લેવિસ, ફ્રૅન્ક રેમંડ (જ. 14 જુલાઈ 1895, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ; અ. 14 એપ્રિલ 1998, કેમ્બ્રિજ) : અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક અને વિવેચક. શિક્ષણ કેમ્બ્રિજ ખાતે. ઇમૅન્યુઅલ કૉલેજમાં ઇતિહાસ અને અંગ્રેજી સાહિત્યનો તલસ્પર્શી અભ્યાસ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઍમ્બુલન્સ વિભાગમાં મદદનીશ તરીકે યુદ્ધમોરચે કામ કરેલું. ઇમૅન્યુઅલ કૉલેજ અને પાછળથી ડાઉનિંગ કૉલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા. કેમ્બ્રિજમાં 1962 સુધી અધ્યાપન કર્યું. નિવૃત્તિ બાદ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં મુલાકાતી પ્રાધ્યાપક હતા. 1967માં ટ્રિનિટી કૉલેજમાં ‘ક્લાર્ક લેક્ચર્સ’ આપ્યાં, જે 1969માં ‘ઇંગ્લિશ લિટરેચર ઇન અવર ટાઇમ ઍન્ડ ધ યુનિવર્સિટી’ નામે પ્રસિદ્ધ થયાં. અંગ્રેજી સાહિત્યના પ્રસિદ્ધ ઇતિહાસકારો એમિલ લિગૂઈ, ઑલિવર ઍલ્ટન અને સેન્ટ્સબરીની વિવેચનપદ્ધતિને બદલે વિવેચક તરીકે તેમણે નવો અભિગમ દાખવ્યો. આઇ. એ. રિચડર્ઝનો તેમના ઉપર પ્રભાવ હતો. તેમનાં પત્ની ક્યૂ. ડી. લેવિસ વિદુષી સન્નારી હતાં. 1932થી 1953 સુધી ફ્રૅન્ક લેવિસ સુપ્રસિદ્ધ ત્રિમાસિક ‘સ્ક્રૂટિની’ના સંપાદક હતા. તેમના નેતૃત્વ હેઠળ અંગ્રેજી વિવેચનસાહિત્યને નવી દિશા સાંપડી. ઇંગ્લૅન્ડ અને સંસ્થાનોમાં, કૉલેજ અને યુનિવર્સિટીઓમાં અંગ્રેજી સાહિત્યના વિભાગના અધ્યાપકોને તેમણે વિવેચન માટે નવો રાહ ચીંધ્યો. તેમણે આ સંદર્ભમાં ‘ફૉર કન્ટિન્યૂઇટી’ (1933), ‘કલ્ચર ઍન્ડ એન્વાયરન્મેન્ટ’ (1933, ડેનિસ ટૉમ્પ્સન સાથે) તથા ‘એજ્યુકેશન ઍન્ડ ધ યુનિવર્સિટી’ (1943) લખ્યાં. અંગ્રેજી સાહિત્યના અધ્યાપકોને અંગ્રેજ જીવનપદ્ધતિ અને સાંસ્કૃતિક પરંપરાને પ્રસારમાધ્યમો, ટૅકનૉલૉજી અને જાહેરાતના આક્રમણ સામે ટકાવી રાખવા તેમણે ખાસ અનુરોધ કર્યો.

