લૉક,  ટોની (જ. 5 જુલાઈ 1929, લિમ્સફીલ્ડ, સરે, યુ.કે.) : ઇંગ્લૅન્ડના ક્રિકેટખેલાડી. તેઓ ડાબેરી મધ્યમ ઝડપી સ્પિન ગોલંદાજ હતા. તેઓ અત્યંત ઝડપી દડા નાંખી શકે તેમ હતા, પણ તેમાં તેમનું ‘ઍક્શન’ શંકાસ્પદ બની જતું હતું. પાંચેક મૅચમાં દડો ફેંકવા બદલ તેમને ‘નો બૉલ’ અપાયા હતા. પરિણામે તેમણે પોતાની ગોલંદાજીનું નવેસરથી આયોજન કર્યું હતું. 1960માં ગોલંદાજીમાં પરિવર્તન કર્યા પછી તેમને સારી સફળતા મળવા માંડી. તેમની અને જિમ લેકરની સ્પિન ગોલંદાજીમાં એક મહાન જોડી તૈયાર થઈ અને 1952-58 સુધી તેઓ ક્રિકેટની ચૅમ્પિયનશિપમાં વિજેતા બનતા રહ્યા. 1951-62 દરમિયાન પ્રત્યેક સીઝનમાં તેઓ 100 વિકેટો ઝડપતા રહ્યા. 1955માં 14.39ની સરેરાશથી તેમણે 216 વિકેટો ઝડપી, એ તેમની સર્વોત્તમ સિદ્ધિ હતી. એક જ સીઝનમાં કોઈ ગોલંદાજે 200 ઉપરાંત વિકેટો ઝડપી હોય એવો એ છેલ્લો દાખલો હતો. 1962-63માં તેઓ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા વતી 9 સીઝન રમ્યા અને એક સિવાય તમામમાં કપ્તાનપદ સંભાળ્યું તથા 1967-68 દરમિયાન એ ટીમને શેફીલ્ડ શીલ્ડમાં વિજય અપાવ્યો. તેઓ લિસ્ટરશાયર વતી પણ 1965-67 સુધી 3 સીઝન રમ્યા હતા. અને 1966 તથા ’67માં 100 વિકેટો ઝડપી હતી. તેઓ ‘ક્લોઝ’ના ચપળ ફીલ્ડર હતા અને તેમની કારકિર્દીના કુલ 830 કૅચથી તેઓ સૌથી વધુ કૅચની સંખ્યામાં ત્રીજા ક્રમે આવે છે. તેમના છેલ્લા દાવમાં 1968માં વેસ્ટ ઇન્ડિઝ સામે તેમની કારકિર્દીનો તેમણે સૌથી વધુ જુમલો નોંધાવ્યો હતો. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 1952-68 : 49 ટેસ્ટ; 13.74ની સરેરાશથી 742 રન; સૌથી વધુ જુમલો 89; 25.58ની સરેરાશથી 174 વિકેટો; સૌથી ઉત્તમ ગોલંદાજી 7-35, 59 કૅચ.

(2) 1946-71 : પ્રથમ કક્ષાની મૅચ : 15.88ની સરેરાશથી 10,342 રન; સૌથી વધુ જુમલો 89; 19.23ની સરેરાશથી 2,844 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 10-54; 830 કૅચ.

મહેશ ચોકસી