લૉમ્બૉક (Lombok) : ઇન્ડોનેશિયામાં આવેલી લઘુ સુન્દા ટાપુશ્રેણીમાં બાલી અને સુંબાવા ટાપુઓ વચ્ચે રહેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 8° 45´ દ. અ. અને 116° 30´ પૂ. રે.ની આજુબાજુનો 4,730 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમે આવેલા બાલી ટાપુથી લૉમ્બૉકની સામુદ્રધુની દ્વારા અને પૂર્વ તરફ આવેલા સુંબાવા ટાપુથી ઍલાસની સામુદ્રધુની દ્વારા અલગ પડે છે. તેની ઉત્તરે ફ્લોરેંસ સમુદ્ર તથા દક્ષિણે હિન્દી મહાસાગર આવેલા છે. તેનો આકાર લગભગ સમચોરસ છે તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 115 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 80 કિમી. જેટલી છે.

લૉમ્બોક ટાપુ

ભૂપૃષ્ઠ : ભૂપૃષ્ઠની દૃષ્ટિએ આ ટાપુ ત્રણ વિભાગોમાં વહેંચાયેલો છે : પૂર્વપશ્ચિમ વિસ્તરેલી બે પર્વતમાળાઓ અને તેને અલગ પાડતી મધ્યની પહોળી ખીણ. દક્ષિણ તરફની પર્વતમાળામાં પૂર્વ અને પશ્ચિમ છેડે બે દ્વીપકલ્પ આવેલા છે. તે 300 મીટરથી વધુ વિસ્તરેલા નથી. ઉત્તર તરફની પર્વતમાળા જ્વાળામુખીજન્ય છે, તે ઉન્નત ઉચ્ચપ્રદેશ રૂપે ઊંચકાયેલો છે. તેની ઉપર મલય દ્વીપસમૂહનું રિન્જાની જ્વાળામુખી નામનું સર્વોચ્ચ શિખર 3,768 મીટર ઊંચાઈ ધરાવે છે. મધ્યની ખીણ બે મેદાની સ્વરૂપોમાં વિભાજિત થયેલી છે, તે ફળદ્રૂપ છે. વળી ત્યાં પાણી પણ મળી રહે છે, તેથી સિંચાઈની સુવિધાથી ખેતી કરી શકાય છે. પર્વતો જંગલ-આચ્છાદિત છે અને તેથી ઓછી વસ્તીવાળા છે. અહીંની નાની નદીઓ નૌકાવ્યવહાર માટે અનુકૂળ નથી, પરંતુ ખેતી માટે મહત્વની છે. સમુદ્રકિનારા ઊબડખાબડ છે. ઉત્તર અને દક્ષિણ તરફ તે ઉગ્ર ઢોળાવોવાળા છે, પરંતુ પૂર્વ અને પશ્ચિમ તરફ અખાતો તથા લંગરવાડાની સગવડો જોવા મળે છે. પાટનગર માતારમ નજીક આવેલો ઍમ્પેનાનનો લંગરવાડો જાણીતો છે. આબોહવાની દૃષ્ટિએ અહીંની રાત્રિઓ ઠંડી રહે છે. અહીં વાતા પૂર્વ અને પશ્ચિમના મોસમી પવનો માફકસરનો વરસાદ આપી જાય છે.

પ્રાણીજીવન : વિશેષે કરીને અહીંનું પ્રાણીજીવન ખૂબ રસપ્રદ ગણાય છે. આલ્ફ્રેડ રસેલ વૉલેસે લૉમ્બૉકની સામુદ્રધુનીમાંથી એક એવી સીમારેખા દોરી આપીને સ્પષ્ટતા કરી છે કે ત્યાં એશિયાઈ અને ઑસ્ટ્રેલિયન પ્રાણીસ્વરૂપો જુદાં પડી આવતાં જણાય છે. તેથી લૉમ્બૉક સંક્રાંતિપ્રદેશ છે. ત્યાં કેટલીક મિશ્ર પ્રાણીજાતો પણ જોવા મળે છે. જોકે ઑસ્ટ્રેલિયન પ્રાણી-પ્રકારો અહીં વિશેષ પ્રમાણમાં છે. બાલીમાં વસતા વાઘ અને બીજાં કેટલાંક વન્ય પ્રાણીઓનો લૉમ્બૉકમાં તદ્દન અભાવ છે, પરંતુ પોપટ અને વિવિધ પ્રકારનાં કેટલાંક પક્ષીઓ છે, જે લૉમ્બૉકની સામુદ્રધુનીથી પશ્ચિમે જોવા મળતાં નથી.

