લેમિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ  દ્વિદળી. ઉપવર્ગ  યુક્તદલા (gamopetalae), શ્રેણી  દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર  લેમિયેલીસ, કુળ  લેમિયેસી. આ કુળ 200 પ્રજાતિઓ અને લગભગ 3,200 જાતિઓનું બનેલું છે અને સર્વદેશીય વિતરણ ધરાવે છે, છતાં તેનું મુખ્ય કેન્દ્ર ભૂમધ્યસમુદ્રીય પ્રદેશ છે; જ્યાં તેઓ વનસ્પતિસમૂહનો એક પ્રભાવી ઘટક બનાવે છે. તેનાં કેટલાંક ઉપકુળોનું વિતરણ મર્યાદિત હોય છે; દા.ત., પ્રૉસ્ટેન્થેરૉઇડીનું ઑસ્ટ્રેલિયા અને તાસ્માનિયામાં, પ્રેસિયૉઇડીનું મલાયા, ભારત અને ચીનમાં અને કેટોફેરીઑઇડીનું મધ્ય અમેરિકામાં વિતરણ થયેલું છે. ઉત્તર અમેરિકાની મોટાભાગની પ્રજાતિઓ સ્ટેચિડૉઇડી અને એજુગૉઇડી ઉપકુળની છે. ભારતમાં આ કુળની 391 જેટલી જાતિઓ થાય છે. ફુદીનો (Mentha viridis), પીપરમીટ (M. piperata), તુલસી (Ocimum sanctam), ડમરો (O. basilicum), ગરમર (Coleus barbutus), જંગલી અજમો (Thymus serphyllum), લવંડર (Lavendula vera), સેજ (Salvia officinalis) વગેરે આ કુળની જાણીતી જાતિઓ છે.

આ કુળની વનસ્પતિઓ મુખ્યત્વે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ સુગંધિત શાકીય કે કેટલીક વાર ક્ષુપ, અથવા ભાગ્યે જ વૃક્ષ [દા.ત., Heucosceptrum canum (હિમાલય) અને Thyptis (બ્રાઝિલ)] કે Scutellaria જેવી બહુ ઓછી અમેરિકન પ્રજાતિઓ કાષ્ઠમય આરોહી હોય છે. તેઓ સામાન્યત: બાષ્પશીલ તૈલી ગ્રંથિઓ ધરાવે છે. તેમનું પ્રકાંડ અને શાખાઓ રોમમય અને ચતુષ્કોણીય હોય છે. કેટલીક જાતિઓ ભૂમિગત અંત:ભૂસ્તારી(sucker) પ્રકાંડ ધરાવે છે. પર્ણો સાદાંથી માંડી પક્ષવત્ (pinnately) છેદિત કે સંયુક્ત, સંમુખ ચતુષ્ક (decussate) કે ભ્રમિરૂપ (whorled) હોય છે અને સપાટી પર બાષ્પશીલ તૈલી ગ્રંથિઓ ધરાવે છે.

