લૉરેન, સોફિયા (જ. 20 સપ્ટેમ્બર 1934, રોમ, ઇટાલી) : અભિનેત્રી. મૂળ નામ : સોફિયા સિકોલોન. અવૈધ બાળક તરીકે જન્મેલાં સોફિયા લૉરેનનું બાળપણ નેપલ્સની ગંદી વસાહતમાં ખૂબ કફોડી સ્થિતિમાં વીત્યું હતું. તેમનાં માતા અભિનેત્રી હતાં, પણ વ્યાવસાયિક સફળતા ન મળવાને કારણે ખૂબ હતાશ હતાં. સોફિયા મોટી થાય એટલે તેને અભિનેત્રી બનાવવાની તેમની ખ્વાહેશ હતી. સોફિયા કિશોરાવસ્થામાં પ્રવેશી કે તુરત તેની પાસે મૉડેલિંગ શરૂ કરાવ્યું. સોફિયાએ 15 વર્ષની વયે સૌંદર્યસ્પર્ધાઓમાં ભાગ લેવા માંડ્યો હતો. દરમિયાનમાં સોફિયાને લઈને માતા રોમ આવતાં રહ્યાં. ત્યાં બંનેએ ‘કો વાડિસ’ ચિત્રમાં સાવ નગણ્ય ભૂમિકા ભજવી. તે સાથે સોફિયાએ મૉડેલિંગ ચાલુ રાખ્યું હતું. રોમમાં યોજાયેલી ‘મિસ ઇટાલી’ સ્પર્ધામાં સોફિયાએ ભાગ લીધો. તેમાં નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહેલા ઇટાલીના જાણીતા ચિત્રસર્જક કાર્લો પૉન્ટીએ સોફિયામાં રહેલી પ્રતિભા પારખીને તેમને અભિનય-ક્ષેત્રે આવવા સલાહ આપી. સોફિયાનાં માતાએ આ તક ઝડપી લીધી. 1951નું એ વર્ષ હતું. પછી પૉન્ટીના માર્ગદર્શન હેઠળ જ સોફિયાએ ચિત્રોમાં કામ કરવું શરૂ કર્યું અને જોતજોતામાં ઇટાલિયન ચિત્રોનાં અગ્રણી અભિનેત્રી બની ગયાં. શરૂમાં સોફિયાએ પોતાના નામ સાથે ‘લાઝારો’ અટક જોડી હતી, પણ સફળતા મળ્યા બાદ તેઓ સોફિયા લૉરેન બની ગયાં.

સમય જતાં તેમણે પૉન્ટી સાથે લગ્ન પણ કરી લીધાં. સોફિયા લૉરેનનાં પ્રારંભિક ચિત્રો નોંધપાત્ર નહોતાં, પણ અંગપ્રદર્શન કરવા અંગે કોઈ છોછ ન રાખતાં હોવાને કારણે શરૂઆતમાં આ બાબતે તેમને વધુ ખ્યાતિ મળી હતી. જોકે તેમને હૉલિવુડમાંથી ઑફરો આવવી શરૂ થતાં એક પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે પોતાની જાતને પુરવાર કરવાની પણ તેમને વધુ ને વધુ તક મળવા માંડી. હૉલિવુડનાં ચિત્રોની સાથોસાથ તેમણે ઇટાલિયન ચિત્રોમાં પણ કામ કરવું ચાલુ જ રાખ્યું હતું. 1957માં પૅરેમાઉન્ટ સ્ટુડિયો સાથે કરાર કર્યા બાદ ‘બ્લૅક ઑર્કિડ’ અને ‘હેલર ઇન પિંક ટાઇટ્સ’ જેવાં નોંધપાત્ર ચિત્રોમાં તેમણે અભિનય કર્યો હતો. ખ્યાતનામ ઇટાલિયન સર્જક વિત્તોરિયો દ સિકા-દિગ્દર્શિત ‘ટુ વિમેન’ ચિત્ર માટે સોફિયા લૉરેનને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો. આ ચિત્રમાં યુદ્ધને કારણે તબાહ થઈ ગયેલા ઇટાલીમાં એક યુવતીની માતાની ભૂમિકામાં તેમણે એવો જીવ રેડી દીધો હતો કે આ ચિત્ર તેમની કારકિર્દીનું શ્રેષ્ઠ ચિત્ર બની રહ્યું છે. સિકાનાં જ ચિત્રો ‘યસ્ટર ડે, ટુ ડે, ટુમૉરો’ તથા ‘મૅરેજ ઇટાલિયન સ્ટાઇલ’માં પણ તેમનો અભિનય વખણાયો હતો. ‘મૅરેજ ઇટાલિયન સ્ટાઇલ’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનું ઑસ્કર-નામાંકન મળ્યું હતું. વિશ્વ-ચલચિત્ર-ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરવા બદલ તેમને 1991માં જીવન પર્યંતના યોગદાન બદલ ઑસ્કર ઍવૉર્ડ એનાયત કરાયો હતો.

સોફિયા લૉરેન

નોંધપાત્ર ચિત્રો : ‘ટાઇમ્સ ગૉન બાય’ (1951), ‘ટુ નાઇટ્સ વિથ ક્લિયોપૅટ્રા’ (1953), ‘ધી એનૅટૉમી ઑવ્ લવ’, ‘ધ ગોલ્ડ ઑવ્ નેપલ્સ’ (1954), ‘ટૂ બૅડ શી ઇઝ બૅડ’, ‘વુમન ઑવ્ ધ રિવર’ (1955), ‘લકી ટુ બી અ વુમન’ (1956), ‘બૉય ઑન અ ડૉલ્ફિન’, ‘લેજંડ ઑવ્ ધ લૉસ્ટ’, ‘ધ પ્રાઇડ ઍન્ડ ધ પૅશન’ (1957), ‘ડિઝાયર અન્ડર ધી એલ્મ્સ’, ‘હાઉસબોટ’, ‘ધ કી’ (1958), ‘ધ બ્લૅક ઑર્કિડ’, ‘ધૅટ કાઇન્ડ ઑવ્ વુમન’ (1959), ‘અ બ્રેથ ઑવ્ સ્કૅન્ડલ’, ‘હેલર ઇન પિંક ટાઇટ્સ’, ‘ઇટ સ્ટાર્ટેડ ઇન નેપલ્સ’, ‘ધ મિલિયોનેરેસ’ (1960), ‘મૅડમ, ટુ વિમેન’ (1961), ‘ફાઇવ માઇલ્સ ટુ મિડનાઇટ’ (1963), ‘ધ ફૉલ ઑવ્ ધ રોમન એમ્પાયર’ (1964), ‘મૅરેજ ઇટાલિયન સ્ટાઇલ’, ‘યસ્ટરડે, ટુડે ઍન્ડ ટુમૉરો’ (1964), ‘ઍરબેસ્ક’, ‘જૂડિથ’ (1966), ‘સનફ્લાવર’ (1970), ‘ધ પ્રીસ્ટ્સ વાઇફ’ (1971), ‘મૅન ઑવ્ લા માન્ચા’ (1972), ‘બ્રીફ એન્કાઉન્ટર’ (1974), ‘સોફિયા લૉરેન : હર ઓન સ્ટોરી’ (1980), ‘કરેજ’ (1986).

હરસુખ થાનકી