લેડી રતન તાતા કપ : હૉકીની રમત માટે બહેનો માટેની રાષ્ટ્રીય ટ્રોફી. આ ટ્રોફી ભારતના મહાન ઉદ્યોગપતિ રતન તાતાની પત્નીના નામે અપાય છે. હૉકી ભારતની રાષ્ટ્રીય રમત હોવાને કારણે બહેનો માટે ‘લેડી રતન તાતા કપ’ ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાય છે; કારણ કે આ રાષ્ટ્રીય કપ મેળવનાર મહિલા ખેલાડીઓ મોટાભાગે ભારત વતી આંતરરાષ્ટ્રીય કક્ષાની હૉકી-સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ તેમજ નેતૃત્વ કરતી હોય છે. આમ તો હૉકી રમતનું જન્મસ્થળ ઇંગ્લૅન્ડ ગણાય છે; પરંતુ ભારતનું ઓલિમ્પિક્સ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ હૉકીમાં પ્રદર્શન ખૂબ જ સરાહનીય રહ્યું છે. શરૂઆતમાં હૉકીની રમત ફક્ત પુરુષો પૂરતી જ સીમિત હતી, પરંતુ ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં મહિલાઓમાં પણ આ રમત લોકપ્રિય બની અને તેથી જ 1980માં મૉસ્કોમાં આયોજિત ઓલિમ્પિક રમતોત્સવમાં મહિલાઓ માટે પણ હૉકીની રમત સામેલ કરવામાં આવી અને તે સમયે ભારતની મહિલા ટીમે તેમાં ભાગ લઈને સારો દેખાવ કર્યો હતો. તે ટીમમાં ‘લેડી રતન તાતા કપ’-વિજેતા મહિલા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ હોવાને કારણે આનું આયોજન દર વર્ષે ભારતનાં વિવિધ રાજ્યોમાં કરવામાં આવે છે.
આમ તો આ રાષ્ટ્રીય કપસ્પર્ધામાં દરેક રાજ્યની સર્વશ્રેષ્ઠ ટીમ ભાગ લેવા આવે છે, પરંતુ અત્યાર સુધી ભારતીય રેલવેઝની મહિલા ખેલાડીઓએ સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે; દા.ત., જ્યારે 2003માં લખનૌ મુકામે આ રાષ્ટ્રીય હૉકી ચૅમ્પિયનશિપનું આયોજન થયું હતું ત્યારે ભારતીય રેલવેઝની મહિલા હૉકી ટીમે ચૅમ્પિયનશિપ સળંગ ઓગણીસમી વાર જીતીને ‘લેડી રતન તાતા કપ’ જાળવી રાખ્યો હતો.
વળી કમ્બાઇન્ડ યુનિવર્સિટીની ટીમને 60 ગોલથી હરાવી પોતાની સર્વોપરિતા પુરવાર કરી હતી. આ કારણસર જ્યારે પણ ભારતીય મહિલા હૉકી ટીમની પસંદગી આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે થાય છે, ત્યારે ભારતીય ટીમમાં વધુમાં વધુ ખેલાડીઓ ભારતીય રેલવેઝ ટીમના હોય છે; એટલું જ નહિ, પણ આ રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપ જીતનાર મહિલા ખેલાડીઓને અર્જુન ઍવૉર્ડથી તથા એલિજા નેલ્સન જેવી મહિલા ખેલાડીઓને તો ‘પદ્મશ્રી’ એનાયત કરીને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરવામાં આવે છે. આ રીતે આજે પણ ભારતીય મહિલા હૉકી ખેલાડીઓ માટે ‘લેડી રતન તાતા કપ’ રાષ્ટ્રીય કક્ષાનો ખૂબ જ સન્માનનીય કપ ગણાય છે અને એટલા માટે જ એ કપ જીતવા માટે ભારતમાં દરેક રાજ્યની ટીમ તનતોડ મહેનત કરે છે.
પ્રભુદયાલ શર્મા