લૉજ, હેન્રી કૅબટ

January, 2005

લૉજ, હેન્રી કૅબટ (જ. 12 મે 1850, બૉસ્ટન, અમેરિકા; અ. 9 નવેમ્બર 1924, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : અમેરિકાના રિપબ્લિકન પક્ષના ખ્યાતનામ સેનેટર (1893થી 1924); લીગ ઑવ્ નેશન્સમાં અમેરિકાના સભ્યપદ વિરુદ્ધ કૉંગ્રેસના સફળ પ્રતિકારના મોભી.

ન્યૂ ઇંગ્લૅન્ડનું લૉજ કુટુંબ તેના સભ્યોની અગ્રણી રાજકીય ભૂમિકા માટે અમેરિકામાં જાણીતું હતું. કુટુંબના અન્ય સભ્યોએ વિવિધ અને મહત્વના જાહેર હોદ્દાઓ શોભાવ્યા હતા. રિપબ્લિકન પક્ષ અને અમેરિકાના વિદેશ સંબંધોના સંદર્ભમાં આ કુટુંબે નોંધપાત્ર ભૂમિકા ભજવેલી. હેન્રી લૉજ આ શ્રીમંત કુટુંબના નબીરા હતા.

1876માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રના વિષય સાથે પીએચ.ડી.ની પદવી હાંસલ કરી. પછીનાં ત્રણેક વર્ષ હાર્વર્ડમાં જ સ્થિર થઈ અમેરિકાના ઇતિહાસનું અધ્યાપનકાર્ય કરાવ્યું. ઇતિહાસના ક્ષેત્રમાં જીવનભર તેમનો રસ જળવાયો. ઇતિહાસ અંગેનાં ‘નૉર્થ અમેરિકન રિવ્યૂ’ જેવા વિદ્વત્પ્રિય સામયિકોનું સંપાદનકાર્ય તેમણે કર્યું તથા એ માટે લેખો લખ્યા. ઇતિહાસની નોંધપાત્ર ઘટનાઓ અને ઐતિહાસિક જીવનચરિત્રો અંગેનું લેખનકાર્ય તેઓ સતત કરતા રહ્યા, તેથી ઇતિહાસકાર તરીકે તેઓ જાણીતા બન્યા.

હેન્રી કૅબટ લૉજ

રાજ્યની ધારાસભામાં 1880-81માં ચૂંટાઈને તેમણે રાજકીય કારકિર્દીના શ્રીગણેશ કર્યા. ત્યારબાદ અમેરિકાની કૉંગ્રેસના નીચલા ગૃહની પ્રતિનિધિસભામાં 1887થી ’93 અને પછી સેનેટમાં સતત 31 વર્ષ 1893થી 1924 સુધી ચૂંટાતા રહ્યા હતા. 1917માં જ્યારે અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધ(1914થી 1918)માં જોડાયું ત્યારે આ યુદ્ધપ્રયાસોને બધા પક્ષોનું સમર્થન સાંપડે તે માટે તેમણે પ્રયાસો કર્યા. 1919માં સેનેટમાં રિપબ્લિકન સેનેટરોની બહુમતી રચાઈ ત્યારે તેઓ સેનેટની વિદેશ-સંબંધોની સમિતિના અધ્યક્ષ નિમાયા. અમેરિકા લીગ ઑવ્ નેશન્સમાં જોડાયું તેનો તેમણે વિરોધ કર્યો. એટલું જ નહિ, પરંતુ આ માટેની સફળ લડત આપવા તેમણે સેનેટના રિપબ્લિકન સભ્યોનું નેતૃત્વ કર્યું હતું. આમ વિશ્વરાજકારણમાંથી અમેરિકાની અલગતાના તેઓ મુખ્ય નેતા બની રહ્યા. આથી લીગની રચનાના મુખ્ય સમર્થક, પ્રમુખ વુડ્રો વિલ્સન અને લૉજ વચ્ચે તણખા ઝર્યા. લીગમાં જોડાવાની પ્રમુખ વુડ્રો વિલ્સનની દરખાસ્ત સેનેટે ફગાવી દીધી. લીગમાં અમેરિકાનું સભ્યપદ અટકાવવા પાછળનો તેમનો ઉદ્દેશ એ હતો કે એથી અમેરિકા બિનજરૂરી રીતે યુરોપના રાજકીય સંબંધોના સંઘર્ષની સાઠમારીમાં ઘસડાઈ ન જાય.

આ સંદર્ભમાં તેમણે અમેરિકાના મજબૂત નૌકાસૈન્યની ભલામણ કરી. અમેરિકાના પ્રમુખ થિયોડૉર રૂઝવેલ્ટના આક્રમક રાષ્ટ્રવાદના તેઓ સમર્થક હતા. આ ઉપરાંત સનદી સેવાના કાયદા અંગે તેમણે પાયાનું કામ કર્યું અને તેથી તેઓ સનદી સેવાના સુધારાઓના ચૅમ્પિયન ગણાયા. શરમન ઍન્ટિ ટ્રસ્ટ ઍક્ટ ઘડવામાં તેમણે ભારે મદદ કરેલી. એવી જ રીતે 1906નો ફેડરલ ફૂડ ઍન્ડ ડ્રગ્ઝ ઍક્ટ ઘડવામાં પણ તેમની મદદ ઉલ્લેખનીય હતી. આમ મહત્વના કાયદાઓના ઘડતરમાં તેમની સજાગતા સવિશેષ હતી.

‘હેન્રી કૅબટ લૉજ, અ બાયોગ્રાફી’ (1953) ગ્રંથ જૉન અ. ગરાટીએ પ્રકાશિત કર્યો હતો.

રક્ષા મ. વ્યાસ