લેનાર્ડ, ફિલિપ (Lenard, Phillipp) (જ. 7 જૂન 1862, પ્રેસબર્ગ, હંગેરી અ. 20 મે 1947, મોસલહૉસન, જર્મની) : કૅથોડ કિરણો પરના કાર્ય માટે 1905નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની.
લેનાર્ડે બુડાપેસ્ટ, વિયેના, બર્લિન તથા હાઇડલબર્ગમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેઓ બન્સેન, હેમહોલ્ટ્ઝ, કોનિગ્સબર્ગર અને ક્વિન્કના વિદ્યાર્થી હતા. તેમણે 1886માં હાઇડલબર્ગ ખાતે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.
લેનાર્ડે કૅથોડ કિરણો પર સંશોધનકાર્ય કર્યું અને તે કિરણોના ગુણધર્મોની શોધ કરી. આ સંશોધન ઇલેક્ટ્રૉનિક્સ અને ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્ર ક્ષેત્રે મહત્વપૂર્ણ બની રહ્યું.
પારજાંબલી કિરણો જ્યારે કેટલીક ધાતુઓની સપાટી પર પડે છે ત્યારે ઇલેક્ટ્રૉનનું ઉત્સર્જન થાય છે. લેનાર્ડે દર્શાવ્યું કે જ્યારે પ્રકાશની તરંગલંબાઈ નિર્ણાયક અંકથી નિમ્ન હોય ત્યારે જ આ ઘટના થાય છે. લેનાર્ડે સાબિત કર્યું કે કૅથોડ કિરણો ઇલેક્ટ્રૉનનો બનેલો પુંજ છે અર્થાત્ ઇલેક્ટ્રૉનનાં બનેલાં છે. ધાતુની સપાટી પર ફોટોનના અથડાવાથી આ કિરણો ઉત્પન્ન થાય છે. લેનાર્ડના અન્ય સંશોધનકાર્યોમાં પારજાંબલી કિરણો, જ્યોતની વિદ્યુતવાહકતા તથા સ્ફુરદીપ્તિ(phosporescence)નો સમાવેશ થાય છે.
પૂરવી ઝવેરી