લેવી, સ્ટ્રાઉસ ક્લૉડ (જ. 28 નવેમ્બર 1908, બ્રસેલ્સ) : ફ્રાન્સના અગ્રણી નૃવંશવિજ્ઞાની. તેઓ સંરચનાવાદ(structuralism)ના સ્થાપક તરીકે નામના પામ્યા છે. આ પદ્ધતિથી સામાજિક અને સાંસ્કૃતિક ઘટનાઓનું તેમનાં ઘટક તત્વો વચ્ચેના સંબંધોની સંરચના તપાસીને પૃથક્કરણ કરી શકાય છે. સંરચનાવાદના આ અત્યંત પ્રભાવક અભિગમની અસર ભાષાવિજ્ઞાન અને નૃવંશવિજ્ઞાન ઉપરાંત તત્વજ્ઞાન, માનસશાસ્ત્ર તેમજ સાહિત્યિક અને કલાલક્ષી વિવેચના જેવાં જુદાં જુદાં ક્ષેત્રોમાં પણ ઝિલાઈ. સંરચનાવાદની અસર આધુનિક ભાષાસિદ્ધાંતના પ્રતિમાન પર થઈ છે. તે એક બૌદ્ધિક વિશ્લેષણપદ્ધતિ છે. સાતમા દાયકામાં ફ્રાન્સમાં પરાકાષ્ઠાએ પહોંચેલો સંરચનાવાદ સંરચનાપરક ભાષાવિજ્ઞાન તથા નૃવંશશાસ્ત્રના વિકાસથી પ્રેરિત વિશ્લેષણપદ્ધતિ અને સાહિત્યસિદ્ધાંત પણ છે.

સ્ટ્રાઉસ ક્લૉડ લેવી

તેમણે પૅરિસ યુનિવર્સિટી ખાતે કાયદા અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો (1927-32). લેવી માધ્યમિક શાળામાં શિક્ષક હતા તે દરમિયાન ઝાં પૉલ સાર્ત્રના બૌદ્ધિક વર્તુલ સાથે જોડાયેલા હતા. બ્રાઝિલની સાઓ પાઓલો યુનિવર્સિટીમાં સમાજવિજ્ઞાનના પ્રાધ્યાપક હતા (1935-37) ત્યારે તેમણે સેન્ટ્રલ બ્રાઝિલિયન ઇન્ડિયન જૂથો અંગે ક્ષેત્રીય સંશોધન હાથ ધર્યું અને 1938-39માં વિશેષ સઘન સંશોધન આદર્યું. આ સંશોધનના ફળ-સ્વરૂપે તેમણે તેમની ઉત્કૃષ્ટ બૌદ્ધિકતાનું દર્શન કરાવતો આત્મકથાત્મક અભ્યાસગ્રંથ લખ્યો તે ‘ટ્રિસ્ટેસ ટ્રૉપિક્સ’ (1953, અં. ભા. 1973). 1941થી 1945 સુધી તેમણે ન્યૂયૉર્ક સિટીમાં સામાજિક સંશોધન વિશે અધ્યાપન કર્યું, 1946-47માં તેમણે સંયુક્ત રાષ્ટ્રો ખાતે ફ્રાન્સના સાંસ્કૃતિક વિભાગમાં કાર્ય કર્યું. 1950માં તેઓ પૅરિસમાં અભ્યાસક્રમના નિયામક નિમાયા અને 1959માં કૉલેજ દ ફ્રાન્સ ખાતે સામાજિક નૃવંશવિજ્ઞાનના પ્રાધ્યાપક બન્યા. 1973માં તેઓ એકૅડેમી ફ્રાન્સેઝમાં ચૂંટાયા.

તેમની સૈદ્ધાંતિક વિચારસરણીને લગતાં મહત્વનાં પુસ્તકોમાં ‘એલિમેન્ટરી સ્ટ્રક્ચર્સ ઑવ્ ક્ધિાશિપ’ (1949; અં. ભા. 1969), ‘અ વર્લ્ડ ઑન ધ વૅન’ (1955; અં. ભા. 1961), ‘સ્ટ્રક્ચરલ ઍન્થ્રપૉલોજી’ (1955, અં. ભા. 2 ગ્રંથો, 1963 અને 1976), ‘ધ સૅવેજ માઇન્ડ’ (1962, અં. ભા. 1966), ‘ટૉટેમિઝમ’ (1962, અં. ભા. 1963), ‘માઇથોલૉજિક્સ’ (4 દળદાર ગ્રંથો, 196471) તેમજ ‘ધ રૉ ઍન્ડ ધ કુક્ડ’ (1970), ‘ધ સ્ટ્રક્ચરલ સ્ટડી ઑવ્ મિથ’ (1972), ‘ફ્રૉમ હની ટુ ઍશિઝ’ (1973), ‘ધી ઑરિજિન ઑવ્ ટેબલ મૅનર્સ’ (1970) અને ‘ધ નેકેડ મૅન’(1971; અં. ભા. 1981)નો સમાવેશ થાય છે. નૃવંશશાસ્ત્રી તરીકે લેવીએ ઈડિપસની પ્રાચીન દંતકથાનો અભ્યાસ કર્યો, અને વિવેચનક્ષેત્રે સંરચનાવાદનો મહિમા વધારવા માટેનું નિમિત્ત બન્યા.

મહેશ ચોકસી