લૉરેન્સ, ટૉમસ એડ્વર્ડ (જ. 15 ઑગસ્ટ 1888, ટ્રેમૅડૉક, કૉર્નેર્વોન્શાયર, વેલ્સ; અ. 19 મે 1935, ક્લાઉડ્ઝ હિલ, ડૉર્સેટ, ઇંગ્લૅન્ડ) : લશ્કરી વ્યૂહરચનાના નિષ્ણાત અને યુદ્ધસમયે દંતકથારૂપ બની ગયેલા અંગ્રેજ વાયુદળના અફસર, જાંબાઝ સાહસવીર, શિલ્પસ્થાપત્યના અભિજ્ઞ સંશોધક અને પુરાતત્ત્વવિદ, ‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’ તરીકે નામના પામેલા અંગ્રેજ લેખક. તેઓ ખાડીના દેશોના જાણકાર અને આરબ પ્રજાના વિશ્વાસુ હતા અને યુવાન વયે રાજકારણી બનેલા. સાહિત્યકારોના તેઓ આદરણીય સાથી હતા. ઍંગ્લો-આઇરિશ જમીનદાર ટૉમસ ચૅપમૅન અને સારા મેડનના ગેરકાયદેસર સંતાન તરીકે તેમનો ઉછેર થયેલો. ઑક્સફર્ડની જિસસ કૉલેજમાંથી 1910માં ઉત્તમ બૌદ્ધિક દેખાવ સાથે પદવી મેળવી. સાથોસાથ રજાઓમાં ઇંગ્લૅન્ડથી ફ્રાન્સ સુધીનાં ઐતિહાસિક સ્થળો, પ્રાચીન ખંડિયેરોની મુલાકાત લઈને સંશોધન કર્યું. તે સાથે સાઇકલ પર ફરીને ફોટોગ્રાફી પણ કરી. ડી. જી. હૉગાર્થ તેમના માર્ગદર્શક હતા. તેમને પુરાતત્ત્વવિદ્યા અને મધ્યપૂર્વના દેશો વિશે જાણકારી મેળવવાનું તીવ્ર આકર્ષણ હતું. પોતે અરબી ભાષા જાણતા હતા. 1909માં તેમણે સીરિયાનો પ્રવાસ કરેલો. પોતે ટી. ઈ. તરીકે ઓળખાવાનું પસંદ કરતા. 1910-14 દરમિયાન યૂફ્રેટીસ નદીને કિનારે પુરાતત્ત્વીય ઉત્ખનનના કાર્યમાં તેઓ સક્રિય રહેલા. આ વખતે બ્રિટનના જાસૂસી વિભાગ સાથે પણ તેઓ જોડાયેલા હતા. તેમણે આરબોનો વિશ્વાસ અને આદર પ્રાપ્ત કર્યો હતો. 1918માં તેમણે દમાસ્કસમાં તુર્કોની હાર પછી, આરબ લશ્કર સાથે પ્રવેશ કરેલો. યુદ્ધ બાદ રાજકીય સલાહકાર તરીકે બ્રિટિશ એલચી કચેરીમાં 1922 સુધી સેવાઓ આપેલી. એક સમયે તેમની માનસિક સ્થિતિ બગડી જતાં પોતાની જાત ઉપર સખત ગુસ્સો કરતા હતા. ચિંતા અને ઉદ્વેગના માર્યા ભારે તણાવ અનુભવતા હતા. રૉયલ એર ફૉર્સમાં 1922માં જૉન હ્યૂમ રૉસના નામે તેઓ ભરતી થયેલા અને ટી. ઈ. શૉના નામે આર્મર્ડ કૉરમાં દાખલ થયેલા. પાછળથી રૉયલ એર ફૉર્સમાં પુન: જોડાયેલા અને નિવૃત્તિ પછી થોડા જ સમયમાં મોટર-બાઇક ચલાવતાં અકસ્માત થતાં તેમનું અકાળે અવસાન થયેલું. આ અકસ્માત તેમના ઘર નજીક ક્લાઉડ્ઝ હિલ, ડૉર્સેટમાં થયેલો.
