લેટેક્સ : સૅપોડિલા (Sapodilla) વર્ગનાં વૃક્ષોમાંથી ઝરતો, પાણીમાં રબરના કણોના પાયસ(emulsion)રૂપી દૂધ જેવો પદાર્થ. રબરનો તે પ્રાકૃત (કુદરતી) સ્રોત છે. તે પ્રોટીન વડે આચ્છાદિત રબર હાઇડ્રોકાર્બનની ગોલિકાઓ (globules) ધરાવે છે. આ કણો અનિયમિત આકારના, 0.5 થી 3 માઇક્રૉન વ્યાસના હોય છે. કણો ઉપરના વીજભારને કારણે નિલંબન (suspension) સ્થાયી હોય છે. તે 60 % પાણી, 35 % હાઇડ્રોકાર્બન, 2 % પ્રોટીન તેમજ થોડાક ટકા શર્કરાઓ અને અકાર્બનિક ક્ષારો ધરાવે છે. ‘લેટેક્સ’ શબ્દ કુદરતી રબર ઉપરાંત સંશ્ર્લેષિત રબર(અથવા પ્લાસ્ટિક)ના પાણીમાંના નિલંબન માટે પણ વપરાય છે. કુદરતી લેટેક્સ કરતાં તેના કણનાં આ માપ (size) ઘણાં નાનાં (0.05થી 0.15 માઇક્રૉન) હોય છે.

ઉષ્ણકટિબંધીય આફ્રિકા તથા એશિયામાં ઊગતાં હીવિયા (hevea) વર્ગનાં વૃક્ષો વ્યાપારી ધોરણે વાવવામાં આવે છે. વૃક્ષોનાં થડ પર આડા કાપા પાડી તેમાંથી ટપકતા રસ(લેટેક્સ)ને એકત્ર કરવામાં આવે છે. તે ખૂબ ઝડપથી વિઘટન પામતો હોવાથી તેને એકઠો કર્યા બાદ થોડા કલાકમાં જ તેના ઉપર આગળની વિધિઓ કરવી જરૂરી બને છે. તેના પરિરક્ષણ (preservation) માટે એમોનિયાનો ઉપયોગ થાય છે. પાણી ઉમેરી પાતળું બનાવ્યા બાદ તેમાં એસેટિક કે ફૉર્મિક ઍસિડ ઉમેરતાં તેનું સ્કંદન થાય છે. પરિણામે તે કણ રૂપે બંધાય છે. વ્યાપારી હેતુઓ માટે તેને બાષ્પીભવન અથવા અપકેન્દ્રણ (centrifugation) દ્વારા સંકેન્દ્રિત કરવામાં આવે છે. મળતા ઘન પદાર્થને રોલર વડે ચાદરો(sheets)ના રૂપમાં ફેરવવામાં આવે છે. રોલને ધુમાડો આપી તેમાં રહેલ જીવાણુઓ તથા ફૂગનો નાશ કરી, સૂકવીને વિતરણ કરવામાં આવે છે.

સંશ્ર્લેષિત લેટેક્સ સ્ટાયરીન-બ્યુટાડાઇન સહબહુલક (copolymer), એક્રિલેટ રેઝિન, પૉલિવિનાઇલ એસિટેટ અને તેવા પદાર્થોમાંથી પાયસ-બહુલીકરણ (emulsion polymerisation) ટૅકનિક વડે બનાવવામાં આવે છે. તેમના કણો કુદરતી લેટેક્સના પ્રમાણમાં ઘણા નાના (0.05 થી 0.15 માઇક્રૉન) હોય છે અને તે સાચાં કલિલીય નિલંબનો હોય છે. તેમનો મુખ્ય ઉપયોગ આંતરિક કે બાહ્ય પેઇન્ટ માટે બંધક તરીકે શુષ્કન તેલો(drying oils)ને બદલે થાય છે. ફીણ (foams) અને આચ્છાદનો (coatings) માટે પણ તે વપરાય છે.

લેટેક્સ ટૅક્નૉલૉજી : ઘનીભૂત રબરની ટૅક્નૉલૉજી ઉપરાંત તેનાથી તદ્દન ભિન્ન એવો રબર-ઉદ્યોગનો એક નાનો પણ અગત્યનો ભાગ વૃક્ષમાંથી મળતા કુદરતી રબર લેટેક્સ, પાયસ-બહુલીકરણથી મળતા સંશ્ર્લેષિત લેટેક્સ અથવા ઘન રબર(solid rubbers)માંથી બનાવવામાં આવતાં જલીય પરિક્ષેપણો(dispersions)માંથી સીધાં જ (direct) વિવિધ ઉત્પાદનો મેળવવાનો છે. આમાં રબરમાં ઉમેરવાના પદાર્થોને પાણીમાં કલિલીય રૂપે પરિક્ષેપિત કરી લેટેક્સમાં ઉમેરવામાં આવે છે.

જ. પો. ત્રિવેદી