લોનાર સરોવર (Lonar Lake)

January, 2005

લોનાર સરોવર (Lonar Lake) : મહારાષ્ટ્ર રાજ્યના બુલદાણા જિલ્લામાં દક્ષિણ ભાગમાં આવેલું ખારા પાણીનું સરોવર. બેસાલ્ટ ખડકબંધારણવાળા દખ્ખણના પઠાર પ્રદેશમાં ઉદભવેલા ગર્તમાં આ સરોવર તૈયાર થયેલું છે. તે જ્વાળાકુંડ (crater) અથવા ઉલ્કાપાત ગર્ત હોવાનું કહેવાય છે. પંકથરથી બનેલી તેની ઈશાન બાજુને બાદ કરતાં તે લગભગ ગોળ આકારવાળું છે. આ સરોવર મહત્તમ 150 મીટરની ઊંડાઈવાળું અને 1,600 મીટરના વ્યાસવાળું છે. તેની બાહ્ય કિનારી આજુબાજુના ભાગ કરતાં 20 મીટર જેટલી ઊંચી છે. તેની બધી બાજુઓ બેસાલ્ટના ખડકોથી બનેલી છે.

 ગર્તની ઊંચી દીવાલોથી બંધાયેલા આ સરોવરમાંથી બહાર નીકળતો કોઈ જળનિર્ગમમાર્ગ નથી. ગર્તના ઉદભવ પછીનાં બધાં જ વર્ષો દરમિયાન તેનાં જળ બંધિયાર સ્થિતિમાં જ રહ્યાં છે. તે 150 મીટરની ઊંડાઈ ધરાવતું હોવા છતાં તેના તળનો મોટો ભાગ છીછરો છે, અર્થાત્ ઓછામાં ઓછું 2 મીટર ઊંડું પાણી તો તેમાં રહે છે. માત્ર ચોમાસામાં પડતા વરસાદથી તેમાં થોડું ઘણું ઉમેરણ થાય છે ખરું. ઉનાળા દરમિયાન ગરમીને કારણે તેનું બાષ્પીભવન થાય છે, ત્યારે તેની જળસપાટીમાં થોડોક ઘટાડો થાય છે; જોકે 1991માં આ સરોવર તદ્દન શુષ્ક બની ગયેલું હોવાની પરિસ્થિતિ પણ જોવા મળેલી છે.

આ સરોવરનું વિશિષ્ટ લક્ષણ તેની વધુ પડતી ક્ષારતા છે. વધુ પડતી ખારાશની સાથે સાથે તે ઊંચી અલ્કલતા (pH મૂલ્ય 10.5) પણ ધરાવે છે. જળનું બાષ્પીભવન થતું રહેતું હોવા છતાં તેના અલ્કલ ગુણધર્મને કારણે તે કાયમી જળથી ભરાયેલું રહે છે. તેની જળસપાટી અલ્કલ દ્રવ્યના આવરણવાળી બની રહેતી હોવાથી વધુ બાષ્પીભવન થતું અટકે છે, પરિણામે આ સરોવરમાં જળજથ્થો જળવાઈ રહે છે. આ રીતે સરોવરનો તળભાગ ક્ષારવાળા છીછરા જળથી ભરાયેલો રહે છે. ક્ષારો પૈકીનું મુખ્ય ઘટક સોડિયમ કાર્બોનેટ છે, તેની સાથે થોડા પ્રમાણમાં સોડિયમ ક્લોરાઇડ પણ રહેલું છે. ટ્રૅપ ખડકોની વિભંજન-પેદાશોની રાસાયણિક દ્રાવણક્રિયા અને તેની પછીથી થતી  સંકેન્દ્રીકરણની ક્રિયા આ ક્ષારો બનવા માટેનું કારણ ગણવામાં આવે છે.

