લૉઇડ, ક્લાઇવ હ્યુબર્ટ (જ. 31 ઑગસ્ટ 1944, ક્વીન્સટાઉન, જ્યૉર્જટાઉન, વેસ્ટ ઇંડિઝ) : વેસ્ટ ઇંડિઝના ક્રિકેટખેલાડી. તેઓ મિલનસાર સ્વભાવના હતા. છતાં એક સેનાપતિની અદાથી તેમણે વેસ્ટ ઇંડિઝની ટીમને સુસંગઠિત કરી ક્રિકેટજગતમાં તેને સૌથી શિસ્તબદ્ધ અને સૌથી સફળ બનાવી હતી. તેઓ ભરપૂર શક્તિ ધરાવતા ડાબેરી બૅટધર હતા. ઘૂંટણનું ઑપરેશન કરાવવું પડ્યું ત્યાં સુધી તેઓ ‘કવર’ની જગ્યાના વિદ્યુતવેગી ફીલ્ડર હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેમને તત્કાળ સફળતા મળી હતી અને ભારત સામેની પ્રથમ ટેસ્ટ મૅચમાં 82 અને 78 (અણનમ) રન નોંધાવ્યા હતા. તેમની પ્રથમ 2 શ્રેણીઓમાં 50 ઉપરાંતની સરેરાશ મેળવી. સામાન્ય રીતે તેઓ પાંચમા ક્રમે બૅટિંગ કરતા.

ક્લાઇવ હ્યુબર્ટ લૉઇડ

1974માં તેઓ કપ્તાન બન્યા તે પછી પોતાની ટીમની જરૂરિયાત મુજબ તેઓ મહત્વની બૅટિંગ કરી શકતા. વેસ્ટ ઇંડિઝ ટીમ માટે 74 ટેસ્ટમાં કપ્તાનપદની જવાબદારી અદા કરી તેમણે એક વિક્રમ સ્થાપ્યો. તેમાંથી 36માં તેમણે વિજય મેળવ્યો અને 12માં તેમની હાર થઈ. વિશ્વકપની પ્રથમ 2 ફાઇનલમાં તેમણે વેસ્ટ ઇંડિઝને વિજય અપાવ્યો અને એમાંથી પ્રથમ ફાઇનલમાં 1975માં લૉર્ડ્ઝ ખાતે તેમણે 102 રન ફટકાર્યા ત્યારે તેમની છટાદાર બૅટિંગનો ઉત્તમ દેખાવ જોવા મળ્યો હતો. 1976માં ગ્લેમૉર્ગન  સામે સ્વાનસી ખાતે વેસ્ટ ઇંડિઝ તરફથી 120 મિનિટમાં 201 (અણનમ) રન ફટકારી તેમણે સૌથી ઝડપી બેવડી સદીનો વિક્રમ પાર કર્યો હતો. 1992માં તેમને ‘કમાન્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’નું બિરુદ અપાયું હતું.

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 1966-85 : 110 ટેસ્ટ; 46.67ની સરેરાશથી 7,515 રન, 19 સદી; સૌથી વધુ જુમલો : 242 (અણનમ), 62.20ની સરેરાશથી 10 વિકેટો; સૌથી ઉત્તમ ગોલંદાજી : 2-13, 90 કૅચ.

(2) એક-દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ, 39.54ની સરેરાશથી 1,977 રન, 1 સદી; સૌથી વધુ જુમલો : 102, 26.25ની સરેરાશથી 8 વિકેટો; સૌથી ઉત્તમ ગોલંદાજી : 2-4, 39 કૅચ.

(3) 1964-86 : પ્રથમ કક્ષાની મૅચ, 49.26ની સરેરાશથી 31,232 રન, સદી 79; સૌથી વધુ જુમલો : 242 (અણનમ), 36.88ની સરેરાશથી 114 વિકેટો; સૌથી ઉત્તમ ગોલંદાજી : 4-48, 377 કૅચ.

મહેશ ચોકસી