લેમિયેસી : Salvia officinalis

પુષ્પવિન્યાસ કૂટચક્રક (verticillaster) કે સંઘનિત (condensed) પરિમિત મુંડક(head)નું નિર્માણ બે સંમુખ પર્ણોની કક્ષમાંથી ઉદભવતા પુષ્પવિન્યાસોના જોડાણથી થાય છે. પ્રત્યેક ગાંઠ ઉપર સંમુખ નિપત્રો(bracts)ની જોડ હોય છે. પ્રત્યેક નિપત્રની કક્ષમાંથી દ્વિશાખી (dichasial) પરિમિત પ્રકારે પુષ્પો ઉદભવે છે અને ત્યારપછીનો પુષ્પોનો વિકાસક્રમ એકશાખી ઉભયતો વિકાસી (scorpoid) પ્રકારનો હોય છે, જેથી ગાંઠની ફરતે પુષ્પોનું એક ચક્રમાં ગુચ્છ ઉત્પન્ન થાય છે. આ પ્રકારનો પુષ્પવિન્યાસ ધરાવતો મુખ્ય અક્ષ અપરિમિત હોય છે. Scutellariaમાં કક્ષીય એકાકી (solitary), Teucriumમાં શૂકી (spike) પ્રકારનો અને Lamium, Prunella, Hyptis કે Monardaમાં મુંડક પ્રકારનો પુષ્પવિન્યાસ હોય છે. પુષ્પ અનિયમિત કે ક્વચિત જ નિયમિત (દા.ત., ફુદીનો અને Elsholtzia), દ્વિલિંગી કે ભાગ્યે જ એકલિંગી (દા.ત., Nepeta અને Thymus) અને અધોજાયી (hypogynous) હોય છે. વજ્ર પાંચ યુક્ત વજ્રપત્રોનું બનેલું, દ્વિઓષ્ઠીય (bilabiate), દીર્ઘસ્થાયી (persistent), અધ:સ્થ (inferior) અને કોરછાદી (imbricate) હોય છે. દલપુંજ પાંચ યુક્ત અસમાન દલપત્રોનો બનેલો, દ્વિઓષ્ઠીય (ઉપરનો સીધો ઓષ્ઠ બે અને નીચેનો ઓષ્ઠ ત્રણ દલપત્રોનો બનેલો હોય છે. નીચેનો ઓષ્ઠ ઘણી વાર અંતર્ગોળ હોય છે.) ફુદીનામાં પાંચેય દલપત્રો સમાન હોય છે. પુંકેસરચક્ર બે કે ચાર દલલગ્ન (epipetalous) પુંકેસરોનું બનેલું હોય છે અને તેઓ દલપત્રો સાથે એકાંતરિક ગોઠવાયેલાં હોય છે.

પુંકેસરો ચાર હોય તો દ્વિદીર્ઘક (didynamous) હોય છે; એટલે કે તેમની અગ્ર જોડ વધારે લાંબી હોય છે. પુંકેસરો ભાગ્યે જ એકગુચ્છી (દા.ત., coleus) હોય છે. Salviaમાં બે ફળાઉ અને બે વંધ્ય પુંકેસરો હોય છે. તેના ફળાઉ પુંકેસરો અગ્ર પાર્શ્ર્વ ભાગમાં દલપત્રો સાથે જોડાયેલા હોય છે. યોજી (connective) લાંબી હોય છે. તેના અગ્ર છેડે પરાગાશયનો ફળાઉ અર્ધખંડ અને પશ્ચ છેડે પરાગાશયનો નાનો ચપટો વંધ્ય અર્ધખંડ આવેલો હોય છે. તંતુ અત્યંત ટૂંકો હોય છે અને લાંબી યોજીના મધ્ય ભાગે જોડાઈ નાજુક ઉચ્ચાલક (lever) બનાવે છે. આવાં પરાગાશયોને મુક્તદોલી (versatile) કહે છે. પરાગાશયો દ્વિખંડી હોય છે અને તેમનું લંબવર્તી સ્ફોટન થાય છે. પુંકેસરો અને બીજાશય વચ્ચે ઘણી વાર મધુગ્રંથિમય બિંબ જોવા મળે છે. વંધ્ય પુંકેસર ભાગ્યે જ જોવા મળે છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્ત સ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશયનું બનેલું હોય છે, જે આભાસી પટ ઉદભવતાં ચતુષ્કોટરીય બને છે. પ્રત્યેક કોટરમાં અક્ષવર્તી જરાયુ પર એક ટટ્ટાર અધોમુખી (anatropous) અંડક આવેલું હોય છે. પરાગવાહિની જાયાંગતલી (gynobasic) પ્રકારની હોય છે, જે ચતુષ્ખંડી બીજાશયના કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય છે. પરાગાસન દ્વિશાખી હોય છે. ફળ વેશ્મસ્ફોટી (schizocarpic) કાર્સેરુલસ કે ક્વચિત જ અષ્ઠિલ (drupe) પ્રકારનું હોય છે. બીજમાં માંસલ ભ્રૂણપોષ અલ્પ હોય છે; જે ઘણી વાર વિકસતા ભ્રૂણ દ્વારા શોષાઈ જાય છે.

