લેન્સ (કૅમેરાનો) : કૅમેરામાં ફોટો લેવા માટે વપરાતું અત્યંત મહત્ત્વનું કાચનું ઉપકરણ. તસવીરો ઝડપવા માટે જેમ કૅમેરાની તેમ અત્યંત આકર્ષક તસવીરો ઝડપવા માટે સારા પ્રકારના કૅમેરાના લેન્સની પણ આવદૃશ્યકતા હોય છે. કૅમેરામાં જડેલા લેન્સ ઉપરાંત વિવિધ પ્રકારની તસવીરો ઝડપવા માટે અન્ય વિવિધ લેન્સની પણ આવદૃશ્યકતા રહે છે અને આવા લેન્સ બજારમાં ઉપલબ્ધ હોય છે. પરંતુ સળગતો પ્રશ્ન એ છે કે સૌપ્રથમ કયો લેન્સ વાપરવો જોઈએ ? વાઇડ-ઍંગલ ? ટેલિફોટો ? કે ઝૂમ લેન્સ ? આ ત્રણ પ્રકારના લેન્સ ઉપરાંત અસંખ્ય પ્રકારના લેન્સ પણ ઉપલબ્ધ હોય છે અને એ બધા જ લેન્સ ખરીદવા પૂરતા કેટલા ભાગ્યશાળી ધનવાનો હોય ? આવા અનેક લેન્સ વસાવવા કરતાં અનેક ઉદ્દેશ પાર પાડી શકે એવા જ લેન્સ વસાવવા જોઈએ. કૅમેરા બહુ મોંઘો ન હોય તો ચાલે. પરંતુ લેન્સ શ્રેષ્ઠ પ્રકારના વસાવવા જોઈએ.
તસવીરના વિષયને સ્પષ્ટ રીતે મોટો બતાવવા માટેની ક્ષમતાને છબીકલાની ભાષામાં ‘ફોકલ લેંગ્થ’ કહેવામાં આવે છે અને તે મિલીમીટરમાં દર્શાવવામાં આવે છે. આ ફોકલ લેંગ્થ ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે : સામાન્ય, વાઇડ-અગલ અને ટેલિફોટો. નેગેટિવ કે સ્લાઇડના ત્રાંસા ખૂણાને જોડતી કર્ણરેખાના માપના અંદાજી પર્યાયની લંબાઈ જેટલા માપનું ફોકલ લેંગ્થ સામાન્ય રીતે હોય છે; જેમ કે, 35 એમએમ માટે 50 એમએમ. સામાન્ય કરતાં ઓછી ફોકલ લેંગ્થવાળા લેન્સને વાઇડ-ઍંગલ લેન્સ કહેવામાં આવે છે; જેમ કે, 24 એમએમ કે 28 એમએમ. તેવી જ રીતે સામાન્ય કરતાં મોટી ફોકલ લેંગ્થવાળા લેન્સ ટેલિફોટો લેન્સ કહેવાય છે; જેમ કે, 200 એમએમ કે 400 એમએમ. સામાન્ય ફોકલ લેંગ્થ માનવ-આંખથી દેખાતા દૃશ્ય જેટલો જ કોણ દર્શાવે છે અને તેથી વાઇડ-ઍંગલ લેન્સથી દૃશ્યનો વધારે વિસ્તાર સમાવી શકાય છે. જ્યારે ટેલિફોટો લેન્સમાં દૃશ્યનો કોણ નાનો હોવાથી નેગેટિવમાં દૂરનું દૃશ્ય વધારે મોટું બતાવે છે; જ્યારે ઝૂમ લેન્સની ખાસિયત એ છે કે માત્ર રિંગને ફેરવવાથી જ તેની ફોકલ લેંગ્થ બદલી શકાય છે, જેને પરિણામે નેગેટિવમાં તસવીરનો વિષય નાનો કે મોટો ગોઠવી શકાય છે. ટેલિફોટો લેન્સનો મોટો ફાયદો એ હોય છે કે તેનું ઍપરચર વધારે મોટું હોવાથી નજીક કે દૂરનું ચિત્ર વધુ ઝાંખું કે તદ્દન અસ્પષ્ટ ઝડપાય છે અને તેથી મુખ્ય ચિત્ર આંખને આકર્ષી રહે છે.
રમેશ ઠાકર