લૉર્કા, ફ્રેડેરિકો ગાર્સિયા

January, 2005

લૉર્કા, ફ્રેડેરિકો ગાર્સિયા (જ. 5 જૂન 1898, ફૂન્તે વાક્વેરોસ, મેડ્રિડ પાસે, સ્પેન; અ. 19/20 ઑગસ્ટ 1936, ગ્રેનાડા) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. પિતા ખેડૂત અને માતા શિક્ષિકા હતાં. સંગીતનો ગળથૂથીમાંથી સંસ્કાર મેળવનાર લૉર્કાને પિયાનોના સર્વપ્રથમ પાઠ આપનાર તેમનાં માતા હતાં. તેમનું પ્રાથમિક શિક્ષણ ગ્રેનાડાની જેસ્યૂઇટ શાળામાં. યુનિવર્સિટી ઑવ્ ગ્રેનાડામાં તેમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો; પરંતુ સાહિત્ય, ચિત્રકલા અને સંગીતમાં સવિશેષ રસ હોવાથી કાયદાનો અભ્યાસ અધૂરો રહી ગયો. મિત્રોમાં તેમની ઓળખાણ સંગીતકાર તરીકે હતી. જોકે ‘ઇમ્પ્રેશન્સ ઍન્ડ લૅન્ડસ્કેપ્સ’(1918)ના પ્રકાશનથી તેમના મિત્રોએ સાનંદાશ્ર્ચર્ય અનુભવેલું. કૅસ્ટીલના પ્રવાસી તરીકેના અનુભવમાંથી લખાયેલ આ પુસ્તકે એમને લેખક તરીકેની પ્રતિષ્ઠા અપાવી.

1919માં ‘રેસિડેન્શિયા દ એસ્તુદિયાન્તિસ’(રેસિડન્સ ઑવ્ સ્કૉલર્સ)માં પ્રવેશ મળતાં તેમને ચિત્રકાર સાલ્વાડૉર ડાલી, ચલચિત્રસર્જક લૂઈ બુનુયેલ અને કવિ રાફાયેલ આલ્બર્તીનો આત્મીય પરિચય થયો. આ અરસામાં જૂના જોગી જેવા કવિ હવાન રામોન હીમેતેઝના નિકટના વર્તુળમાં લૉર્કા પ્રવેશેલા.

લૉર્કાનાં કાવ્યો પ્રસિદ્ધ થયાં તે પહેલાં તેમના ચાહકો દ્વારા મૌખિક રીતે તે ફેલાતાં રહ્યાં. ‘બુક ઑવ્ પોએમ્સ’ (1921), ‘ફર્સ્ટ સૉંગ્ઝ’ (1926) અને ‘સૉંગ્ઝ’ (1927) તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે. તેમનું પ્રથમ નાટક ‘બટરફ્લાઇઝ ઈવિલ સ્પેલ’ (1920) માત્ર એક શો માટે ભજવાયું હતું. તેમના સમયના મશહૂર લોકસંગીત-નિર્દેશક માન્વેલ દા ફાલ્યાની સાથે કામ કરવાની તેમને તક સાંપડી. લોકસંગીતે લૉર્કાની સંગીત, કાવ્ય અને અધ્યાત્મની સ્ફુરણાને પ્રજ્વલિત કરી. ‘પોએમ્સ ઑવ્ ધ કાતે વૉન્દો’ (1922) અને ‘ધ જિપ્સી બૅલડ્ઝ’ (1927) આ અનુભવમાંથી રચાયેલાં ઊર્મિગીતો છે. આમાંનાં કેટલાંક કાવ્યોએ સ્પૅનિશ બૅલડને નવાં કલ્પનોથી એક જુદો જ વળાંક આપ્યો.

ફ્રેડેરિકો ગાર્સિયા લૉર્કા

‘મારિયાના પિનેદા’ (1927) પદ્યનાટક છે. ‘રોમાનશિરો ગીતાનો’ (1928) લોકકથાકાવ્યને પરંપરિત લઢણમાં પ્રયોજીને આંદાલૂસિયા વિસ્તારનાં જિપ્સીઓની કથા કહેતું પદ્યનાટક છે. 1929-30માં લૉર્કાએ અમેરિકા અને ક્યૂબાનો પ્રવાસ કર્યો. ‘પોએટ ઇન ધ ન્યૂયૉર્ક’ (1940) આ અનુભવમાંથી નીપજેલું, પરંતુ તેનું પ્રકાશન મરણોત્તર થયેલું. યાંત્રિક સંસ્કૃતિના જીવન-અંતર્ગત ભયાનક મૃત્યુના ઓળાઓનું વર્ણન તેમણે નિર્ઘૃણ, જુગુપ્સક કલ્પનો દ્વારા કર્યું છે.

