લેલે, વિમલ રઘુનાથ (જ. 1 ઑક્ટોબર 1934, ધોંડ, જિ. પુણે, મહારાષ્ટ્ર) : મરાઠી અને સંસ્કૃત ભાષાનાં લેખિકા. પુણે વિદ્યાપીઠમાંથી તેમણે સંસ્કૃત સાથે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. 1961થી 1994 સુધી તેઓ સંગમનેર કૉલેજના સંસ્કૃત અને યોગ વિભાગનાં વડાં તરીકે કાર્ય કર્યું, જ્યાંથી 1994માં તેઓ નિવૃત્ત થયાં.

તેમણે અત્યારસુધીમાં મરાઠી અને સંસ્કૃતમાં 14 ગ્રંથો આપ્યા છે, જેમાં ‘આલી જ્ઞાનમાઉલી ઘરા’ (3 ભાગમાં) (1973-75, જ્ઞાનેશ્વરીનો સંક્ષેપ); ‘કથા હી મુગ્ધા શકુન્તલાચી’ (1973, શાકુન્તલમ્ પર આધારિત ઑપેરા); તથા સંસ્કૃત સાહિત્ય પર આધારિત ‘તુઝીચા વાસવદત્તા’ (1976); ‘જાનાની યુગયુગાચી’ (1978) અને ‘દેવાંગના’ (1983) – એ તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. ‘સરલી સરિતા ઉરલા સાગર’ (1987) કાવ્યસંગ્રહ છે. ‘સંસ્કૃત નિબંધલેખન : તંત્ર આણિ મંત્ર’ (1996) શીર્ષક હેઠળનો તેમનો સંસ્કૃત નિબંધસંગ્રહ છે. તેમણે અનેક સંસ્કૃત નાટકો અને સંગીતનાટકો રજૂ કર્યાં છે. આ માટે તેમને 1997માં રાજારામશાસ્ત્રી નાટેકર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

બળદેવભાઈ કનીજિયા