લૉરેન્સ, જીન માર્ગરેટ (વીમ્ઝ)

January, 2005

લૉરેન્સ, જીન માર્ગરેટ (વીમ્ઝ) (જ. 18 જુલાઈ 1926, નિપાવા, મૅનિટોબા, કૅનેડા; અ. 1987) : નવલકથા અને ટૂંકી વાર્તાઓનાં કૅનેડિયન લેખિકા. નૂતન નારીત્વ માટેની ચળવળના પાયાના લેખકો પૈકીનાં એક. મૅનિટોબા યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું. ઇંગ્લૅન્ડ અને આફ્રિકાના પ્રવાસો ખેડેલા. તેમની કેટલીક નવલકથાઓની પશ્ર્ચાદ્ભૂમિકા આ દેશોની મુલાકાત પર નિર્ભર છે. શરૂઆતની કથાઓમાં આફ્રિકા ખંડના સોમાલિયા અને ઘાનામાં તેમના એન્જિનિયર પતિ સાથે વિતાવેલા 1950થી 1957ના સમયના અનુભવનો નિચોડ છે. ‘અ ટ્રી ફૉર પૉવર્ટી’(1954)માં સોમાલી લેખકોનાં તેમણે પસંદ કરેલાં લખાણો છે. ‘ધિસ સાઇડ જૉર્ડન’(1960)માં ઘાના રાજ્યના અવતરણ સાથે ત્યાંના સત્તાધીશો અને આફ્રિકાના મૂળ રહેવાસીઓના સંઘર્ષમય જીવનની કહાણી છે. ‘ધ ટુમૉરો  ટેમર’ (1963) ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. ‘ધ પ્રૉફેટ્સ કેમલ બેલ’ (1963, ઇંગ્લૅન્ડમાં અને અમેરિકામાં ‘ન્યૂ વિંડ ઇન અ ડ્રાય લૅન્ડ’(1964)માં લેખિકાએ આફ્રિકામાં વિતાવેલ જીવનની રજૂઆત કરી છે. ‘ધ સ્ટોન એંજલ’ (1964), ‘એ જેસ્ટ ઑવ્ ગૉડ’ (1966), ‘ધ ફાયર ડ્વેલર્સ’ (1969), ‘ધ ડિવાઇનર્સ’ (1974) અને ‘હાર્ટ ઑવ્ અ સ્ટ્રેન્જર’ (1977) કૅનેડા-વિષયક નવલકથાઓ છે. ‘એ જેસ્ટ ઑવ્ ગૉડ’નું ચિત્રપટ ‘રેશેલ, રેશેલ’ના નામે 1968માં પ્રદર્શિત થયેલું. ‘ધ ફાયર ડ્વેલર્સ’(1969)માં બે બહેનો, એક મૅનિટોબામાં શિક્ષિકા અને બીજી વૅનકુવરમાં સામાન્ય ગૃહિણી છે  તેમનાં વિશિષ્ટ વ્યક્તિત્વની જાળવણી માટે કરવા પડતા સંઘર્ષની કથા છે. આ પછી લૉરેન્સે બાળકો માટેની વાર્તાઓ લખવાનું શરૂ કર્યું.

લૉરેન્સને મળેલાં માન-અકરામોમાં ‘કંપેનિયન ઑવ્ ધી ઑર્ડર ઑવ્ કૅનેડા’ અને ‘ફેલો ઑવ્ ધ રૉયલ સોસાયટી ઑવ્ કૅનેડા’નો સમાવેશ થાય છે. 1967માં તેમને ગવર્નર જનરલનો સાહિત્યિક ઍવૉર્ડ અને 1974માં કેટલીક યુનિવર્સિટીઓ તરફથી માનદ ઉપાધિઓ આપવામાં આવેલી. યુનિવર્સિટી ઑવ્ ટોરૉન્ટો (196970), ‘યુનિવર્સિટી ઑવ્ વેસ્ટર્ન આટારિયો ઍટ લંડન’ (1973) અને ટ્રેન્ટ યુનિવર્સિટી, પીટરબરો, આટારિયો(1974)માં નિવાસી લેખિકા તરીકે રહેવાનું બહુમાન તેમને મળેલું.

વિ. પ્ર. ત્રિવેદી