લૉરેન્ઝ, કૉનરૅડ (જ. 7 નવેમ્બર 1903, વિયેના; અ. 27 ફેબ્રુઆરી 1989, ઑલ્ટેનબર્ગ) : આધુનિક પ્રાણી-વર્તનવિજ્ઞાનના સ્થાપક, નોબેલ પુરસ્કાર-વિજેતા અને ઑસ્ટ્રિયન પ્રાણીશાસ્ત્રી. તેઓ અસ્થિચિકિત્સક (orthopaedic surgeon) પ્રા. ઍડૉલ્ફ લૉરેન્ઝના પુત્ર હતા. પિતાશ્રીની ઇચ્છાને માન આપી 1922માં આયુર્વિજ્ઞાનના અભ્યાસાર્થે કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં જોડાયા; પરંતુ વિયેના પાછા આવી વિયેના યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો અને 1928માં એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ 1933માં તેઓ તુલનાત્મક શારીરિકી(comparative anatomy)માં સંશોધનો કરી પ્રાણીશાસ્ત્રમાં પીએચ.ડી. થયા.

લૉરેન્ઝને શૈશવકાળથી જ પ્રાણીઓમાં રસ હતો અને પોતે પકડી લાવેલાં માછલાં, પક્ષી, કૂતરાં, બિલાડાં, સસલાં અને વાંદરાં જેવાં પ્રાણીઓને ઉછેરતા હતા. આ પ્રાણીઓના વર્તનનું બારીકાઈથી નિરીક્ષણ કરી તેઓ નોંધ કરતા હતા. પીએચ.ડી. પછી તેમણે વિવિધ જાતનાં પક્ષીઓની વસાહત સ્થાપીને તેમની વર્તણૂકોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને શ્રેણીબદ્ધ સંશોધનપત્રો પ્રકાશિત કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી. લૉરેન્ઝે બતક અને હંસનાં બચ્ચાં અંડસ્ફોટન પછી તુરત જ પોતાનાં માતાપિતા કે પાલકોને અનુસરવાનું કેવી રીતે શીખે છે અને પૈતૃક પદાર્થ દ્વારા ઉદભવતી દૃશ્ય અને શ્રાવ્ય ઉત્તેજનાઓ સાથે સંકળાયેલી અધ્યંકન(imprinting)ની પ્રક્રિયાથી થતી બચ્ચાંઓની અનુક્રિયા (response) તેમની પુખ્તાવસ્થામાંની વર્તણૂક ઉપર કેવો પ્રભાવ પાડે છે તે વિષય ઉપર સંશોધનો કર્યાં. 1937માં તેઓ ‘Zeitschrift far Tierpschologie’ નામના અગ્રણી પ્રાણી-વર્તનવિજ્ઞાનના સંશોધનાત્મક સામયિકના મુખ્ય સહતંત્રી બન્યા. તે જ વર્ષે વિયેના યુનિવર્સિટીમાં તુલનાત્મક શારીરિકી અને પ્રાણી-માનસશાસ્ત્રના વ્યાખ્યાતા બન્યા. 1940થી 1942 દરમિયાન તેમણે આલ્બર્ટ્સ યુનિવર્સિટી, ક્યૂનિઝબર્ગમાં સામાન્ય માનસશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી.

1942થી 1944ના ગાળામાં તેઓ જર્મન લશ્કરમાં ચિકિત્સક તરીકે ફરજ બજાવતાં રશિયા સાથેના યુદ્ધમાં કેદી બન્યા. ત્યાંથી તેઓ 1948માં  ઑસ્ટ્રિયા પાછા ફર્યા અને 1949થી 1951 સુધી આલ્ટનબર્ગમાં તુલનાત્મક વર્તન-વિજ્ઞાનની સંસ્થાના વડા તરીકેની ફરજો નિભાવી. 1950માં બલ્ડર્ન, વેસ્ટફેલિયામાં મૅક્સ પ્લૅન્ક ઇન્સ્ટિટ્યૂટમાં તુલનાત્મક વર્તન-વિજ્ઞાનના વિભાગની સ્થાપના કરી અને 1954માં આ સંસ્થાના સહનિયામક બન્યા. 1961થી 1973 સુધી સીવીઇઝેનમાં વર્તનલક્ષી દેહધર્મવિદ્યા (behavioural physiology) માટેની મૅક્સ પ્લૅન્ક ઇન્સ્ટિટ્યૂટના નિયામક તરીકે તેમણે સેવાઓ આપી. પ્રાણી-વર્તન ઉપર કરેલાં નોંધપાત્ર સંશોધનોને કારણે 1973માં નિકોલસ ટિનબર્જેન અને કાર્લ વૉન ફ્રિશની ભાગીદારીમાં આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યા વિષય માટેનું નોબેલ પારિતોષિક તેમણે પ્રાપ્ત કર્યું.

કૉનરૅડ લૉરેન્ઝ

પર્યાવરણિક પરિબળોના પ્રભાવ અને જાતિના અસ્તિત્વ માટે વર્તનના અનુકૂલિત મૂલ્ય(adaptive value)ના સંદર્ભમાં જાતિમાં વર્તન-પ્રતિરૂપો (behavioural patterns) કેવી રીતે ઉદભવે છે, તેની સમજૂતીમાં લૉરેન્ઝની સંકલ્પનાઓ દ્વારા પ્રગતિ થઈ. તેમના મત પ્રમાણે પ્રાણીની જાતિના અસ્તિત્વ માટે મહત્વની માહિતીના વિશિષ્ટ પ્રકારો શીખવા અંગેના સંકેતો જનીનો દ્વારા પ્રાપ્ત થાય છે. તેમની સંકલ્પનાઓ વ્યક્તિના જીવનમાં વર્તન-પ્રતિરૂપોનો વિકાસ અને તેમનું પરિપક્વન કેવી રીતે થાય છે તેના ઉપર પ્રકાશ ફેંકે છે. પછીથી તેમના વિચારોને સામાજિક જાતિઓના સભ્યો તરીકે મનુષ્યોની વર્તણૂકને લાગુ પાડવામાં આવ્યા. તેમના મંતવ્ય અનુસાર મનુષ્યમાં લડાયક વલણ જન્મજાત હોય છે, પરંતુ યોગ્ય સમજૂતી અને મનુષ્યની સાહજિક વૃત્તિની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવાથી આ વલણમાં રૂપાંતર થઈ શકે છે.

પ્રાણી-વર્તનવિજ્ઞાનના વિશ્વવિખ્યાત વિદ્વાન તરીકે લૉરેન્ઝને યેલ, લૉયોલા, લીડ્ઝ, બેઝલ અને ઑક્સફર્ડ યુનિવર્સિટીઓએ માનાર્હ ઉપાધિથી નવાજ્યા અનેક પારિતોષિકો અને સન્માનો દ્વારા તેમની વિશ્વભરમાં કદર કરવામાં આવી.

મહાદેવ શિ. દુબળે