લૉઇડ, ક્રિસ એવર્ટ (જ. 21 ડિસેમ્બર 1954, લૉડરડૅલ, ફ્લૉરિડા, અમેરિકા) : અમેરિકાનાં મહિલા ટેનિસ ખેલાડી. 1970ના દશકાનાં તેમજ 1980ના દશકાનાં પ્રારંભિક વર્ષોનાં તેઓ અગ્રણી મહિલા ખેલાડી બની રહ્યાં. તેઓ તેમની અદભુત ગ્રાઉન્ડ સ્ટ્રોક (વિશેષ કરીને બે હાથે લગાવાતા બૅક-હૅન્ડ સ્ટ્રોક) લગાવવાની પદ્ધતિ, સાતત્ય તથા તણાવ દરમિયાન પણ સ્વસ્થ અને શાંત રહેવાની અજબ કુનેહ જેવી વિશેષતાઓથી ખૂબ જાણીતાં બન્યાં.

યુ. એસ. ઓપન વિજયપદક લગાતાર 4 વખત જીતનાર તેઓ ઇતિહાસમાં ત્રીજાં મહિલા ખેલાડી બન્યાં. બધા મળીને આવા યુ. એસ. ઓપન વિજયપદક 6 (1975-78, 1980, 1982) વાર તેઓ જીત્યાં છે. તેઓ કલે કૉર્ટ પર તેમનું સર્વોત્તમ કૌશલ્ય અને સામર્થ્ય દાખવતાં. 1973થી મે 1979 સુધી તેઓ ક્લે કૉર્ટ પર 125 ટુર્નામેન્ટ મૅચમાં સીધેસીધાં વિજેતા બન્યાં હતાં. આ કદાચ તેમની સૌથી મહાન સિદ્ધ હતી.

વિમ્બલ્ડન ખાતે તેઓ 1974, 1976 અને 1981માં વિજેતા નીવડ્યાં. એ ઉપરાંત તેઓ ફ્રેન્ચ અને ઇટાલિયન ઓપનમાં 1974 તેમજ 1975માં અને 1979માં ફરીથી ફ્રેન્ચ ઓપનમાં વિજેતા થયાં. 1974માં તેઓ લગાતાર 56 મૅચમાં અને લગાતાર 10 ટુર્નામેન્ટમાં વિજેતા નીવડ્યાં અને આધુનિક સમયનો એક વિક્રમ સ્થાપ્યો. 1974થી 1977 અને ફરીથી 1980માં તેઓ વિશ્વના ટોચના ક્રમનાં (top-ranking) મહિલા ટેનિસ ખેલાડી બની રહેલાં.

મહેશ ચોકસી