લોનાર સરોવર

લાવા-પ્રસ્ફુટન વિના થયેલા જ્વાળામુખી વિસ્ફોટને કારણે આ જ્વાળાકુંડ બન્યો હોવાનું માનવામાં આવે છે. ભારતમાં થયેલી જ્વાળામુખી પ્રક્રિયાઓનાં જૂજ ઉદાહરણો પૈકીનું આ એક ઉદાહરણ છે. આ જ્વાળાકુંડ બનવા માટે બીજું પણ એક કારણ રજૂ થયેલું છે. પેટાળમાંથી લાવા નીકળી જવાથી તેમજ જ્વાળામુખીજન્ય બાષ્પ ઊડી જવાથી ખાલી પડેલા પોલાણમાં વલય આકારની તૂટેલી સપાટીઓ પરથી એટલો ભાગ અવતલન પામવાથી તે ઉદભવેલું છે. વળી, તેને ઉલ્કાપાતજન્ય જ્વાળાકુંડ તરીકે પણ ઘટાવાય છે.

આ થાળાના તળભાગ પર આલ્કલાઇન પંકની સાથે ક્ષારોનો ઘણો મોટો જથ્થો રહેલો છે. પ્રાપ્ય જથ્થો વિપુલ હોવા છતાં ઔદ્યોગિક દૃષ્ટિએ તે ઉપયોગી નીવડેલ નથી.

લઘુ લોનાર સરોવર (આંબેર સરોવર) : લોનાર સરોવરથી આશરે 700 મીટરને અંતરે આકાર અને લક્ષણોમાં તેને આબેહૂબ મળતું આવતું, તેનાથી નાના કદનું બીજું એક ગોળાકાર ગર્ત પણ આવેલું છે. તે લઘુ લોનાર અથવા આંબેર સરોવર નામથી ઓળખાય છે. લોનાર સરોવર જે ઉલ્કાપિંડના પડવાના આઘાતથી નિર્માણ પામ્યું હોવાનું મનાય છે, તેનો જ બીજો એક નાનો ટુકડો અહીં પડવાથી તે રચાયું હોવાનું કહેવાય છે. તેનો વ્યાસ આશરે 340 મીટરનો છે તથા આજુબાજુની પૃષ્ઠભૂમિથી 6 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ ગર્તમાં પણ જળ ભરાયેલું રહે છે. તેમાં ત્રણ ઝરણાંનું જળ ઠલવાય છે. વર્ષોથી વહેતાં રહેતાં આ ઝરણાંના ઘસારાથી તેના તળભાગમાં બેસાલ્ટ-બ્રેક્સિયા (એક પ્રકારનો ખડક) ખુલ્લો થયો છે. ઉલ્કાપિંડના વધુ પડતા વેગથી થયેલા પાતથી અહીંની ખડકની સપાટી પર આઘાતજન્ય વિકૃતિ(shock metamorphism)ની અસર દેખાઈ આવે છે. આ ગર્ત ઉલ્કાપાતથી જ થયેલો હોવા માટે હજી સુધી તો વિશેષ ભૂસ્તરીય સંશોધન થયું નથી, તેમ છતાં આઘાતજન્ય વિકૃતિના આ પુરાવા પરથી આ ગર્તને ઉલ્કાપાતજન્ય હોવાનું ઘટાવી શકાય ખરું. 1973માં, ફ્રેડરિક્સને મુખ્ય લોનાર સરોવરના બનવા માટેના મોટા ઉલ્કાપિંડની સાથે સાથે જ બીજો એક પ્રમાણમાં નાનો પિંડ પડ્યો હોવાનું સૂચન કરેલું છે. 1999માં એસ. માસ્ટરે આંબેર ગર્તનું સર્વેક્ષણ કરેલું, તેઓ એવા તારણ પર આવેલા છે કે તે પરિણામી ગર્ત નથી, પરંતુ મુખ્ય લોનાર સરોવરના નિર્માણની સાથે સાથે જ તે પણ નિર્માણ પામેલું છે.

વ્રિજવિહારી દી. દવે, ગિરીશભાઈ પંડ્યા