લૉરેન્સિયમ : કૃત્રિમ રીતે સંશ્ર્લેષિત કરવામાં આવેલ વિકિરણધર્મી રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Lr. ફેબ્રુઆરી 1961માં બર્કલી(કૅલિફૉર્નિયા)માં આવેલી લૉરેન્સ રેડિયેશન લૅબોરેટરીમાં હેવી આયન લિનિયર ઍક્સિલરેટર (HILAC) વાપરી આલ્બર્ટ ઘિયૉર્સો, ટૉર્બજૉર્ન સિક્કલૅન્ડ, આલ્મન ઈ. લાર્શ અને રૉબર્ટ એમ. લાટિમરે આ તત્વની શોધ કરી હતી. તેમણે કૅલિફૉર્નિયમ તત્વ(પરમાણુક્રમાંક 98)ના સમસ્થાનિકો 249, 250, 251 અને 252 ધરાવતા 2 માઇક્રોગ્રામ જેટલા લક્ષ્ય (target) ઉપર બૉરૉન (પરમાણુક્રમાંક 5) આયનોનો મારો ચલાવી 8 સેકન્ડનું અર્ધઆયુ ધરાવતો (લૉરેન્સિયમનો) સમસ્થાનિક 257 મેળવ્યો હતો. ઉત્પન્ન થયેલા ધનભારવાહી Lr આયનોને ઋણભારિત એવી તાંબાની પટ્ટી પર એકઠા કરવામાં આવ્યા હતા.
(સમસ્થાનિક પ્રમાણે ન્યૂટ્રૉનની સંખ્યામાં વધઘટ થઈ શકે છે.)
ઉત્પન્ન થયેલ Lrનો અર્ધઆયુષ્ય સમય 8 સેકન્ડ હતો. સાઇક્લોટ્રૉનના શોધક અને બર્કલી ખાતેની રેડિયેશન લૅબોરેટરીના સ્થાપક અર્નેસ્ટ ઑર્લૅન્ડો લૉરેન્સના નામ ઉપરથી શોધકોએ તત્વને લૉરેન્સિયમ નામ આપી તેને માટે સંજ્ઞા Lw સૂચવેલી. પણ 1965માં IUPACએ તેને માટે સંજ્ઞા Lr નક્કી કરી છે.
1965માં મૉસ્કો પાસે દુબ્ના ખાતે આવેલી જૉઇન્ટ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ન્યૂક્લિયર રિસર્ચની પ્રયોગશાળામાં જી. એન. ફ્લેરૉવના માર્ગદર્શન હેઠળની ટીમે અમરેશિયમ-243 પર ઑક્સિજન-18ના આયનોનો મારો ચલાવી 45 સેકન્ડનું અર્ધઆયુ ધરાવતો સમસ્થાનિક 256Lr મેળવ્યો હતો.
લૉરેન્સિયમ એ આવર્તક કોષ્ટકના 3જા (અગાઉના III A) સમૂહમાં આવેલ ઍક્ટિનાઇડ (અથવા ઍક્ટોનાઇડ) શ્રેણીનું છેલ્લું (14મું) તત્વ છે. જ્યારે અનુયુરેનિયમ (transuranic) તત્ત્વોમાં તેનો નંબર 11મો છે.
લૉરેન્સિયમની પ્રાપ્તિ પ્રયોગશાળામાં નાભિકીય બાબવર્ષણ (bombardment) દ્વારા થતી હોવાથી તેની પ્રાપ્તિ અલ્પ પ્રમાણમાં થાય છે. પરિણામે તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો વિગતવાર અભ્યાસ થઈ શક્યો નથી. તેના કેટલાક ગુણધર્મો નીચેની સારણીમાં દર્શાવ્યા છે.
લૉરેન્સિયમના કેટલાક ગુણધર્મો
ગુણધર્મ મૂલ્ય |
પરમાણુક્રમાંક 103 |
સૌથી વધુ સામાન્ય સમસ્થાનિક |
દળ સંખ્યા 262 |
અર્ધઆયુ (કલાક) 3.6 |
સાપેક્ષ ન્યૂક્લાઇડિક દળ 262.110 |
ઇલેક્ટ્રૉનીય સંરચના [Rn]5f146d17s2 |
માનક વિભવ 2.1 |
E°(M3+/M) (વોલ્ટ) |
ઉપચયન અવસ્થા +3 |
સમસ્થાનિકોની સંખ્યા 8 |
257Lr આલ્ફા-કણોનું ઉત્સર્જન કરી મેન્દેલિવિયમમાં ફેરવાય છે.
ચિત્રા સુરેન્દ્ર દેસાઈ