લૅમ્પિડૂઝ (Lampedusa) : ઇટાલીનો સૌથી મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : 35° 31´ ઉ. અ. અને 12° 35´ પૂ. રે. તેની ઈશાનમાં લિનોસા અને પશ્ચિમ તરફ લૅમ્પિયોન નામના નાના ટાપુઓ આવેલા છે. આ ટાપુ ભૂમધ્ય સમુદ્રમાં આવેલા માલ્ટા અને ટ્યૂનિસ ટાપુઓની વચ્ચે રહેલો છે. તે સિસિલીથી નૈર્ઋત્યમાં 205 કિમી. અને ટ્યૂનિસિયાથી 113 કિમી. અંતરે આવેલો છે. મુખ્યત્વે પૂર્વ-પશ્ચિમ  વિસ્તરેલા આ ટાપુની લંબાઈ 11 કિમી. અને પહોળાઈ 4 કિમી. જેટલી છે. ટાપુમાં સૌથી ઊંચું સ્થળ સમુદ્રસપાટીથી 133 મીટરના સ્તરે રહેલું છે.

અહીંની જમીનો ચૂનેદાર છે. પ્રાચીન સમયમાં અહીંની ભૂમિ વનસ્પતિ-આચ્છાદિત હતી. આજે વનસ્પતિ સાફ થઈ જવાથી તળખડકો ખુલ્લા બનેલા છે. જમીનો ફળદ્રૂપ નથી અને સિંચાઈની કોઈ સગવડ ન હોવાથી અહીં મર્યાદિત પ્રમાણમાં અંજીર અને ઑલિવનાં વૃક્ષો જોવા મળે છે. માત્ર ખીણ-ભાગોમાં જમીન ફળદ્રૂપ હોવાથી ત્યાં દ્રાક્ષ અને ઘઉંની થોડીક ખેતી થાય છે. લોકોનું આવકનું સાધન મત્સ્યપ્રવૃત્તિ છે. સાર્ડિન અને એન્કોવાઇસ માછલીઓને હવાચુસ્ત ડબ્બાઓમાં પૅક કરીને તેની નિકાસ કરવામાં આવે છે. પરવાળાં અને વાદળી(sponges)ની પણ નિકાસ થાય છે.

આ ટાપુના દક્ષિણ ભાગમાં લૅમ્પિડૂઝ ગામ પણ આવેલું છે અને મધ્ય ભાગમાં તે જ નામ ધરાવતું પરગણું પણ છે. આ પરગણાના કુલ વિસ્તારમાં લિનોસા અને લેમ્પિયોન ટાપુઓનો પણ સમાવેશ કરેલો છે. લૅમ્પિડૂઝ બંદર તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. ત્યાં સમુદ્રની ઊંડાઈ 5 મીટર જેટલી છે. લિનોસા ટાપુનો વિસ્તાર 4 ચોકિમી. જેટલો છે. વાસ્તવમાં તે એક જ્વાળામુખી છે. આ ટાપુની જમીનો લૅમ્પિડૂઝ કરતાં પ્રમાણમાં વધુ ફળદ્રૂપ છે, પરંતુ પાણીની અછતને કારણે તેનો વિકાસ થયેલો નથી. આ ટાપુની વસ્તી 1992 મુજબ 5,011 જેટલી છે.

નીતિન કોઠારી