લે નૈન પરિવાર (Le Nain Family)
January, 2005
લે નૈન પરિવાર (Le Nain Family) : [લે નૈન, એન્તોની (જ. આશરે 1588, લાઓં, ફ્રાન્સ; અ. 25 મે 1648, પૅરિસ, ફ્રાન્સ), લે નૈન, લુઈ (જ. આશરે 1593, લાઓં, ફ્રાન્સ; અ. 23 મે 1648, પૅરિસ, ફ્રાન્સ), લે નૈન, મૅથ્યુ (જ. 1607, લાઓં, ફ્રાન્સ; અ. 20 એપ્રિલ 1677, પેરિસ, ફ્રાન્સ)] : સત્તરમી સદીના ગ્રામજીવનની વાસ્તવિકતાનું આલેખન કરનાર ત્રણ ફ્રેન્ચ ચિત્રકાર ભાઈઓ.
ત્રણે આજીવન અપરિણીત રહ્યા હતા. એમણે 1630 સુધીમાં પૅરિસમાં સ્ટુડિયો ઊભો કરી સમૂહમાં સહકાર વડે ચિત્રો આલેખવાનું શરૂ કર્યું. ઘણી વાર એક જ ચિત્ર ત્રણેએ સાથે મળીને ચીતર્યું હોય તેવું પણ બન્યું છે. એવા સામૂહિક કર્તૃત્વવાળાં ચિત્રોમાં કોણે શું ચીતર્યું તે નક્કી કરવું આજે અશક્ય છે. ભૂતકાળના દસ્તાવેજો પણ આ અંગે કોઈ માહિતી પૂરી પાડતા નથી. ત્રણેની ચિત્રકામની લઢણો અદ્દલ સરખી જ હોવી જોઈએ એવી માન્યતા વ્યાપક છે.
1648માં ફ્રેંચ કલા અકાદમીની સ્થાપના થતાં આ ત્રણે ચિત્રકાર ભાઈઓને તે અકાદમી અંતર્ગત ચિત્રકારો તરીકે સમાવી લીધેલા. ખેડૂતો અને ભિખારીઓનાં હૂબહૂ વ્યક્તિચિત્રો સર્જવા માટે એ ત્રણે તે વખતે ખૂબ નામના પામેલા. એક લુહારને રજૂ કરતું તેમનું ચિત્ર ‘એ બ્લૅકસ્મિથ ઇન હિઝ ફોર્જ’ લોકોમાં સૌથી વધુ પ્રિય છે.
અમિતાભ મડિયા