લોન, અલી મુહમ્મદ

January, 2005

લોન, અલી મુહમ્મદ (જ. 1926, શ્રીનગર, કાશ્મીર) : કાશ્મીરી અને ઉર્દૂ નાટ્યકાર અને વાર્તાકાર. તેમના પિતા મારફત શરૂઆતમાં તેમને ફારસીની ઉત્તમ કૃતિઓનું શિક્ષણ મળ્યું. 1946માં તેઓ પંજાબ યુનિવર્સિટી, લાહોરમાંથી, બી.એ. થયા અને ‘ખિદમત’ના સહ-સંપાદક બન્યા. દેશના ભાગલા બાદ તેઓ કાશ્મીર મિલિશિયામાં રાજકીય કમાન્ડર તરીકે જોડાયા. 1948માં તેઓ ‘રેડિયો કાશ્મીર’માં ક્લાર્ક તરીકે જોડાયા અને 1956માં વિષયવસ્તુ-લેખક અને 1965માં મદદનીશ નિર્માતા બન્યા.

ત્યારબાદ તેઓ જમ્મુ અને કાશ્મીરની કલા, ભાષા અને સાંસ્કૃતિક અકાદમીમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે જોડાઈ 1981માં નિવૃત્ત થયા ત્યાં સુધી કાર્યરત રહ્યા. કલ્ચરલ કૉંગ્રેસની પ્રગતિશીલ અસર હેઠળ તેમણે ઉર્દૂમાં પ્રથમ વાર્તા ‘બચ્ચે’ પ્રગટ કરી. ત્યારબાદ ‘ચટ્ટાન’ (ધ રૉક, 1954), ‘દીવાને કા ખ્વાબ’ (‘મૅડમૅન્સ ડ્રીમ’, 1958), ‘ખાલુજાન કા ખ્વાબ’ (‘અંકલ્સ ડ્રીમ’, 1962) નામક નાટકો દ્વારા તેઓ ખ્યાતિ પામ્યા.

તેમણે ‘શહીત હૈ તેરી આરઝૂ’ (1964) નામની ઉલ્લેખનીય નવલકથા પ્રગટ કરી, જે બદલ તેમને જમ્મુ અને કાશ્મીર કલ્ચરલ અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. ત્યારબાદ તેમણે 12 જેટલા કાશ્મીરી વાર્તાસંગ્રહો આપ્યા; છતાં તેમનું મુખ્ય કાર્ય રેડિયો-નાટકો રચવાનું રહ્યું અને એવાં લગભગ 150 નાટકો તેમણે રચ્યાં.

તેમનાં નોંધપાત્ર ઉર્દૂ નાટકોમાં ‘વાદી સોચ રહી થી’ (‘ધ વાદી વૉઝ થિંકિંગ, 1954); ‘ઝિંદગી સે કરીબ’; ‘ચિરાગ ઔર સાયે’(1969)નો સમાવેશ થાય છે; જ્યારે કાશ્મીરી નાટકોમાં ‘કંડી સહરાવ્તા વજૂદ’ (‘ધી ઍરિડ રેલ્મ ઍન્ડ એગ્ઝિસ્ટન્સ’); ‘તા વ્યાથ રુઝ પકનં’ (‘ઍન્ડ ધ વિતાસ્તા ફ્લોઝ’); ‘વનરાજ’ અને ‘મ્યાની જિગ્ર કી દાદી વ્વાટ’ (રાઇઝ હાર્ટેક રાઇઝ, 1972) ઉલ્લેખનીય છે. આ ચારેય નાટકો રાષ્ટ્રીય કાર્યક્રમમાં પ્રસારિત કરાયાં હતાં.

મૅક્સિમ ગૉર્કીની કૃતિ ‘મધર’નો તેમનો કાશ્મીરી અનુવાદ રાજ્ય અકાદમી દ્વારા પ્રગટ કરાયો હતો. તેને 1972માં સોવિયેત નહેરુ ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. સોમદેવના ‘કથાસરિત્સાગર’ પર આધારિત તેમની ‘વૈતાલ પચ્ચીસી’ રેડિયો-શ્રેણી ઘણી લોકપ્રિય પુરવાર થઈ હતી. તેમણે 1966માં કાશ્મીરી લોકગીતોના ગ્રંથ ‘કશરી લુકા બથ’નું અને ‘ઇન્ડિયન પૉએટ્રી ટુડે’ના કાશ્મીરી વિભાગનું સંપાદન કર્યું હતું  (1977). સાહિત્યિક ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેમને રાજ્ય અકાદમી દ્વારા બે વખત ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.

તેમના અદ્યતન નાટક ‘સૂય્યા’ જે કલ્હણની ‘રાજતરંગિણી’ની પ્રાસંગિક કથા પર આધારિત છે. તેને 1972ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તે અવંતિવર્મનના પ્રાચીન રાજ્યમાંના ઇજનેર સૂય્યા ઐતિહાસિક પાત્રની આસપાસ ગૂંથાયેલ છે. તે કૃતિ તેમાંના ઉન્નત આદર્શવાદ અને સફળ શિલ્પકારિતાને લીધે સમકાલીન કાશ્મીરી સાહિત્યમાં અનોખું પ્રદાન લેખાય છે.

બળદેવભાઈ કનીજિયા