તરે લોકાયુક્ત જેવી સંસ્થાઓ માટે વિચારણા શરૂ થઈ.
1966માં રચાયેલા વહીવટી સુધારણા પંચે જાહેર ફરિયાદોના નિવારણની બાબતને અગ્રિમતા આપી વચગાળાનો અહેવાલ સરકારને સુપરત કર્યો ત્યારે ઑમ્બુડ્ઝમૅન જેવી સંસ્થા રચવાની ભલામણ કરી હતી. આ ઑમ્બુડ્ઝમૅનનું ભારતીય સ્વરૂપ તે લોકપાલ. લોકપાલ એક સ્વતંત્ર ઘટક તરીકે કામ કરે તે ઇચ્છનીય અને શક્ય માનવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ પ્રધાનો અને સચિવોનાં વહીવટી કાર્યો વિરુદ્ધની ફરિયાદો સાંભળવા માટેની જવાબદારી લોકપાલના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવી. આ અંગેની ફરિયાદ કોઈ પણ નાગરિક લોકપાલ સમક્ષ કરી શકે છે.
1968 પછી વહીવટી સુધારણા પંચની ભલામણોને આધારે કેન્દ્ર કક્ષાએ આ ઘટકની સ્થાપના માટે વારંવાર પ્રયત્નો થતા રહ્યા છે. પણ તેની સ્થાપનામાં સરકારને હજુ સફળતા મળી નથી. 1968, 1971, 1977, 1985, 1990, 1996 અને છેલ્લે 1998માં સરકારે આ અંગેના ખરડા રજૂ કર્યા હતા. 1977ના ખરડાની લાક્ષણિકતા એ હતી કે તેમાં વડાપ્રધાન અને સાંસદોને પણ લોકપાલના કાર્યક્ષેત્રમાં સમાવવામાં આવ્યા હતા. પરંતુ 1985ના ખરડામાં વડાપ્રધાનને લોકપાલના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. કમનસીબે આ ખરડાઓ સંસદની મંજૂરી પામતા નથી.
લક્ષણો : ભારતની સર્વોચ્ચ અદાલતે 3જી જાન્યુઆરી 1999ના રોજ કેન્દ્રમાં લોકપાલ અને 16 રાજ્યોમાં ‘લોકાયુક્ત’ની રચના માટે કેન્દ્ર સરકારે શું પગલાં ભર્યાં છે તેનું સ્પષ્ટીકરણ માંગેલું પરંતુ હજુ 2003 સુધી લોકપાલની વ્યવસ્થા થઈ નથી.
લોકપાલ અંગે સંસદમાં રજૂ થયેલ ખરડા પ્રમાણે લોકપાલની નિમણૂક વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિએ કરવાની રહે છે, પરંતુ આ નિમણૂક કરતી વખતે રાષ્ટ્રપતિએ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને વિરોધપક્ષના નેતા સાથે વિચાર-વિમર્શ કરવો જરૂરી થાય છે. તેમની લાયકાત માટે એટલું જણાવાયું છે કે તે સંસદસભ્ય ન હોવા જોઈએ. તેમની નિમણૂક પાંચ વર્ષ માટે કરવાનો પ્રસ્તાવ છે. પરંતુ પાંચ વર્ષ પછી તેમની નિમણૂક આ પદ ઉપર પુન: થઈ શકે નહિ; એટલું જ નહિ, તેમને પાંચ વર્ષ પછી અન્ય કોઈ પણ સરકારી લાભવાળા હોદ્દા ઉપર નીમી પણ ન શકાય. તેમનું સ્થાન અને વેતન તથા ભથ્થાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની સમકક્ષ રાખવાની જોગવાઈ સૂચવવામાં આવી છે. તેમના માટે રહેઠાણ અને નિવૃત્તિવેતનની પણ વ્યવસ્થા રખાઈ છે. લોકપાલ અંગે કોઈ ગેરવર્તણૂક કે અકાર્યક્ષમતા જણાય તો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ પાસે તપાસ કરાવ્યા પછી અથવા સંસદનાં બંને ગૃહો આ સંબંધી લેખિત પ્રસ્તાવ પસાર કરાવ્યા પછી રાષ્ટ્રપતિ તેમને તેમના સ્થાન ઉપરથી દૂર કરી શકે છે.