‘ન્યૂ બેરિંગ્ઝ ઇન ઇંગ્લિશ પોએટ્રી’ (1932) દ્વારા તેમણે ટેનિસન અને સ્વિનબર્ન જેવા કવિઓનાં વિચાર અને શૈલી સામે પ્રહાર કર્યો અને તેમને બદલે ટી. એસ. એલિયટ, એઝરા પાઉન્ડ, ડબ્લ્યૂ. બી. યેટ્સ અને જી. એમ. હૉપકિન્સને પુન: સમજવા માટેની અગત્ય સ્વીકારવા અનુરોધ કર્યો. ‘રીવૅલ્યૂએશન : ટ્રેડિશન ઍન્ડ ડેવલપમેન્ટ ઇન ઇંગ્લિશ પોએટ્રી’ (1936) અંગ્રેજી કવિતાના મુખ્ય વહેણને નવેસરથી અવલોકે છે. અહીં ડન, પોપ અને ડૉ. જૉનસનથી હૉપકિન્સ અને એલિયટનાં કાવ્યોનું પુનર્મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. લેવિસે સ્પેન્સર, મિલ્ટન અને શેલી જેવા સમર્થ કવિઓ પર વેધક પ્રહારો કરવામાં પાછું વાળીને જોયું નથી. ‘ધ ગ્રેટ ટ્રેડિશન’ (1948) તેમનો મહાન વિવેચનગ્રંથ છે. અહીં તેમણે અંગ્રેજી નવલકથાની ફેરતપાસ કરી છે. સ્ટર્ન અને હાર્ડી જેવા નવલકથાકારો પ્રતિ તેમણે જાણે કે દુર્લક્ષ સેવ્યું છે, તો જેન ઑસ્ટિન, જ્યૉર્જ એલિયટ જેવી લેખિકાઓ કે જેમ્સ જૉઇસ અને કૉન્રૅડને નવા પરિપ્રેક્ષ્યમાં જોયાં છે. પાછલાં વર્ષોમાં ડિકન્સની ‘હાર્ડ ટાઇમ્સ’ નવલકથાનાં તેમણે મુક્ત કંઠે વખાણ કર્યાં છે. તેમણે ઉપેક્ષિત નવલકથાકાર ‘ડી. એચ. લૉરેન્સ : નૉવેલિસ્ટ’ (1955)ને પણ એક વિશિષ્ટ નવલકથાકાર અને નીતિ-સદાચારના ઉપદેશક તરીકે તારવી બતાવ્યા છે.

લેવિસે વિવેચન દ્વારા ભૂતકાળના અંગ્રેજી સાહિત્યને ક્રાંતિકારી રીતે નવું અર્થઘટન આપ્યું છે; એટલું જ નહિ, પરંતુ ભવિષ્યના સાહિત્યસર્જન માટે નવા માપદંડોનો નિર્દેશ કર્યો છે. વ્યક્તિગત સાહિત્યકારોના પુનર્મૂલ્યાંકનની સાથે સાથે અંગ્રેજી સાહિત્યના અભ્યાસની નવી ગંભીરતાની સંજ્ઞા અને સૂઝ આંકી આપી છે. અંગ્રેજી સાહિત્યના અપ્રતિમ અધ્યાપક તરીકે તેમને આજે પણ યાદ કરવામાં આવે છે.

લેવિસ પોતાનાથી વિરુદ્ધ મત ધરાવતાં લખાણોની નિર્ભીક બનીને ઝાટકણી કાઢવામાં પાછી પાની કરતા નહિ. સી. પી. સ્નો જેવાએ રીડ લેક્ચરના નિષ્કર્ષ રૂપે ‘ધ ટૂ કલ્ચર્સ’ની વાત કરી છે. ત્યારે તેમણે ‘ટૂ કલ્ચર્સ ? : ધ સિગ્નિફિકન્સ ઑવ્ સી. પી. સ્નો’ (1962) લખીને એ લેખક સામેનો પોતાનો વિચારભેદ નિર્ભય રીતે રજૂ કરેલો. જોકે લેવિસે કથ્યું છે એમ તેમણે સમજાવ્યું તેનું નામ જ અંગ્રેજી સાહિત્ય એવી સમજ સામે ‘અંગ્રેજી કઈ તરફ ?’ના વિવાદમાં તેમણે વ્યક્ત કરેલા વિચારો સામેનો એક મત યુનિવર્સિટી અને સાહિત્યના અભ્યાસીઓમાં ઊભો થવા પામ્યો છે. રૉનાલ્ડ હેર્મને ‘લેવિસ’ (1977)’ નામે તેમનું વિવેચનાત્મક જીવનચરિત્ર લખ્યું છે. તે જ પ્રમાણે આર. પી. બિલાને ‘ધ લિટરરી ક્રિટિસિઝમ ઑવ્ એફ. આર. લેવિસ’ (1979) લખ્યું છે. 1978માં તેમને ‘કમ્પેનિયન ઑવ્ ઑનર’ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

વિ. પ્ર. ત્રિવેદી