લૉરેઇં, ક્લૉદ ગેલી

January, 2005

લૉરેઇં, ક્લૉદ ગેલી (જ. 1600, લૉરેઇં, ફ્રાંસ; અ. 1682, રોમ, ઇટાલી) : ફ્રેંચ બરોક-ચિત્રકાર. કારકિર્દીનો પ્રારંભ તેણે બ્રેડ અને કેક રાંધનારા પેસ્ટ્રીકૂક તરીકે કરેલો. 1613માં તેણે ઇટાલી જઈ   નિસર્ગ-ચિત્રકાર એગૉસ્તીનો તાસી પાસે કલાની તાલીમ લેવી શરૂ કરી.

‘ધ ઍમ્બાર્કેશન ઑવ્ ધ ક્વીન ઑવ્ શેબા’

1618થી 1620 સુધી તે નેપલ્સમાં રહ્યો અને 1620થી તાસીના મદદનીશ તરીકે રોમમાં સ્થિર થયો. 1625થી 1627 સુધી એ વતનમાં લૉરેઇં જઈ આવ્યો. પછી એ ફરીથી રોમમાં સ્થિર થયો. તાસી અને ઉત્તર યુરોપિયન ચિત્રકારો એલ્શીમેર અને બ્રીલની જેમ લૉરેઇં અગ્રભૂમાં ઘેરો લીલો-કથ્થાઈ, પશ્ર્ચાદભૂમાં આછો આસમાની તથા મધ્યભૂમાં આછો લીલો રંગ વાપરતો. પંખીઓનાં પીંછાં જેવી સુંવાળપ ધરાવતાં પર્ણો ધરાવતાં કાળાંધબ્બ (silhouette) વૃક્ષો ચીતરીને નિસર્ગ અનંત લાગે તેવું ચીતરતો. વૃક્ષોનાં ઝુંડ ઉપરાંત પ્રાચીન રોમન ખંડેરો ઉપર ક્ષિતિજેથી આવતા આછા કુમળા સોનેરી પ્રકાશને તે એવી રીતે ચીતરતો કે જેથી અતીતરાગ(Nostalgia)ની લાગણી દર્શકમાં જાગી ઊઠે. માત્ર પ્રકાશ જ નહિ પણ આછા ધુમ્મસવાળા વાતાવરણને પકડવાની પણ લૉરેઇંની પીંછીમાં તાકાત જોવા મળે છે. સમુદ્રકિનારો આલેખતાં તેનાં ચિત્રોમાં વહાણો અને સૂર્યાસ્ત-સૂર્યોદય કોઈ અવનવી (exotic) દુનિયા તરફના પ્રયાણનું સૂચન કરતા હોય એમ વિવેચકોનું માનવું છે.

અમિતાભ મડિયા