લૉમ્બૉકની વસ્તી આ ટાપુના આદિવાસીઓ અને મોટામાં મોટા જૂથ સસક (Sasaks) લોકો, બાલી લોકો, કેટલાક અરબો, ચીનાઓ અને બુગીનીઓ(Buginese)થી બનેલી છે. અહીંના સસકો મુસ્લિમો છે, પરંતુ તેમના પર બાલી હિન્દુઓનું વર્ચસ્ છે, તેથી સસકોએ પણ હિન્દુ સંસ્કૃતિનો કેટલોક અંશ સ્વીકારેલો છે. અહીં કાપડ ઉદ્યોગ અને ધાતુ-એકમો વિકસ્યા છે. અહીંના કૃષિપાકોમાં ડાંગર, મકાઈ, કપાસ, તમાકુ, ગળી અને કૉફી તથા પશુપાલનનો સમાવેશ થાય છે. અહીંથી ચોખા, પશુઓ અને પ્રક્રમિત માંસની નિકાસ થાય છે, જ્યારે ન પેદા થતી બધી જ ચીજવસ્તુઓની આયાત થાય છે. અહીં રેલસુવિધા નથી, માત્ર સડકમાર્ગો, પહાડી માર્ગો અને દરિયાઈ માર્ગોથી અવરજવર થાય છે. માતારમ આ ટાપુનું પાટનગર (1990માં વસ્તી 1,41,387) છે. અહીંનું મોટામાં મોટું બંદર અમ્પેન્ગ પાટનગરથી થોડા કિમી. અંતરે પશ્ચિમ કાંઠે આવેલું છે. બીજા લંગરવાડા લૅબુઆન ત્રિંગ (દક્ષિણ તરફ), સુગિયન (ઉત્તર તરફ) અને બ્લૉન્ગાસ (દક્ષિણ કાંઠે) પણ મહત્વના છે. તે પીજુ, લૅબુઆન હાજી અને લૉમ્બૉકના અખાતો પર આવેલા છે.

ઇતિહાસ : જૂના વખતમાં, નજીકના ટાપુવાસી શિકારીઓનાં આક્રમણોથી સહન કરવાનું રહેતું. વળી વિદેશી આક્રમકોએ પણ આ ટાપુ પર પોતાનું આધિપત્ય જમાવેલું. તે પછીથી લૉમ્બૉક અનુક્રમે મકાસરના સુલતાન, સુમ્બાવાના રાજકુમાર, ડચ વેપારીઓ તેમજ બાલીનિવાસીઓના શાસન હેઠળ રહેલું. 1740 સુધીમાં તો આ આખોય ટાપુ બાલીની પ્રજા બની રહ્યો, અને માતારમમાં બાલીની જાગીરની સ્થાપના કરેલી. માતારમના શાસકો અહીંના સસકો સાથે ઘાતકી રીતે વર્તેલા, તેથી 1894માં તેમણે ડચ લોકોની મદદ માગેલી. ડચ લોકો આવ્યા અને ત્યાં પોતાનું આધિપત્ય જમાવી દીધું. આખોય ટાપુ બાલીની જાગીરનો ભાગ બની રહ્યો. પછીથી તેના પૂર્વ, પશ્ચિમ અને મધ્ય એવા જિલ્લા પાડ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, આ ટાપુ જાપાનીઓએ કબજે કરી લીધો. 1945 પછી તેના પર નેધરલૅન્ડ્ઝની સત્તા આવી. 1946માં તે સ્વાયત્ત પૂર્વ ઇન્ડોનેશિયામાં ભળ્યો, જેને 1950માં ઇન્ડોનેશિયાના પ્રજાસત્તાકમાં ભેળવી દેવામાં આવ્યો.

ગિરીશભાઈ પંડ્યા