લેસેપ્સ, ફર્ડિનાન્ડ મારી (જ. 19 નવેમ્બર 1805; અ. 7 ડિસેમ્બર 1894) : ફ્રાન્સના સુએઝ નહેરના નિર્માતા અને રાજદ્વારી પુરુષ. 1825માં કારકિર્દીના પ્રારંભ વખતે તેમણે ફ્રેન્ચ સરકારની વિદેશસેવામાં જોડાઈ અનેક દેશોમાં રાજદૂત તરીકે સેવા બજાવી. તેમાં ઍલેક્ઝાન્ડ્રિયા, કેરો અને રોમનો પણ સમાવેશ થતો હતો. આ રીતે તેમણે રાજદ્વારી તરીકે 24 વર્ષ કામગીરી સંભાળ્યા બાદ સીનિયર રાજદ્વારી તરીકેનો મોભો તેમને સાંપડ્યો અને તેઓ પ્રધાન પણ બન્યા. પરંતુ પોપ સત્તામંડળ અને મેઝિનીના નવા ઘોષિત થયેલ રોમન પ્રજાસત્તાક વચ્ચે રોમ ખાતે હાથ ધરાયેલ કપરી મંત્રણાઓ નિષ્ફળ નીવડતાં, તેમને પૅરિસ પાછા બોલાવી લેવાયા હતા (1849) અને કાઉન્સિલ ઑવ્ સ્ટેટ તરફથી જાહેર ઠપકો મળતાં તેમણે રાજીનામું આપ્યું હતું. એ રીતે તેમની રાજકીય કારકિર્દીનો પણ પછી અંત આવ્યો.

ફર્ડિનાન્ડ મારી લેસેપ્સ

રાજદ્વારી સેવામાં હતા ત્યારે મોહંમદ સઇદ સાથે તેમને 1854માં મૈત્રી બંધાઈ હતી અને તેના પરિણામે તેમના તરફથી એક રહેમ રૂપે સુએઝ નહેરની યોજના હાથ ધરવાની અધિકૃતિ સાંપડી હતી. તેમના મિત્ર મોહંમદ સઇદ ઇજિપ્તની ગાદીએ આવ્યા. તેથી તેમણે વર્ષોથી જે મહાયોજનાની મહેચ્છા સેવેલી તે પાર પાડવાનું શક્ય બન્યું. તેમણે તૈયાર કરેલી આ ભગીરથ યોજના સાંગોપાંગ અમલમાં મૂકવા 1858માં સુએઝ કેનૅલ કંપની સ્થાપવામાં આવી; તેમાં 2 અગ્રણી-નામાંકિત ઇજનેરી સર્વેયરોને સર્વોપરી સ્થાન અપાયું. ફ્રાન્સમાં પ્રગટેલ વ્યાપક ઉત્સાહને કારણે અને લેસેપ્સની સંગઠનશક્તિના પરિણામે ફ્રાન્સે એક રાષ્ટ્ર તરીકે અડધા ઉપરાંત નિર્માણ-ખર્ચની રકમ ભરપાઈ કરી. લેસેપ્સ પોતે ઇજનેર ન હતા, પણ સર્વોત્તમ વહીવટકર્તા, રાજકારણી અને જાહેર સંપર્કમાં કુશળ વ્યક્તિ હતા. 1859માં કેનૅલનું બાંધકામ આરંભાયું અને 1869માં તે પૂરું થયું. આ કાર્યને લઈને તેઓ રાષ્ટ્રીય વીરનાયક બની ગયા.

1875માં બ્રિટનના વડાપ્રધાન બેન્જામિન ડિઝરાયલીએ લેસેપ્સની સહાયથી વાઇસરૉય ઇસ્માઇલ પાશા પાસેથી કેનૅલ કંપનીના બહુમતી શૅર ખરીદવામાં સફળતા મેળવી અને તેના પરિણામે નહેરના મુખ્ય જળમાર્ગ (water way) પરનો અંકુશ બ્રિટિશ સત્તાને હસ્તક જતો રહ્યો. શૅરોના આ હસ્તાંતરણમાં તેમણે ભજવેલ ભાગ બદલ ફ્રાન્સમાં તેમની કીર્તિમાં થોડો વખત ઓટ આવી હતી.

1879માં પૅરિસ ખાતેની ઇન્ટરનૅશનલ કૉંગ્રેસ ઑવ્ જિયોગ્રૅફિકલ સાયન્સિઝ ખાતે 74 વર્ષની વયના લેસેપ્સે પનામા નહેરના નિર્માણનો પ્રસ્તાવ મૂક્યો. વધેલી ઉંમર, સ્વભાવ અને અતિશય શારીરિક મુશ્કેલીઓને પરિણામે આ યોજના પડી ભાંગી અને તે માટે રચવામાં આવેલી કંપની ફડચામાં ગઈ. આના પરિણામે રાજકીય અને નાણાકીય બદનામી આવી પડી; તેથી લેસેપ્સ તથા તેમના પુત્ર ચાર્લ્સ અને બીજી અનેક નામાંકિત પ્રતિભાઓને તેના છાંટા ઊડ્યા. લેસેપ્સને 5 વર્ષની જેલની સજા થઈ, પણ પછી એ સજા મોકૂફ રખાઈ.

તેમણે ‘હિસ્ટરી ઑવ્ સુએઝ કેનૅલ’ (1875-79) અને એક જીવનચરિત્ર લખ્યાં છે.

મહેશ ચોકસી