લૉજ, હેન્રી કૅબટ (જૂનિયર) (જ. 5 જુલાઈ 1902, નહાન્ત મૅસેચૂસેટ્સ; અ. ? 1985) : હેન્રી કૅબટ લૉજના પૌત્ર અને અમેરિકાના રાજનીતિજ્ઞ.
1924માં હાર્વર્ડમાંથી સ્નાતક થઈને તેમણે અખબારો વેચવાની કામગીરીથી કારકિર્દીની શરૂઆત કરી. 1933થી 1937 તેમણે રાજ્યની ધારાસભામાં પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું અને 1936માં અમેરિકાની સેનેટમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાયા અને 1942માં ફરી ચૂંટાયા (1942-1944) 1944 સુધી સેનેટ-સભ્ય રહ્યા. બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં લશ્કરમાં જોડાવા માટે તેમણે સેનેટ-સભ્ય તરીકેના હોદ્દાનું રાજીનામું આપ્યું. ત્યારબાદ ફરી 1946માં તેઓ સેનેટ-સભ્ય તરીકે ચૂંટાયા.
1952માં ડ્વાઇટ ડી. આઇઝનહોવરના પ્રમુખીય ચૂંટણીજંગનું સંચાલન કરવામાં રત રહ્યા. 1952ની સેનેટની ચૂંટણીમાં ડેમોક્રૅટિક ઉમેદવાર જૉન એફ. કેનેડીની સામે પરાજય પામ્યા. આઇઝનહોવરના કાર્યકાળ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ખાતે અમેરિકાના પ્રતિનિધિ રહ્યા. 1963માં કેનેડીના પ્રમુખપદ હેઠળ તેઓ દક્ષિણ વિયેટનામમાં એલચી તરીકે નિમાયા (1963-64). આ જ હોદ્દો ફરી તેમને 1965-67 દરમિયાન સોંપવામાં આવ્યો, જ્યારે જૉનસન પ્રમુખપદે હતા. દક્ષિણ વિયેટનામના સરમુખત્યાર નિઓ ડિનડીમના પતનમાં પરોક્ષ રીતે તેમનો હાથ હતો એવું કહેવાય છે. આ ઉપરાંત જર્મની અને વૅટિકન ખાતે પણ તેઓ એલચી તરીકે નિમાયા હતા. વળી પૅરિસ ખાતે યોજાયેલી વિયેટનામ શાંતિ-મંત્રણામાં તેઓ મુખ્ય વિદૃષ્ટિકાર રહ્યા હતા. 1960માં દેશના ઉપપ્રમુખની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર હતા, પરંતુ પ્રમુખની ચૂંટણીમાં નિકસનનો પરાજય થતાં તેઓ આ હોદ્દો મેળવી શક્યા નહિ. 1977 પછી તેઓ જાહેર જીવનમાંથી નિવૃત્ત થયા. તેમના ભાઈ જૉન ડેવિસ લૉજ કનેક્ટિકટ રાજ્યના રિપબ્લિકન પ્રતિનિધિ હતા અને થોડેક મોડેથી આ જ રાજ્યના રાજ્યપાલ બન્યા હતા. વળી તેમણે સ્પેન અને આર્જેન્ટિના ખાતે રાજદૂત તરીકે સેવાઓ આપી હતી.
‘કલ્ટ ઑવ્ વીકનેસ’ (1932), ‘ધ સ્ટૉર્મ હૅઝ મેની આઇઝ’ (1973), અને ‘ઍઝ ઇટ વૉઝ’ (1976) તેમના ગ્રંથો છે.
રક્ષા મ. વ્યાસ