લૉન ટેનિસ : ટેનિસની રમતનો એક પ્રકાર. લૉન ટેનિસની રમતને સામાન્ય પ્રજા ‘ટેનિસ’ના નામથી વધુ ઓળખે છે. શરૂઆતમાં આ રમત ફક્ત ઘાસની લૉન પર જ રમાતી હોવાથી ‘લૉન ટેનિસ’ તરીકે જાણીતી બની હતી. પરંતુ અત્યારે તો આ રમત ક્લે કોર્ટ (માટીનો કોર્ટ) તથા સિમેન્ટ કોર્ટ પર પણ રમાય છે. સામાન્ય પ્રજામાં ટેનિસની રમત વધુ પ્રચલિત ન હોવા છતાં પણ આજે એની ગણના વિશ્વની ખૂબ જ લોકપ્રિય રમતોમાં થાય છે. મોટા ભાગે આ રમત રમનાર લોકો ધનાઢ્ય વર્ગના હોય છે, કારણ કે આ રમત માટેનાં સાધનો તેમજ એનું મેદાન ખૂબ જ મોંઘાં હોય છે. આ રમત રમનાર ખેલાડીઓને રમવા માટે પુષ્કળ પૈસા મળતા હોય છે અને તેથી જ આ રમત બિનધંધાદારી (amateur) કરતાં ધંધાદારી (professional) ખેલાડીઓમાં વધુ પ્રચલિત છે.

લિયેન્ડર પેસ અને મહેશ ભૂપતિ
આમ તો ટેનિસની રમત ખૂબ જ જૂની રમત છે, કારણ કે તેરમી સદી દરમિયાન આ જાતની રમત ફ્રાંસમાં રમાયેલી એવા પુરાવાઓ મળે છે. છતાં પણ વિશ્વને પદ્ધતિસરની ટેનિસની રમત આપવાનું શ્રેય ઇંગ્લૅન્ડને જાય છે. આ રમતનું સૌથી જૂનું મેદાન હેમ્પટનનું ગણાય છે. આ રમતના સર્વપ્રથમ નિયમો 1875માં ‘મેટિલબોન ક્રિકેટ ક્લબ’ (M.C.C.) દ્વારા ઘડવામાં આવ્યા હતા. આ રમત ભાઈઓ તથા બહેનો – બંને રમી શકે છે. એટલે ધીમે ધીમે આ રમત ઇંગ્લૅન્ડમાં ભાઈઓ તેમજ બહેનોમાં લોકપ્રિય બની તથા 1877માં લંડન પાસે આવેલા વિમ્બલ્ડન નામના પરાવિસ્તારમાં વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધાની શરૂઆત થઈ, જેની ગણતરી આજે વિશ્વની શ્રેષ્ઠ સ્પર્ધાઓમાં થાય છે તથા દર વર્ષે વિશ્વના કરોડો લોકો આ સ્પર્ધાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. એવી રીતે જ ટેનિસમાં ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન તથા યુ.એસ. ઓપનની સ્પર્ધાઓ પણ ખૂબ જ લોકપ્રિય છે અને જો કોઈ ખેલાડી એક જ વર્ષમાં આ ચારે-ચાર ટુર્નામેન્ટમાં વિજયી બને તો તેને ‘ગ્રાંડ સ્લેમ’ની સિદ્ધિ મળે છે. ટેનિસની રમતની આ એક વિરલ સિદ્ધિ છે. 1969માં ઑસ્ટ્રેલિયાના રોડ લેવર નામના ખેલાડીએ આવી સિદ્ધિ બીજી વાર મેળવીને ઇતિહાસ સર્જેલો.
આંતરરાષ્ટ્રીય લૉન ટેનિસ ઍસોસિયેશનની સ્થાપના 1913માં થઈ હતી. તે પહેલાં ‘ડેવિસ કપ’ની શરૂઆત 1900માં થઈ હતી. આ કપ અમેરિકાના ડ્વાઇટ એફ. ડેવિસે ભેટ આપ્યો હતો અને તેથી જ આ કપને ‘ડેવિસ કપ’ કહેવામાં આવે છે તથા આજે તો ટેનિસમાં આ કપની સરખામણી ‘વિશ્વ કપ’ સાથે કરવામાં આવે છે.

રમેશ કૃષ્ણન્
ભારતે સૌપહેલાં 1921માં ‘ડેવિસ કપ’ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અન્ય પશ્ચિમી રમતોની જેમ અંગ્રેજ લોકો દ્વારા આ રમતની શરૂઆત ભારતમાં થઈ. મોંઘી રમત હોવાને કારણે આમજનતાની રમત બની શકી નહિ; પરંતુ ભારતના કેટલાક ખેલાડીઓ જેવા કે રામનાથન કૃષ્ણન્, રમેશ કૃષ્ણન્, વિજય અમૃતરાજ, લિયેન્ડર પેસ, મહેશ ભૂપતિ તથા મહિલાઓમાં નિરૂપમા માંકડ, સોનિયા મિર્ઝા વગેરેએ આ રમતમાં વિશ્વકક્ષાએ સારી નામના મેળવી છે. આ રમતમાં સારો દેખાવ કરવા બદલ કેટલાક ખ્યાતનામ ખેલાડીઓને ‘પદ્મભૂષણ’, ‘પદ્મશ્રી’ અને ‘અર્જુન ઍવૉર્ડ’થી પણ નવાજવામાં આવ્યા છે. રામનાથન્ કૃષ્ણને તો રમતગમતનો આંતરરાષ્ટ્રીય ‘હેલ્મસ ઍવૉર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો. 1996ના ઓલિમ્પિક્સમાં લિયેન્ડર પેસે કાંસ્યચંદ્રક મેળવીને નવો ઇતિહાસ સર્જ્યો હતો. આ રીતે ભારતના ઘણા ખેલાડીઓએ લૉન ટેનિસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવીને ભારતને વિશ્વકક્ષાએ નામના અપાવી છે.
પ્રભુદયાલ શર્મા