લૉરેન્ઝ, હૅન્ડ્રિક આન્ટૂન

January, 2005

લૉરેન્ઝ, હૅન્ડ્રિક આન્ટૂન (જ. 18 જુલાઈ 1853, એમ્હેમ, હૉલેન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1928) : વિકિરણ ઘટનાઓ ઉપર ચુંબકત્વની અસરને લગતા સંશોધન દ્વારા કરેલી ઉત્કૃષ્ટ સેવા અને તેની સ્વીકૃતિ બદલ 1902નું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પુરસ્કાર મેળવનાર ડચ ભૌતિકવિજ્ઞાની.

હૅન્ડ્રિક આન્ટૂન લૉરેન્ઝ

નવ વર્ષની ઉંમરે માતાનું અવસાન થતાં તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે શાળાઓમાં ગ્રેડ અપાતી ન હતી. સવારે, બપોર પછી અને રાત્રે નિશાળમાં હાજરી આપવાનો શિરસ્તો હતો. 1866માં તેમના વતન એમ્હેમમાં પ્રથમ વાર શાળા ખોલવામાં આવી. લોરેન્ઝની નાનપણથી પ્રતિભાસંપન્ન (gifted) વિદ્યાર્થી તરીકે ગણના થતી હતી. તેને સીધેસીધો ત્રીજા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પાંચમા પછી શિષ્ટ સાહિત્ય(classic)નો અભ્યાસ કરી, 1870માં લીડન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. 1871માં ભૌતિકવિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં બી.એસસી.ની ઉપાધિ મેળવી. 1872માં એમ્હેમમાં પરત આવી રાત્રિશાળામાં શિક્ષકની નોકરી શરૂ કરી. સાથે સાથે પરાવર્તન (reflection) અને વક્રીભવન (refraction) ઉપર સંશોધન કરી ડૉક્ટરેટ માટેનો મહાનિબંધ (thesis) તૈયાર કર્યો. 1875માં માત્ર 22 વર્ષની વયે તેમણે ડૉક્ટરની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારબાદ માત્ર ત્રણ જ વર્ષ પછી તેમને લીડન ખાતે સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાનનું વિદ્યાસન (chair) મળ્યું, જે ખાસ તેમના માટે ઊભું કરવામાં આવેલ. પરદેશમાં તેના કરતાં ઊંચાં વિદ્યાસનો માટેનાં આમંત્રણ મળવા છતાં, તેમણે પોતાની માતૃસંસ્થાને વફાદાર રહી ત્યાં જ સેવાઓ આપી. ત્યારબાદ હાર્લેમ ખાતે ક્યુરેટર ઑવ્ ટેલર્સ ફિઝિકલ કૅબિનેટ અને ડચ સોસાયટી ઑવ્ સાયન્સિઝના મંત્રી તરીકે બેવડી ભૂમિકા એકસાથે નિભાવી ત્યારે લીડન ખાતે અનન્ય પ્રાધ્યાપક તરીકે તો ચાલુ જ રહ્યા હતા અને જીવનપર્યંત સોમવારની સુંદર સવારે પોતાનાં વ્યાખ્યાનો આપતાં રહ્યાં. ટેલર્સ ફાઉન્ડેશનના દૃષ્ટિવંત નિયામકોએ વહીવટ-કાર્યોમાંથી મુક્તિ આપી અને અદ્વિતીય શક્તિશાળી અને બુદ્ધિનિષ્ઠ લૉરેન્ઝને પોતાના સંશોધનનો વિસ્તાર વધારવાની ઉમદા તક આપી. વળી તેમને વિજ્ઞાનજગતની ઉત્કૃષ્ટ સેવા કરવા માટે તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી.

જેમ્સ કલાર્ક મૅક્સવેલના વિદ્યુત અને પ્રકાશના સિદ્ધાંતને આગળ ધપાવી પોતાનું વૈજ્ઞાનિક કાર્ય શરૂ કર્યું. તે સમયે તદ્દન નવા જ દૃષ્ટિબિંદુ સાથે તેમણે તેમના ડૉક્ટરેટના મહાસંશોધનલેખમાં પરાવર્તન અને વક્રીભવનની ઘટનાઓ સાથે કામ હાથ ધર્યું. વિદ્યુત અને પ્રકાશવિજ્ઞાનમાં હાથ ધરેલા મૂળભૂત સંશોધનકાર્યથી તેમણે દ્રવ્યની પ્રકૃતિને લગતી સમકાલીન વિભાવનાઓ પરત્વે ક્રાંતિ સર્જી.

1878માં માધ્યમ, તેની ઘનતા અને બંધારણને લક્ષમાં રાખી પ્રકાશના વેગ ઉપર શોધ-નિબંધ પ્રગટ કર્યો. ડેનિશ ભૌતિકવિજ્ઞાની લૉરેન્ઝે પણ સ્વતંત્ર રીતે આવું જ કાર્ય કર્યું. આથી માધ્યમ અને પ્રકાશના વેગને લગતા સંબંધને ‘લૉરેન્ઝ-લૉરેન્ઝ’ સૂત્ર કહે છે.

