લૅપલૅન્ડ : યુરોપનો છેક ઉત્તર તરફનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે ઉત્તર ધ્રુવવૃત્ત 661° ઉ. અ.થી ઉત્તર તરફ આવેલો છે. આ પ્રદેશ કોઈ સ્વતંત્ર દેશ નથી, પરંતુ નૉર્વે નજીકનો પ્રદેશ નૉર્વેલૅપલૅન્ડ, સ્વીડન નજીકનો સ્વીડનલૅપલૅન્ડ, ફિનલૅન્ડ નજીકનો ફિનલૅપલૅન્ડ અને રશિયા નજીકનો પ્રદેશ રશિયાઈ લૅપલૅન્ડ કહેવાય છે. આ પ્રદેશમાં લૅપ લોકો વસતા હોવાથી લૅપલૅન્ડ કહેવાય છે.

લૅપલૅન્ડની દક્ષિણ હદ લગભગ ઉત્તર ધ્રુવવૃત્ત પર આવેલી છે, તેથી આ પ્રદેશની આબોહવા અતિ ઠંડી છે.

આ પ્રદેશ ઉત્તર ધ્રુવવૃત્તથી ઉત્તર તરફ પથરાયેલો હોવાથી અહીંની આબોહવા ઠંડી રહે છે. ઑક્ટોબરથી મે સુધી અહીં શિયાળુ મોસમ રહે છે. શિયાળા દરમિયાન અહીંનાં સરોવરો અને નદીઓ થીજી જાય છે, ભૂમિભાગ હિમથી છવાઈ જાય છે. શિયાળાનું તાપમાન દરિયાકાંઠા નજીક 18° સે. જેટલું નીચું, જ્યારે અંતરિયાળ ભૂમિભાગોમાં 43° સે. સુધી પહોંચે છે. ઉનાળો ખરેખર માત્ર બે મહિનાના ગાળા પૂરતો જ રહે છે. ઉનાળાનું તાપમાન દરિયાકાંઠે 21° સે. અને ભૂમિભાગોમાં તે 27° સે. સુધી પહોંચે છે. ઉનાળા દરમિયાન આકાશ ક્યારેય ગાઢું બનતું નથી; પરંતુ શિયાળામાં બે માસ માટે સૂર્ય ક્ષિતિજથી ઉપર તરફ આવતો નથી.

લૅપલૅન્ડનો કુલ વિસ્તાર આશરે 3,88,000 ચોકિમી. જેટલો છે. તે નૉર્વે, સ્વીડન, ફિનલૅન્ડ અને રશિયાના ઉત્તર તરફના ભાગોને આવરી લે છે. તેની દક્ષિણ તરફની સરહદ ચોક્કસ નથી, પરંતુ ઉત્તર ધ્રુવવૃત્તને તેની દક્ષિણ સીમા ગણવામાં આવે છે :

ભૂપૃષ્ઠ-સંપત્તિ : લૅપલૅન્ડનું ભૂપૃષ્ઠ મોટેભાગે વેરાન-બુઠ્ઠાં વૃક્ષો અને તદ્દન આછી વનસ્પતિવાળું છે. ક્યાંક ક્યાંક બર્ચ, પાઇન અને સ્પ્રૂસનાં જંગલો જોવા મળે છે. ઠંડી આબોહવા પ્રવર્તતી હોવાથી અહીંનાં વૃક્ષો નાનાં રહે છે. અહીં થતી શેવાળ અને અપુષ્પ વનસ્પતિ (lichen) રેન્ડિયર માટે ખોરાક તરીકે ઉપયોગમાં આવે છે. રેન્ડિયર અહીંના ભૂમિભાગોમાં અને જંગલોમાં છૂટાં છૂટાં કે ટોળાંમાં નજરે પડે છે. અહીંના કેટલાક લોકો તેમના જીવનનિર્વાહ માટે જવ, ઘાસ અને બટાટાની ખેતી કરે છે, તો કેટલાક રેન્ડિયરના માંસ પર નભે છે.

