લેહને, ઝાં-મારી (Lehn, Jean-Marie) (જ. 30 સપ્ટેમ્બર 1939, રોસહીમ, ફ્રાન્સ) : જીવંત સજીવોમાંના અણુઓનાં જીવનાવદૃશ્યક રાસાયણિક અને જૈવિક કાર્યોની નકલ કરતા અણુઓનું પ્રયોગશાળામાં સંશ્લેષણ કરનાર અને 1987ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. અન્ય બે હતા  ડૉનાલ્ડ જેમ્સ ક્રૅમ અને ચાર્લ્સ જૉન પેડરસન.

ઝાંમારી લેહમે

લેહને સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાંથી 1960માં સ્નાતકની તથા 1963માં રસાયણશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી.ની પદવી મેળવી. તે જ વર્ષમાં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની ડી.એસસી.ની પદવી પણ મેળવી. 1966માં તેઓ સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગમાં જોડાયા. 1970માં તેઓ સ્ટ્રાસબર્ગની લૂઈ પાશ્ર્ચર યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. 1979માં તેઓ પૅરિસની કૉલેજ દ ફ્રાન્સમાં પ્રાધ્યાપક બન્યા.

લેહનનું પુરસ્કારવિજેતા કાર્ય ક્રાઉન ઈથર તરીકે ઓળખાતાં સંયોજનો સાથે સંકળાયેલું છે. તેમણે આ સંયોજનો લઈ તેમને કૃત્રિમ ઉત્સેચકોમાં ફેરવ્યાં અને એ રીતે એસીટિલકોલીન નામનું ચેતાસંચારક (neuro-transmitter) રસાયણ કે જે માનવીના મગજ અને તેના ચેતાતંત્રમાં ચેતાસંકેતો મોકલે છે તેના યજમાન તરીકે તેની સાથે સંયોજાતા અણુનું સર્જન કર્યું.

ત્રણેય નોબેલ પુરસ્કારવિજેતાનાં સંશોધનોનો આશય અણુઓ એકબીજાની ઓળખ કેવી રીતે કરે છે તે જાણવાનો હતો. કુદરતમાં એકબીજા સાથે કાર્ય કરતા અણુઓ તાળા અને ચાવીની માફક એકબીજાના પૂરક (complimentary) આકાર ધરાવે છે અને માત્ર યોગ્ય આકાર ધરાવતા અણુઓ જ પ્રક્રિયાની શરૂઆત કરાવી શકે છે. એમ કહી શકાય કે આ વૈજ્ઞાનિકોએ સંશ્લેષિત આણ્વિક ચાવીઓ શોધી કે જે અન્ય રસાયણો સાથે બંધબેસતી હતી.

લેહને આ સંયોજનો માટેની પરિભાષા વિકસાવી, જે પછીથી કાર્બનિક રસાયણમાં નામકરણ (nomenclature) માટે સ્વીકૃત બની છે. તેમણે પોતાના અણુઓમાંની ગુહિકાઓ(cavities)ને ક્રિપ્ટ (crypts, ગર્તા) નામ આપ્યું. સંયોજનોને ક્રિપ્ટૅન્ડ (cryptands) અને સંકીર્ણને ક્રિપ્ટેટ (cryptates) કહ્યાં.

આ નવા અણુઓનો ઉપયોગ લેડ અથવા વિકિરણધર્મી સ્ટ્રૉન્શિયમ વડે સંદૂષિત થયેલા ઉંદરોને વિષાલુ અસરમાંથી મુક્ત કરવા માટે પ્રાયોગિક ધોરણે થાય છે.

લેહને પોતાના સંશોધન માટેના ક્ષેત્રને અધિઆણ્વિક રસાયણ (supra-molecular chemistry) તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે.

પ્ર. બે. પટેલ