લેવનહૂક, આંતૉન વાન (Leeuwenhoek Anton Van) (જ. 1632; અ. 1723) : નેધરલૅન્ડ્ઝના સૂક્ષ્મદર્શક-નિષ્ણાત (microscopist). તેમણે બૅક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનું સૌપ્રથમ અવલોકન કર્યું હતું. નીચલી કક્ષાનાં પ્રાણીઓ વિશેની તેમની શોધખોળોથી પહેલી વાર સ્વયંભૂ-જનન(spontaneous generation)નો વાદ નકારી શકાયો. તેમનાં અવલોકનો દ્વારા બૅક્ટીરિયૉલોજી અને પ્રોટો-ઝુઑલોજીના વિજ્ઞાનનો પાયો નંખાયો.

લેવનહૂકના બાળપણ વિશે ઝાઝું જાણવા મળતું નથી. 1648માં તેમના ઓરમાન પિતાનું મૃત્યુ થતાં તેમને ઍમસ્ટરડૅમ મોકલવામાં આવ્યા. ત્યાંથી પરત વતન (ડેલ્ફટ, નેધરલૅન્ડ્ઝ) આવીને કાપડના વેપારી તરીકે સ્થાયી થયા. આર્થિક સ્થિતિ સુધરતાં તેઓ પોતાના શોખની પ્રવૃત્તિ તરફ વળ્યા. તેમને ઘસીને દૃક્કાચ (lens) તૈયાર કરવાનો ખૂબ શોખ હતો. તેઓ સૂક્ષ્મજીવોનું અવલોકન કરતા રહેતા. લેવનહૂકે ટૂંકી કેન્દ્રલંબાઈના એક જ લેન્સવાળાં પણ ઉચ્ચ ગુણવત્તાવાળાં સૂક્ષ્મદર્શકો બનાવ્યાં. તે સમયે ‘સંયુક્ત’ સૂક્ષ્મદર્શકોમાં વર્ણ-વિપથન(chromatic aberration)ની સમસ્યા રહેતી હતી; તેથી ઉપર્યુક્ત પ્રકારનાં સાદાં સૂક્ષ્મદર્શકોને વધુ પસંદ કરવામાં આવ્યાં. જોકે તેમનામાં ઉચ્ચ વૈજ્ઞાનિક સંશોધનો માટેની ક્ષમતા તો ખાસ નહોતી, પરંતુ તેઓ પોતાની પ્રબળ અવલોકનશક્તિ દ્વારા ખૂબ અગત્યની શોધખોળ કરી શક્યા હતા. તેમણે તળાવ, કૂવા-ખાબોચિયાંનાં પાણી, માનવમુખ અને આંતરડાં વગેરેમાંથી મળી આવતાં સૂક્ષ્મ સજીવોનો અભ્યાસ કરીને તે સજીવોના કદનો અંદાજ પણ આપ્યો. 1677માં, કદાચ સહસંશોધક સ્ટીફનહેમ સાથે મળીને સૌપ્રથમ વાર જંતુઓ, કૂતરાં તેમજ માણસનાં પુંબીજ- (spermatozoa)ની જાણકારી આપી. તેમણે પ્રાણીઓ તેમજ વનસ્પતિના સૂક્ષ્મ ભાગોની જાણકારી પણ મેળવી અને યીસ્ટ-(yeast)માં રહેલા સૂક્ષ્મ ગોળાકાર કણોનું અવલોકન કર્યું અને લોહીના રક્તકણોનું પ્રથમ સચોટ વર્ણન પણ આપ્યું. તેમણે સ્પષ્ટ કર્યું કે વહેતા કે સ્થિર પાણીમાં તેમજ હવામાં પણ સૂક્ષ્મ જીવો રહેતા હોય છે.

ત્યારબાદ લંડનની રૉયલ સોસાયટીનો સંપર્ક થતાં તેમણે 1673થી 1683 દરમિયાન તેમની શોધખોળો પત્રવ્યવહારથી પ્રસિદ્ધ કરી, જેથી 1680માં તેઓ રૉયલ સોસાયટીના ફેલો બન્યા. અનાજ અને પાકાં ફળોમાં રહેતા સૂક્ષ્મજીવો વિશેની તે જમાનાની માન્યતા તેમણે પડકારી, અને દર્શાવ્યું કે તે જીવો બહારથી (દા.ત., પાંખાળાં જન્તુઓથી) ઈંડાં સ્વરૂપે તેમાં દાખલ થાય છે.

લેવનહૂકે કીડીનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો. તેમની ઘણી શોધખોળો નાટકીય ઢબની, આશ્ર્ચર્યકારક હતી; તેથી તેઓ જગપ્રસિદ્ધ બન્યા. તેમણે બનાવેલા 400થી વધુ દૃક્કાચો પૈકી કેટલાક તો ખૂબ નાના – લગભગ ટાંકણીના માથા જેવડા હતા ! તેમનાં સંશોધનપત્રો અંગ્રેજી, ડચ તથા લૅટિન ભાષામાં પ્રકાશિત થયેલાં છે.

શાંતિભાઈ પટેલ