લોકપાલની સંસ્થા વહીવટીતંત્રની અકુશળતા અને ભ્રષ્ટાચારની તપાસ કરનાર ઓછા ખર્ચવાળું અને ઝડપી સાધન છે. તેઓ કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર ત્રણેયથી સ્વતંત્ર છે. ફરિયાદોની તપાસ પૂરી થયે તેને માહિતી આપવામાં આવે છે. બીજી બાજુ રાષ્ટ્રપતિને પ્રતિવર્ષ મોકલાતા અહેવાલમાં તેમણે પોતે કરેલ તપાસનો ખ્યાલ આપવામાં આવે છે. લોકપાલના અહેવાલને પગલે શું પગલાં લીધાં તેની વળતી માહિતી સરકારે ત્રણ માસમાં લોકપાલને જણાવવાની રહે છે.
લોકપાલની ભૂમિકા અગત્યની હોવા છતાં તેના ઉપર મૂકવાપાત્ર મર્યાદાની પણ વિચારણા થઈ છે; જેમ કે, આંતરરાષ્ટ્રીય બાબતો માટે પ્રત્યાર્પણ અધિનિયમ 1962ને લગતી બાબતો તથા વિદેશ બાબતોને લગતા અધિનિયમ 1964 સંબંધી પુરસ્કાર અને સન્માનને લગતી બાબતો, સરકારી કર્મચારીઓની સેવાને લગતી શરતો તથા એક વર્ષ પૂર્વેની ઘટનાઓ અંગેની ફરિયાદ ઉપર લોકપાલ વિચારણા કે કાર્યવહી કરી શકે નહિ.
વહીવટી સુધારણા પંચે લોકપાલની સંસ્થા માટે કેટલાંક લક્ષણો સૂચવ્યાં હતાં. પંચનાં સૂચનો મુજબ : (1) લોકપાલ સંસ્થા નિષ્પક્ષ અને તટસ્થ હોય, (2) તેની તપાસ અને કાર્યવહી ગુપ્ત રાખવામાં આવે તેમ જ કાર્યવહીના સ્વરૂપમાં એકરૂપતા હોવી આવદૃશ્યક છે. (3) શક્ય હોય ત્યાં સુધી તેની નિમણૂકો બિનરાજકીય હોય, (4) લોકપાલના અધિકારીનું સ્થાન સર્વોચ્ચ અદાલતના અધિકારીઓની સમકક્ષનું રાખવામાં આવે; (5) અન્યાય, ભ્રષ્ટાચાર અને પક્ષપાત સંબંધી બાબતો આ સંસ્થાના અધિકારક્ષેત્રમાં સમાવાય; (6) તેની કાર્યવહી અદાલતી હસ્તક્ષેપથી મુક્ત રખાય અને તેની ફરજો બજાવવા વ્યાપક ક્ષેત્ર અને સત્તાઓ આપવામાં આવે; (7) તેના તરફથી સરકારી કારોબારી આર્થિક લાભ, સુવિધા કે અન્ય લાભની આશા રાખવામાં ન આવે.
લોકપાલના સ્થાનની ઉપર પ્રમાણેની કેટલીક મર્યાદાઓ સ્વીકારાઈ હોવા છતાં ભારતની લોકશાહીમાં લોકોનો વિશ્ર્વાસ જળવાઈ રહે તે માટે તેનાં સ્થાન અને ભૂમિકા મહત્વનાં છે. ભારતના બંધારણમાં આ સંસ્થાને બને તેટલી ઝડપથી સ્થાન આપવામાં આવે તે હિતાવહ લેખાયું છે.
ગજેન્દ્ર શુક્લ, રક્ષા મ. વ્યાસ