લેવ્ની, અબ્દુલસલિલ (Levni, Abdulcelil)
January, 2005
લેવ્ની, અબ્દુલસલિલ (Levni, Abdulcelil) (જ. સત્તરમી સદીનો અંત, તુર્કી; અ. 1732, કૉન્સ્ટૅન્ટિનોપલ, તુર્કી) : ઑટોમન સામ્રાજ્યનો ‘ટ્યુલિપ યુગ’નો પ્રસિદ્ધ ચિત્રકાર.
તરુણાવસ્થામાં કૉન્સ્ટૅન્ટિનોપલ જઈ ટોપકાપી મહેલમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. પછી ઑટોમન સુલતાન મુસ્તફા બીજાનો મુખ્ય દરબારી ચિત્રકાર બન્યો. સુલતાન મુસ્તફા બીજાના મૃત્યુ પછી ગાદીએ આવેલા સુલતાન અહમદ ત્રીજાનો પણ મુખ્ય દરબારી ચિત્રકાર બન્યો. એ જમાનામાં તુર્કીમાં પ્રવર્તમાન ભોગપ્રધાન માહોલ અનુસાર લેવ્નીએ આનંદ-પ્રમાદ અને ભોગનું આલેખન કરતાં ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં અને એમાં એ કાબેલ પુરવાર થયો. ઑટોમન કવિ વેહ્બી(Vehbi)ના કાવ્ય ‘સુર્નામે-ઇ-વેહ્બી’ (Surname-E-Vehbi) માટે તેણે કરેલાં આશરે 100થી વધુ લઘુચિત્રો તેની કલાના શ્રેષ્ઠ નમૂના ગણાય છે. સોનાના વરખ ચિત્રોમાં ચોંટાડવાની ઑટોમન લઘુચિત્ર-પ્રણાલીનો ભંગ કરી તેણે પીંછીથી પુરાતો પીળો રંગ પસંદ કર્યો. એનાં ચિત્રોમાં ગતિમાન આકૃતિઓ અને હાસ્યનો સ્પર્શ સ્પષ્ટ બને છે. એણે સુલતાન મુસ્તફા બીજા તેમજ સુલતાન અહમદ ત્રીજાનાં વ્યક્તિચિત્રો પણ આલેખ્યાં છે.
અમિતાભ મડિયા