લેપિડોલાઇટ : અબરખ વર્ગનું ખનિજ. લિથિયમ અબરખ અથવા લિથિયોનાઇટ નામથી પણ તે ઓળખાય છે. તે લિથિયમધારક અબરખ કહેવાતું હોવા છતાં સ્થાનભેદે તે ભિન્ન ભિન્ન બંધારણ ધરાવે છે : K2 (Li, Al)5-6, (Si6-7, Al2-1) O20-21, (F, OH)3-4. અહીં તેના બંધારણમાં રહેલું પોટૅશિયમ ક્યારેક રુબિડિયમ (Rb) અને સીઝિયમ(Cs)થી વિસ્થાપિત થતું હોય છે. Mn, Mg, Fe++, Fe+++ની તદ્દન અલ્પમાત્રા પણ તેમાં હોય છે તથા OH/Fનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન રહે છે. આ બધાં કારણોથી તેનું રાસાયણિક બંધારણ K(Li, Al)3 (Si, Al)4O10 (OH,F)2 પ્રમાણે લખાય છે. આ રીતે જોતાં તે ઓછાવત્તા લોહમુક્ત પ્રમાણવાળું ટ્રાયઑક્ટાહેડ્રલ અબરખ છે. સિલિકેટ-પ્રકારોમાં તે અણુબંધારણ-દૃષ્ટિએ ફાયલોસિલિકેટ છે. પૉલિથિયોનાઇટ એ લેપિડોલાઇટનો સિલિકોન અને લિથિયમસમૃદ્ધ તથા ઓછું ઍલ્યુમિનિયમ ધરાવતો પ્રકાર છે. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક (અને હેક્ઝાગોનલ). સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો મેજ-આકાર, સ્યૂડો-હેક્ઝાગોનલ, જાડાં વિભાજનશીલ પડસ્વરૂપે, સ્થૂળથી સૂક્ષ્મ શલ્કના જથ્થા સ્વરૂપે, નાળાકારે ગોઠવાયેલાં પુસ્તકનાં પાનાં જેવાં જૂથરૂપે, યુગ્મતા (001) ફલક પર. પરંતુ એ પ્રકારની પ્રાપ્તિ વિરલ. પારદર્શકથી પારભાસક. સંભેદ : (001) પૂર્ણ; (110) અને (010) અપૂર્ણ. ભંગસપાટી : લીસી, નમ્ય, સ્થિતિસ્થાપક. ચમક : મૌક્તિક. રંગ : ગુલાબી અને જાંબલી રંગની ઝાંયમાં, રંગવિહીન, સફેદ, રાખોડી, પીળાશ પડતો પણ હોઈ શકે. તેનો રંગ મુખ્યત્વે તો તેમાં રહેલા Mn/Feની અલ્પ માત્રાને કારણે હોય છે. ચૂર્ણરંગ : રંગવિહીન. કઠિનતા : 2.5થી 3, ક્યારેક 4 સુધી પણ હોય. વિ.ઘ. : 2.8થી 3.3. પ્રકા. અચ. : α = 1.525થી 1.548, β = 1.551થી 1.585, γ = 1.554થી 1.587. પ્રકા. સંજ્ઞા : −Ve, 2V = 0°−  58°. જ્યોતકસોટીમાં તે કિરમજી રંગ દર્શાવે છે.

લેપિડોલાઈટ

પ્રાપ્તિસ્થિતિ : લેપિડોલાઇટની ઉપલબ્ધિ સામાન્ય રીતે તો વિરલ હોય છે. મુખ્યત્વે તો તે ગ્રૅનાઇટ-પેગ્મેટાઇટમાં મળે છે; ઓછા પ્રમાણમાં ગ્રૅનાઇટમાં, ઍપ્લાઇટમાં તેમજ ઊંચા તાપમાને તૈયાર થયેલી કલાઈધારક શિરાઓમાં મળી શકે. તેની સાથે ક્વાર્ટઝ, ક્લિવૅન્ડાઇટ, આલ્કલિ બેરિલ અને આલ્કલી ટુર્મૅલિન જેવાં ખનિજો જોવા મળે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, બ્રાઝિલ, સ્વીડન, જર્મની, ચેકોસ્લોવૅકિયા, ફિનલૅન્ડ, રશિયા, મોઝામ્બિક, નૈર્ઋત્ય આફ્રિકા, બિકિતા (રહોડેશિયા), માડાગાસ્કર, જાપાન અને ભારત. ભારતમાં હઝારીબાગ વિસ્તારની પેગ્મેટાઇટ શિરાઓમાં તે મળે છે.

ઉપયોગ : લિથિયમ ઑક્સાઇડનું ઉદભાવક (source). લિથિયમ કાચ, રસાયણ અને પૉર્સેલિન (સિરૅમિક) ઉદ્યોગોમાં તેમજ અણુશક્તિના વિકાસ માટે ઉપયોગમાં લેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા