લેમ્ના : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા લેમ્નેસી કુળની પાણીમાં તરતી શાકીય પ્રજાતિ. તેનું સમશીતોષ્ણ અને ઉષ્ણ પ્રદેશોમાં વિતરણ થયેલું છે. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે. તેઓ બતકના અપતૃણ (duck weed) તરીકે જાણીતી છે.
તે મીઠા પાણીનાં તળાવો, સરોવરો, ખાબોચિયાં અને બીજી સ્થિર પાણીની જગાઓએ અને ખૂબ ધીમા વહેતાં ઝરણાંઓની સપાટી ઉપર લીલી છારી સ્વરૂપે છવાઈ જાય છે. આ વનસ્પતિમાં પર્ણ અને પ્રકાંડનો અભાવ હોય છે. તેનો દેહ એકાંગી વિભાગની વનસ્પતિના સુકાય જેવો લાગે છે. સુકાય ચપટો, અર્ધ કે પૂર્ણ ગોળાકાર અને લીલા રંગનો હોય છે. તેની વક્ષ સપાટી ઉપર બે પોલી કોથળી જેવી રચના હોય છે, જેની કક્ષમાંથી પુષ્પો ઉત્પન્ન થાય છે. સુકાયની નીચેની સપાટીએથી એક જ મૂળ ઉત્પન્ન થાય છે. તેના કેશમૂળના અગ્રભાગે આવેલી પોલી કોથળી જેવી રચનાને મૂળગોહ કહે છે. તે એકલિંગી પુષ્પો ધારણ કરે છે. પુષ્પ વજ્ર કે દલપુંજરહિત હોય છે. નર પુષ્પ ફક્ત એક જ પુંકેસરનું બનેલું હોય છે. પરાગાશયો એક કે દ્વિખંડી હોય છે. માદા પુષ્પમાં સ્ત્રીકેસર માત્ર બીજાશય જ ધરાવે છે. જેમાં તલસ્થ એક અંડક જ આવેલું હોય છે. ફળ છિદ્રલ પ્રાવર (prorous capsule) પ્રકારનું હોય છે અને અત્યંત સૂક્ષ્મ અભ્રૂણપોષી (non-endospermic) બીજ ધરાવે છે. પ્રજનન સામાન્યત: વાનસ્પતિક કલિકાસર્જન દ્વારા થાય છે. શિયાળા દરમિયાન લેમ્ના વિશિષ્ટ કલિકાઓ દ્વારા સુષુપ્તાવસ્થા ગાળે છે અને તળિયે બેસે છે. ઉનાળામાં અને શિયાળામાં આ કલિકાઓ ફરીથી નવા છોડ સ્વરૂપે વિકાસ પામે છે.
ભારતીય જાતિઓમાં Lemna minor Linn અને L. paucicostata Hegelm syn. L. perpusilla Torr. દેશના ઘણા- ખરા ભાગોમાં થાય છે. બંનેનાં પ્રપર્ણો (fronds) 3.0 મિમી.થી 6 મિમી. લાંબાં અને પ્રતિઅંડાકાર (obovate) હોય છે. L. paucicostataમાં L. minor કરતાં પ્રપર્ણો વધારે અસમમિત (asymmetrical) હોય છે. બંને ગંદા પાણીમાં થાય છે અને અન્ય તરતી વનસ્પતિઓની વૃદ્ધિને અવરોધે છે. તેઓ કાર્બનિક અશુદ્ધિઓનું સ્વચ્છન (cleansing) કરે છે. બતક જેવાં જલીય પક્ષીઓ અને કેટલીક માછલીની જાતિઓ તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મત્સ્યઉછેર કરનારાઓ L. minorનો શફરી (carp) માછલીની નર્સરીમાં પ્રવેશ કરાવે છે. કારણ કે તે લીલનો નાશ કરી પ્રાણી પ્લવકો(zooplanktons)ની વૃદ્ધિને ઉત્તેજે છે. લેમ્ના ધરાવતા તળાવમાં મચ્છરની ઇયળો જવલ્લે જ જોવા મળે છે.
કેટલીક વાર લેમ્ના ઉદ્યાનનાં તળાવ અને ખેતરોમાં ત્રાસદાયી વનસ્પતિ બને છે. L. minor ડાંગરનાં ખેતરોમાં ડાંગરના પાકને નુકસાન કરે છે. અરડૂસી(Adhetoda vasica Nees)નાં પર્ણો અને શાખાઓનો લીલા ખાતર તરીકે ઉપયોગ કરી આ અપતૃણનું નિયંત્રણ કરી શકાય છે. પેન્ટાક્લૉરોફીનૉલ(1 : 750 અથવા 1 : 1000ના પ્રમાણમાં, 2થી 3 દિવસ માટે હેક્ટરે 617.5 લિ.)ના છંટકાવથી તેનો નાશ થાય છે. 0.1 % મિથોક્સૉન દ્વારા પણ સંતોષજનક પરિણામો મળ્યાં છે.
લેમ્નાનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. શાકનાશકો-(herbicides)ની અસર અને ધાન્ય વનસ્પતિઓમાં અલ્પ તત્ત્વો(trace elements)ની અસરનું નિર્ધારણ કરવા તેની કેટલીક જાતિઓનો ઉપયોગ થાય છે. તેઓ પાણીમાંથી રેડિયમ અને મેસોથોરિયમ-1નું એકત્રીકરણ કરવાની ક્ષમતા ધરાવે છે.
લેમ્ના શીતન (cooling), સંકોચક (astringent) અને મૂત્રલ (diuretic) ગુણધર્મો ધરાવે છે અને ત્વચાના રોગોમાં અને આંખના રોગમાં આંખો ધોવામાં તેનો ઉપયોગ થાય છે. L. minorનો હોમિયોપથીમાં ઉપયોગ કરવામાં આવે છે. મીઠા પાણીમાં તે લીલ સાથે મિશ્ર થઈ વનસ્પતિ પ્લવક(phytoplankton)નો હિસ્સો બને છે.
લેમ્નાના સુકાયની બાહ્યાકારવિદ્યા વિશે મંતવ્યભેદ પ્રવર્તે છે. હેગલમેઇઅરના મત પ્રમાણે ચપટો, બે કોથળી ધરાવતો સુકાય શલ્કપર્ણ છે. તેની કક્ષમાંથી દ્વિશાખી શાખા વિકાસ પામતી હોવાથી તેને દાંડીપત્ર (cladode) કહે છે. ઍંગ્લરના મત પ્રમાણે, સુકાય પર્ણ અને પ્રકાંડ ધરાવે છે. ચપટો ભાગ પર્ણની રચના અને તલસ્થ નળાકાર ભાગ પ્રકાંડ સૂચવે છે. અગ્રીય ચપટા ભાગ ઉપર શિરાઓ જોવા મળે છે, જે આગળ જતાં દ્વિશાખી બને છે.
જૈમિન વિ. જોશી, બળદેવભાઈ પટેલ