લૉરાના, ફ્રાન્ચેસ્કો (Laurana, Francesco) (જ. આશરે 1430, વ્રાના, ડૅલ્મેશિયા, રિપબ્લિક ઑવ્ વેનિસ, ઇટાલી; અ. 12 માર્ચ પહેલાં 1502, આવીન્યોન, ફ્રાન્સ) : સ્ત્રીઓનાં ખૂબ જ લાવણ્યસભર બસ્ટ-પૉર્ટ્રટ સર્જવા માટે જાણીતો રેનેસાંસ શિલ્પી તથા ફ્રાન્સમાં રેનેસાંસ કલાશૈલીનો પ્રવર્તક.
એની આરંભિક કારકિર્દી વિશે માહિતી મળતી નથી. 1453માં એરેગોનના રાજા એલ્ફોન્સો બીજાએ એની પાસે શિલ્પો કોતરાવેલાં અને એરેગોનના કિલ્લાનો વિજય-દરવાજો પણ કોતરાવેલો. 1461થી 1466 સુધી એ રીનીમાં રહ્યો. 1468માં તે સિસિલી ગયો અને ત્યાં તેમજ નેપલ્સમાં જ તે જીવનના અંત લગી રહ્યો હોય તેવું અનુમાન કરવામાં આવે છે.
એણે આરસ કોતરીને શિલ્પ સર્જવાનો રસ્તો અપનાવેલો. એનાં શ્રેષ્ઠ બસ્ટ-પૉર્ટ્રટમાં બાપ્તિસ્તા સ્ફૉર્ગ્મ, બિયાત્રિસ ઑવ્ એરેગોન અને ઇપ્પોલિતા મારિયા સ્ફૉર્ગ્મનો સમાવેશ થાય છે. ગંભીર, શાંત ધ્યાનસ્થ એવાં આ શિલ્પો ખૂબ જ ગૌરવાન્વિત (dignified) જણાય છે; વિશ્વથી જાણે અલિપ્ત (detached) હોય એવાં જણાય છે. ખૂબ જ ઓછી વિગતો કંડારીને શિલ્પને તે સાદગીભર્યાં ને ભૌમિતિક આકૃતિપ્રધાન બનાવતો. એની કલાનાં આ લક્ષણો એક અન્ય રેનેસાંસ શિલ્પી પિયેરો દેલ્લ ફ્રાંચેસ્કાને મળતાં આવે છે.
અમિતાભ મડિયા