આ પ્રદેશમાં લોખંડ અને નિકલનાં ધાતુખનિજો વિપુલ પ્રમાણમાં મળે છે. લોહઅયસ્ક સ્વીડન તરફના ભાગમાં તથા નિકલ રશિયાઈ ભાગમાં આવેલું છે. લૅપલૅન્ડનો લોહઅયસ્ક જથ્થો કદાચ દુનિયાભરમાં મોટો ગણાય છે. કિરુના, ગૉલિવૅર અને મામ્બરગેટ સમૃદ્ધ લોહઅયસ્ક્ધાા જથ્થા ધરાવે છે. નૉર્વેજિયન સમુદ્ર અને બોથનિયાના અખાત પરનાં બંદરો સાથે આ પ્રદેશ રેલમાર્ગોથી સંકળાયેલો છે. આ બંદરો પરથી લોહઅયસ્કની નિકાસ થાય છે. રશિયાનું મર્માન્સ્ક બંદર માછીમારી માટે જાણીતું છે.

લોકો : અહીં આશરે 1.79 લાખની વસ્તી છે. તેમાંના માત્ર 45 હજાર લોકો જ લૅપ જાતિના છે. તેમાં 20,000 લોકો નૉર્વેલૅપ લૅન્ડમાં; 17,000 સ્વીડન લૅપલૅન્ડમાં; 4,400 લોકો ફિનલૅન્ડ લૅપલૅન્ડમાં તથા 1,500 લોકો રશિયાઈ ભાગમાં રહે છે.

યુરોપના લોકોની તુલનામાં લૅપ લોકો ઠીંગણા છે. તેમની સરેરાશ ઊંચાઈ માત્ર 150 સેમી. જેટલી હોય છે. ઘણાખરા લૅપ લોકોનાં નાક પહોળાં અને ચીબાં, કપાળ નીચું, કપોલઅસ્થિ બહાર પડતાં, વાળ સીધા, ઘેરા અને ચામડી શ્યામવર્ણી હોય છે. લૅપ જાતિના ઘણાખરા લોકો નજીકના નૉર્વે, સ્વીડન કે ફિનલૅન્ડના લોકો સાથે લગ્ન કરે છે, તેથી તેમના વંશજોનાં શારીરિક લક્ષણોમાં ઠીક ઠીક તફાવત જોવા મળે છે. વિશિષ્ટ પ્રસંગોએ પહેરવાનો તેમનો પરંપરાગત પોશાક ઊન અને રેન્ડિયરની રુવાંટીથી બનાવાય છે, પરંતુ તેમની આધુનિક પ્રજા હવે પશ્ચિમી ઢબનો પોશાક અપનાવતી થઈ છે.

લૅપ લોકો અગાઉના વખતમાં તો વિચરતું જીવન ગાળતા હતા. તેઓ રેન્ડિયરને લઈને ફરતા રહેતા. હજી પણ કેટલાક લૅપ લોકો આ પ્રકારનું જીવન જીવે છે. બાકીના માછીમારી કરે છે. કેટલાક લૅપ લોકો ગામડાંમાં ખેતી કરીને પોતાનો જીવનનિર્વાહ કરે છે. કેટલાક હવે શહેરોમાં વસતા થયા છે.

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લૅપ લોકોનાં જૂથનું વર્ગીકરણ તેમની રહેણીકરણીને આધારે નીચે મુજબ કરવામાં આવેલું છે :

(1) દરિયાકાંઠાનું લૅપજૂથ : દરિયાકાંઠે રહેતા લોકો માછીમારી પર પોતાનો જીવનનિર્વાહ કરે છે. તેઓ કાંઠા નજીક વસાહતો બાંધીને રહે છે.

(2) પહાડી લૅપજૂથ : પહાડોના ઢોળાવો અને તળેટી ભાગોમાં રહેતા લૅપ લોકો ઉનાળામાં ઉત્તર તરફ જાય છે અને શિયાળા દરમિયાન દક્ષિણ તરફ આવે છે. તેઓ રેન્ડિયરો ઉછેરે છે અને માંસ માટે તેમને વેચે છે. તેઓ રેન્ડિયર દ્વારા સ્લેજ ખેંચાવી વિચરતું જીવન ગાળે છે. હવે બદલાતા જતા સમય પ્રમાણે કેટલાક લૅપ લોકો મોટરગાડી, ટ્રકો અને બરફ પર ચાલી શકતાં વાહનો હાંકવાની પ્રવૃત્તિ પણ કરે છે.