વર્બિનેસી સિવાય આ કુળ સહેલાઈથી અન્ય કુળોથી અલગ ઓળખી શકાય છે. લેમિયેસી કુળના એજુગૉઇડી અને પ્રૉસ્ટેન્થેરૉઇડી ઉપકુળોમાં વર્બિનેસીની જેમ અગ્રસ્થ પરાગવાહિની હોય છે. તે જ પ્રમાણે વર્બિનેસીની કેટલીક પ્રજાતિઓ જાયાંગતલી પરાગવાહિની ધરાવે છે. આ લક્ષણ અને અન્ય વચગાળાનાં લક્ષણોને કારણે એક કુળના બધા જ સભ્યોને એક જ લક્ષણ કે કેટલાંક લક્ષણોના સંયોજન દ્વારા બીજા કુળથી અલગ કરવા મુશ્કેલ બને છે. બોરેજિનેસી અને લેમિયેસી કુળ અંડકના લક્ષણ દ્વારા ઓળખી શકાય છે. બોરેજિનેસીમાં અંડછિદ્ર ઉપરની તરફ અને સંધિરેખા (raphe) બહારની તરફ હોય છે, જ્યારે લેમિયેસીમાં અંડછિદ્ર નીચેની તરફ અને સંધિરેખા અંદરની તરફ હોય છે.

હેલિયર, વેટસ્ટેઇન અને રેન્ડલ એંગ્લરના મતને અનુસરીને આ કુળને ટ્યૂલીફ્લોરીમાં મૂકે છે. બેસીએ વર્બિનેસી અને લેમિયેસીને દલપુંજની અનિયમિતતા અને સ્ત્રીકેસરચક્રની સ્થિતિને આધારે લેમિયેલ્સ ગોત્રમાં સ્થાન આપ્યું છે. હચિન્સને વર્બિનેસીને વર્બિનેલ્સ અને લેમિયેસીને લેમિયેલ્સ ગોત્રમાં મૂક્યાં છે.

આર્થિક દૃષ્ટિએ આ કુળ શોભન-વનસ્પતિઓ અને બાષ્પશીલ સુગંધિત તેલના સ્રોતની દૃષ્ટિએ મહત્ત્વનું છે. Stachysના ગ્રંથિલ ખાદ્ય હોય છે. ફુદીનાનાં પર્ણો મસાલા તરીકે ઉપયોગી છે. સેજ (salvia), લવંડર (Havendula), રોઝમેરી (Rosmarinus), મીંટ (Mentha spp), પેપ્ચૌલી (Pogostemon) વગેરે અગત્યનાં બાષ્પશીલ સુગંધિત તેલ આપે છે. Mentha piperata અને Thymus serphyllumમાંથી અનુક્રમે મૅન્થોલ અને થાયમોલ નામનાં ઔષધો મેળવવામાં આવે છે. તુલસી ઘણા આયુર્વેદીય ગુણધર્મો ધરાવતી વનસ્પતિ છે. કપૂર તુલસી (Ocimum kilimands charicum) કપૂર ધરાવે છે અને ભારતમાં કપૂર માટે તેનું વાવેતર થાય છે. O. basilicum, Salvia aegyptica અને Hallenantia royleanaના બીજનો ‘તોપમારા’ બનાવવામાં ઉપયોગ થાય છે અને દાઝ્યા ઉપર કે વ્રણ ઉપર પોટીસ બનાવી બાંધવામાં આવે છે. Salvia, Ajuga, Leonotis, Coleus, Thymus, Lavandula વગેરેની જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડાય છે.

બળદેવભાઈ પટેલ