વિશ્વયુદ્ધ પછી તુરત જ તેમણે આરબ બળવા વિશે ‘ધ સેવન પિલર્સ ઑવ્ વિઝ્ડમ’ (1926) લખવાનું શરૂ કર્યું હતું. આમાંનું ઘણું બધું લખાણ ખોવાઈ ગયું હતું; પણ પાછળથી યાદદાસ્ત ઉપરથી તે પુન: સર્જ્યું હતું. ઈ. એમ. ફૉર્સ્ટર જેવા સાહિત્યકારને તેમની શૈલી દાણાદાર (granular) લાગેલી. જી. બી. શૉએ પણ તેમને લેખન માટે પ્રેરણા આપેલી. શૉનાં પત્ની શાલૉર્ટને પોતાની અંગત ચિંતાઓની તેઓ જાણ કરતા. ‘રિવોલ્ટ ઇન ધ ડેઝર્ટ’ (1927) ‘ધ સેવન પિલર્સ’નું સંક્ષિપ્ત પ્રકાશન હતું. યુદ્ધ વિશેનું તે રંગદર્શી બયાન હતું. વિન્સ્ટન ચર્ચિલે આ મૂળ પુસ્તકને અંગ્રેજી ભાષામાં તે વિષય પર લખાયેલા મહાન પુસ્તકોમાંના એક તરીકે નવાજેલું. આ ઉપરાંત વિટંબણાઓથી ભરપૂર એવા લશ્કરી જીવનની હૂબહૂ છબીને પ્રગટ કરતાં કેટલાંક લખાણો આ લેખકે ઈ. એમ. ફૉર્સ્ટરને બતાવેલાં, જેમની તેમણે ભારોભાર પ્રશંસા કરેલી. ‘ધ મિન્ટ’ (1936) (ઇંગ્લૅન્ડમાં 1955) લૉરેન્સના અવસાન બાદ પ્રસિદ્ધ થયું હતું. હોમરના ગ્રીક મહાકાવ્ય ‘ઑડિસી’નો અનુવાદ કરાંચી અને પ્લિમથના વાયુદળની ફરજો બજાવતી વખતે કરેલો, જે 1932માં ટી. ઈ. શૉના નામે પ્રસિદ્ધ થયો હતો. ‘જે. એચ. રૉસ’ના તખલ્લુસથી તેમણે એડ્રિયન લે કૉર્બોના પુસ્તકનો અનુવાદ ‘ફૉરેસ્ટ જાયન્ટ’ (1924) નામથી પ્રસિદ્ધ કરેલો. તેમણે યુદ્ધસમયનાં ‘સીક્રેટ ડિસ્પૅચિઝ ફ્રૉમ અરેબિયા’ અને ‘ઑરિયેન્ટલ એસેમ્બલી’ લખેલાં, જે તેમના અવસાન બાદ 1939માં પ્રસિદ્ધ થયેલાં. ‘ઈવોલ્યૂશન ઑવ્ અ રિવોલ્ટ’ (1968) યુદ્ધ પછીના તેમના નિબંધો છે. ‘માઇનૉરિટિઝ’ (1971) લૉરેન્સની 100 જેટલી કાવ્યરચનાઓનો સંગ્રહ છે.
લૉરેન્સનું વ્યક્તિત્વ જટિલ હતું. તેમનું માનસ પ્રસિદ્ધિ કે કીર્તિલોલુપ ન હતું. કર્મઠ માનવી, કવિ, તપસ્વી, ચિંતાગ્રસ્ત, મિજાજી વ્યક્તિ અને નેતા તરીકે તેમણે મિત્રો, લેખકો અને સામાન્ય પ્રજા પર ચિરંતન છાપ પાડેલી. ઑડને લખેલ ‘ધી ઍસેન્ટ ઑવ્ એફ 6’નું વસ્તુ લૉરેન્સના જીવન પરથી લીધું છે. બર્નાર્ડ શૉના નાટક ‘ટૂ ટ્રૂ ટુ બી ગુડ’નો મીક તે લૉરેન્સ છે. મશહૂર ચલચિત્ર ‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’(1962)નો નાયક આ લૉરેન્સ જ છે. રૉબર્ટ ગ્રેવ્ઝે તેમનું પ્રમાણભૂત જીવનચરિત્ર (1927) લખ્યું છે. પી. નાઇટલી અને સિમ્પસને લૉરેન્સનું સંતુલિત ચરિત્ર પ્રસિદ્ધ કર્યું છે. ડી. ગાર્નેટે તેમના પત્રોનું સંપાદન 1938માં કરેલું.
વિ. પ્ર. ત્રિવેદી, બળદેવભાઈ કનીજિયા