લેટ્યુસ(Lettuce)ના રોગો : ‘વિલાયતી સલાડ’ નામે ઓળખાતા શાકભાજી વર્ગના એક પાકને થતા રોગો. ખાસ કરીને ઠંડા પ્રદેશમાં તેનો ઉછેર થાય છે. તેના છોડને થતા રોગોમાં પાનનો કાલવ્રણ, ભૂકીછારો, તડછારો, ભૂખરો સડો, ગેરુ, સર્કોસસ્પૉરા, પાનનાં ટપકાં અને મોઝેક જેવા રોગોનો સમાવેશ થાય છે.

1. કાલવ્રણ : ફૂગથી થતો આ રોગ ‘બંદૂકનાં કાણાં’ના રોગ તરીકે પણ ઓળખાય છે. ફૂગનું સૌપ્રથમ આક્રમણ છોડનાં નીચેનાં પાનથી શરૂ થઈ ક્રમશ: ઉપરનાં પાન પર થાય છે. રોગનું પ્રમાણ વધતાં છોડનાં બધાં જ પાન પીળાં પડે છે; જેને લીધે છોડ પીળો અને બટકો બને છે. આક્રમિત પેશીમાં પાણીપોચાં પીળાં ભૂખરાં ટપકાં થાય છે. આ ટપકાં શરૂઆતમાં આકારે ગોળ હોય છે. આ ટપકાં પાનની નસો વચ્ચે સીમિત રહેવાથી ખૂણિયા આકારવાળાં થાય છે. આક્રમિત પેશીઓ સંકોચાઈને નસો વચ્ચે સ્થપાય છે. ચેપથી કોષો મૃત્યુ પામતાં તેઓ છૂટા પડી જવાથી જાણે બંદૂકની ગોળીથી કાણું થયું હોય તેમ પાંદડાં કાણાંવાળાં જોવા મળે છે. ભેજવાળા હવામાનમાં ટપકાં ઉપર આછા ગુલાબી રંગના પ્રગુચ્છક બીજાણુનો જથ્થો જોવા મળે છે.

આ ફૂગથી રોગિષ્ઠ પાકના અવશેષો એક ઋતુથી બીજી ઋતુ સુધી ખેતરમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે અને વાટકા જેવી બીજધાનીઓ બનાવે છે; જે પ્રગુચ્છક તરીકે ઓળખાય છે. તેમાંથી બે કોષવાળા બીજાણુઓ તૈયાર થાય છે, જે વરસાદને લીધે અથવા તો અન્ય કારણસર પ્રગુચ્છ પાણીના સંપર્કમાં આવવાથી તેના ઉપરનું પડ તૂટતાં, દૂર ફેંકાતાં તે બીજા છોડને ચેપ લગાડે છે. આ ફૂગના બીજાણુઓ બીજ મારફતે આસપાસના વિસ્તારમાં ફેલાય છે. આ બીજાણુ સક્રિય થતાં છથી આઠ કલાકમાં યજમાન પાકના કોષમાં પ્રવેશ કરે છે, જેથી આક્રમિત છોડ પર આઠેક દિવસોમાં ચેપની અસર જોવા મળે છે. ઊગતાં ધરુ તો તુરત જ મૃત્યુ પામે છે. આક્રમણ થતાં છોડમાં વિકૃતિ આવે છે અને તે રોપવાલાયક રહેતા નથી.

આ રોગના નિયંત્રણ માટે અગત્યનાં પરિબળો તરીકે તંદુરસ્ત બિયારણ, પાકની ફેર-બદલી, જંગલી અને જૂના લેટ્યુસના છોડોનો નાશ અને સારી નિતારવાળી જમીનમાં પાકનો ઉછેર વગેરેનો સમાવેશ થાય છે. બીજને 10 ટકા બ્લીચિંગ પાઉડરના દ્રાવણમાં ચારથી છ કલાક બોળી ધરુ નાખવામાં આવે છે. રોગ જણાય ત્યારે તેનો પ્રસાર અટકાવવા 0.2 % અથવા કાર્બનડાઝીમ દવાનો 5થી 10 દિવસના આંતરે બેથી ત્રણ વાર છંટકાવ કરવામાં આવે છે.