સ્પેનમાં પરત થયા પછી તેમણે ‘દીવાન ઑવ્ તૅમરિત’ (1936) લખ્યું. ‘ધ બિલી ક્લબ પપેટ્સ’ અને ‘ધ પપેટ પ્લે ઑવ્ ડૉન ક્રિસ્તોબાલ’ ઉભય કઠપૂતળીવાળાં નાટકો છે. સ્પેન સ્વતંત્ર પ્રજાસત્તાક જાહેર થતાં લૉર્કા નાટ્યસર્જનમાં ઓતપ્રોત થઈ ગયા. શ્રમજીવીઓ અને ખેડૂતો માટે લૉર્કાએ નાટકો લખ્યાં અને તેમને સંગીતથી મઢી દિગ્દર્શક તરીકેની ફરજ પણ નિભાવી. ‘બોદાસ દ સાંગ્રે’ (1933) લોકનાટક હતું. પોતાના પ્રિયતમ સાથે નાયિકા માંડવેથી બારોબાર ભાગી ગયેલી અને તેથી  નિષ્પન્ન વૈમનસ્યમાં થયેલી ખૂનખરાબાની વાત તેમાં ગૂંથાઈ છે. ગ્રીક કરુણાંતિકાઓની જેમ, અહીં પણ નસીબ (fate) પાત્રો સાથે ગજબની રમત રમે છે. એક તરફ જન્મજાત ઉત્કટ લાગણીઓ અને સામે પલ્લીસમાજના રૂઢિવાદી રીતરિવાજો વચ્ચેના તુમુલ યુદ્ધમાં જે તે પાત્રનું મૃત્યુ થાય છે. ‘લૅમેન્ટ ફૉર ઇગ્નેશિયો મેપિયાસ’ (1935) એક બુલફાઇટરના મૃત્યુ પરનું કાવ્ય છે. તે લૉર્કાની સ્પૅનિશ સાહિત્યમાં સર્જાયેલી શ્રેષ્ઠ કરુણપ્રશસ્તિ ગણાય છે. આમાં ‘ઍટ ફાઇવ ઇન ધ આફ્ટરનૂન’ (બપોર પછી પાંચ વાગ્યે) વારંવાર પુનરાવર્તન પામતી ધ્રુવપંક્તિ છે.

‘યરમા’ (1934) લોકનાટ્યત્રયી છે. વીસમી સદીનાં અપૂર્વ પદ્યનાટકોમાં તેનું સ્થાન છે. સંતાનપ્રાપ્તિની ઝંખનામાં ઝૂરતી નાયિકા પોતાના નપુંસક પતિને મારી નાંખે છે. લૉર્કાનું આ અત્યંત કરુણ નાટક છે. ગુજરાતમાં ‘યરમા’ના પ્રયોગો રંગમંચ પર થયા છે. તેમનાં નાટકોના હિન્દી અનુવાદો જાણીતા દિગ્દર્શકોએ પ્રસ્તુત કર્યા છે. આ ત્રણ નાટકોમાંનું છેલ્લું ‘લા કાસા દ બર્નાદાં આલ્બા’ (1936), ‘ધ હાઉસ ઑવ્ બર્નાર્ડા આલ્બા’ સંપૂર્ણત: ગદ્યમાં લખાયેલું છે. તે મિત્રોને વાંચી સંભળાવવામાં આવ્યું હતું. આમાં ચાર પુત્રીઓ પોતાની ક્રૂર માતાની બોલતી બંધ કરી દે છે, તેવા ધિક્કાર અને કામવાસનાથી ભર્યાભર્યા શોકાતુર ઘરની વાત છે, જોકે અંતે તે બધાં સામટો આત્મઘાત કરે છે.

1936ના સ્પેનના આંતરવિગ્રહ વખતે લૉર્કા મેડ્રિડને છોડીને ગ્રેનાડા જતા રહ્યા, પરંતુ એક રાત્રીએ ત્યાં 38 વર્ષની વયના આ મહાન સર્જકને લોકસૈનિકોએ ગોળીએ દીધેલા.

પ્રેમ, કામવાસના, મૃત્યુ, માતૃત્વ, દરિદ્રનારાયણ માટે અનુકંપા અને સૌથી વિશેષ તો ક્રૂરતા, હિંસા અને મૃત્યુ જેમાંથી પ્રગટે છે, તેવી આદિમ લાગણીઓથી ઘેરાયેલા લૉર્કાની સ્થાનિક રચનાઓ વિશ્વવ્યાપક બની છે તે નિર્વિવાદ છે. તેમનાં કાવ્યોમાં કલ્પનો અને પ્રતીકો કામોત્તેજક, ઇન્દ્રિયસંવેદ્ય, તેજાબી અને અતિવાસ્તવિક ભૂમિકાએ પ્રયોજાયેલાં પ્રતીત થાય છે. વીસમી સદીના સર્વશ્રેષ્ઠ કવિઓમાં લૉર્કાનું નામ નિ:સંકોચ લેવામાં આવે છે.

હસમુખ બારાડી, પંકજ સોની, વિ. પ્ર. ત્રિવેદી