(3) વન્ય લૅપજૂથ : જ્યાં જ્યાં જંગલવિસ્તારો આવેલા છે, ત્યાં તેઓ લાકડાં કાપી, એકઠાં કરી, અન્યત્ર લઈ જવાનો વ્યવસાય કરે છે. તેઓ નદી કે સરોવરકાંઠે રહેતા હોવાથી તેમને નદીવાસી લૅપ પણ કહે છે.

ભાષા-ધર્મ : લૅપ લોકોની ભાષા ફિનલૅન્ડની ભાષાને મળતી આવે છે. વળી પ્રદેશભેદે જુદી જુદી બોલીઓનો ઉપયોગ પણ થાય છે. નૉર્વે, સ્વીડન અને ફિનલૅન્ડમાં લૅપ લોકોનાં બાળકો માટે લૅપ ભાષાને માધ્યમ રાખી શાળાઓ ચલાવાય છે. આ ઉપરાંત લૅપ સંસ્કૃતિની જાળવણી માટે કેટલીક સંસ્થાઓ પણ ચાલે છે.

લગ્નના પરંપરાગત પોશકમાં લેપ વર-કન્યા. લોકો સામાન્ય રીતે રંગબેરંગી ઊની તેમજ રેન્ડિયરના ચામડામાંથી બનાવેલાં વસ્ત્રો પહેરે છે.

લૅપ લોકોના નજીકના પૂર્વજો ક્યારેક શેમેનિઝમ નામનો ધર્મ પાળતા હતા. તેઓ ઢોલક વગાડતા જઈને લોકો માટે કેટલીક આગાહીઓ કરતા. આજે મોટા ભાગના લૅપ લોકો લ્યૂથેરન અથવા પૂર્વીય રૂઢિચુસ્ત ચર્ચમાં માને છે. તેઓ ચર્ચથી દૂરનાં સ્થાનો પર રહેતા હોવાથી નિયમિતપણે ચર્ચમાં જઈ શકતા નથી; માત્ર લગ્ન-ટાણે તેમજ શબ દાટવા માટે તેઓ દૂરનાં અંતરો સુધી જાય છે.

ઇતિહાસ : નૃવંશાસ્ત્રીઓ માને છે કે હજારો વર્ષો પૂર્વે આ લોકોના પૂર્વજો ઉત્તર એશિયાના ભાગોમાંથી લૅપલૅન્ડ પહોંચીને વસેલા. ઈ. સ. 1000ના અરસામાં વાઇકિંગ લોકો લૅપ લોકો સાથે વેપાર કરતા હતા. એ ગાળામાં લૅપ લોકોએ નૉર્વે, સ્વીડન અને ફિનલૅન્ડના કેટલાક ભાગો પર અંકુશ મેળવેલો. તે પછી ફિન વસાહતીઓએ તેમને ઉત્તર તરફ ધકેલ્યા. તેમણે આજે જ્યાં રહે છે તે બધા પ્રદેશો પર સોળમી સદીથી આજ સુધી પોતાનું વર્ચસ્ જાળવી રાખેલું છે. ઓગણીસમી સદી સુધી તેઓ પરંપરાગત રીતે રહેતા હતા અને શહેરોમાં કામ કરતા નહોતા, પણ વીસમી સદીથી તેઓ પ્રમાણમાં આધુનિક બન્યા છે; શહેરોમાં અવરજવર કરે છે અને ત્યાં કામ પણ કરે છે. તેમણે પોતાની મૂળ સંસ્કૃતિ, ભાષા અને રહેણીકરણી જળવાઈ રહે તે માટે સરકારને વિનંતી કરી છે.

ગિરીશભાઈ પંડ્યા