લૉરેન્ઝે ગતિ કરતા પદાર્થોને લગતો મૂળભૂત અભ્યાસ કર્યો. પ્રકાશના વિપથન (aberration) અને તેને લગતી અન્ય સમસ્યાઓ સંબંધે વિગતવાર અભ્યાસ કરતાં તેમણે સ્થિર ઈથરની એ. જે. ફ્રેનલની પરિકલ્પના સ્વીકારી લીધી. આ પૂર્વધારણા વિદ્યુત અને પ્રકાશકીય ઘટનાઓના વ્યાપક સિદ્ધાંતનો પાયો બની.

લૉરેન્ઝના અભ્યાસમાંથી ઇલેક્ટ્રૉનનો ખ્યાલ ઊભર્યો. વિદ્યુતચુંબકીય ઘટનાઓમાં આવો સૂક્ષ્મકણ ઇલેક્ટ્રૉન મહત્વનો ભાગ ભજવે છે. વળી ગતિ કરતા પારદર્શક માધ્યમમાં પ્રકાશની વર્તણૂક પણ તે સમજાવે છે.

1904માં લૉરેન્ઝે સ્થિર અને ગતિ કરતી સંદર્ભ-પ્રણાલિકા (frame of reference) વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીને લૉરેન્ઝ રૂપાંતરણો તૈયાર કર્યાં તેમાં એવી હકીકતનો ઉપયોગ કરવામાં આવ્યો કે વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતાં વિદ્યુતચુંબકીય બળોમાં સહેજ સંકુચન પેદા થાય છે. પરિણામે પદાર્થનું ગતિની દિશામાં સંકુચન થાય છે. તેથી ઈથરની સાપેક્ષે પૃથ્વીની ગતિ-સમજૂતી મળતી નથી, પણ આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના વ્યાપક સિદ્ધાંત માટે માર્ગ મોકળો થયો.

અગાઉના વિજ્ઞાનીઓએ જે કંઈ અધૂરું છોડ્યું હતું તેને પૂરું કરવા માટે ક્વૉન્ટમ સિદ્ધાંતને આધારિત નવા વિચારોનું સિંચન કરીને ફળદાયી ભૂમિકા તૈયાર કરી. આથી તે સમયે અને આજે પણ દુનિયાના ભૌતિકવિજ્ઞાનીઓ લૉરેન્ઝને મહાન વિભૂતિ તરીકે ગણાવે છે.

1919માં સમુદ્રના પાણીની હિલચાલનો અભ્યાસ કરવા માટે રચાયેલ સમિતિનું અધ્યક્ષપદ તેમને આપવામાં આવ્યું. તેમણે દ્રવચાલિત (hydraulic) ઇજનેરીમાં કરેલું કાર્ય કાયમને માટે ઉપયોગી અને યાદગાર બની રહ્યું. શરૂઆતનાં આઠ વર્ષ લગી તેમણે દ્રવચાલિત ઇજનેરીને લગતી ગણતરીઓ કરેલી તેની વ્યવહારમાં સચોટ રીતે ચકાસણી કરી શકાઈ. આ તેમની સિદ્ધિ ઊડીને આંખે વળગે તેવી છે. દ્રવચાલન વિજ્ઞાનમાં તેમનું કાર્ય ધ્રુવપદ સમાન છે.

સમગ્ર વિશ્વમાંથી લૉરેન્ઝને માન અને સન્માન મળ્યાં છે. જ્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય સભા-સમારંભોના આયોજનમાં તેમને અધ્યક્ષપદ આપવામાં આવતું ત્યારે તેમણે તેમની અસાધારણ આવડત, સાથે સમર્થ ભાષાપ્રભુત્વ, વિવેક અને ડહાપણ સાથે જે તે કાર્યક્રમનું સંચાલન કરતા મૃત્યુપર્યંત તે સોલ્વે કૉંગ્રેસના અધ્યક્ષ રહ્યા. લીગ ઑવ્ નેશન્સની ઇન્ટરનૅશનલ કમિટી ઑવ્ ઇન્ટેલેક્ચ્યુઅલ કો-ઑપરેશનમાં તેઓ 1923માં સભ્ય તરીકે ચૂંટાયા. આ કમિટીનું મુખ્ય લક્ષણ એ છે કે તેમાં વિશ્વના માત્ર સાત ખ્યાતનામ સ્કૉલરોનો સમાવેશ થાય છે. 1925માં આ કમિટીના તેઓ અધ્યક્ષ બન્યા.

પોતાના રાષ્ટ્રની સરકારમાં લૉરેન્ઝ ઘણો ઊંચો મોભો ધરાવતા હતા. રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી ઉત્પાદન કરવા માટે કોઈ પણ વાત કે યોજના સરકારને ગળે ઉતારવા તેઓ સક્ષમ હતા. તેને પરિણામે ઘણાં સંગઠનો તૈયાર થયાં હતાં.

લૉરેન્ઝનું વ્યક્તિત્વ અત્યંત મોહક હતું. તેમના સમયનો કોઈ પણ નેતા હોય કે સામાન્ય નાગરિક હોય તેની સાથે તેમણે શુદ્ધ અને નિસ્પૃહી વ્યવહાર કર્યો છે. સમાજમાં તેમનો વ્યવહાર માનવીય રહ્યો હતો.

પ્રહલાદ છ. પટેલ