2. ભૂકી છારો : જૂનાં પાનની ઉપરની સપાટી પર ફૂગના આક્રમણથી આ રોગ પેદા થાય છે. તેની અસર હેઠળ પાનની ઉપરની સપાટી પર ફૂગના સફેદ બીજાણુના થર જોવા મળે છે. સાનુકૂળ પર્યાવરણમાં ચેપને લીધે પાનની આખી સપાટી બીજાણુથી છવાઈ જાય છે. પાન કોકડાઈ જાય છે. તેથી પાન પીળાં પડી, ભૂખરા રંગનાં થઈ મૃત્યુ પામે છે. આ મૃત્યુ પામેલાં રોગિષ્ઠ પાનમાંથી ક્યારેક કાળા રંગની બીજધાનીઓ પેદા થાય છે.

આ ફૂગ રોગિષ્ઠ પાકના અવશેષોમાં પોતાનું જીવનચક્ર જાળવી રાખે છે અને બીજી ઋતુમાં તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે. આ ચેપથી આક્રમિત છોડ પર દશ દિવસમાં અસંખ્ય સફેદ બીજાણુઓ પેદા થાય છે. પવન મારફતે તેનો ફેલાવો થતાં અન્ય છોડને તે ચેપ લગાડે છે. બીજાણુના વિકાસ માટે હવામાં 85 % ભેજની જરૂર પડે છે.

આ રોગના નિયંત્રણ માટે બીજ-માવજત અને પાકની ફેરબદલીથી ખાસ ફાયદો થતો નથી. તેથી ચેપિત છોડોનો તુરત જ નાશ કરવો તે અગત્યનું છે. ગંધક અથવા કેરેથન જેવી ફૂગનાશક ભૂકીના છંટકાવથી રોગ કાબૂમાં રહે છે.

3. તડછારો : ફૂગની ઘણી પ્રજાતિઓ આ રોગને ફેલાવે છે. આ ચેપ સામાન્ય-પણે સલાડ ઉગાડતા દરેક પ્રદેશમાં જોવા મળે છે. જૂના પાનની નીચેની બાજુ ફૂગના સંપર્કમાં આવતાં ફૂગ સક્રિય બને છે. તેની અસર હેઠળ આક્રમિત પાનની ઉપરની સપાટી પર પીળા અથવા ઝાંખા લીલા રંગનાં ધાબાં જોવા મળે છે; જ્યારે નીચેની બાજુએ ફૂગની સફેદ કવચજાળ જોવા મળે છે. પેશીઓ ભૂખરા રંગની થઈ જાય છે, જ્યારે તેની કિનારીનો ભાગ જાંબલી ભૂખરી ધારવાળો બને છે. રોગિષ્ઠ છોડ પીળો થઈ બટકો રહે છે. તેનાં પાંદડાં, ફૂગ ઉપરાંત મૃતોપજીવી જીવાણુને લીધે સડી જાય છે. આવાં પાંદડાંમાં અવશેષ-સ્વરૂપે રહેલા બીજાણુઓ સુષુપ્ત અવસ્થામાં રહી બીજી ઋતુમાં નવા છોડ પર આક્રમણ કરે છે.

આ રોગ ક્યારેક છોડના બીજ મારફત પણ ફેલાય છે. સારી નિતારવાળી જમીનમાં પાકનો ઉછેર કરવાથી તેમજ તંદુરસ્ત બિયારણ લેવાથી ને પાકની ફેરબદલી કરવાથી આ ચેપથી બચી જવાય છે. રોગ જણાય ત્યારે 0.2 % મેનેબ અથવા ઝેનેબનો પાંચ દિવસના આંતરે બેથી ત્રણ વાર છંટકાવ કરવાથી રોગને કાબૂમાં રાખી શકાય છે.

4. ભૂખરો સડો : આ રોગમાં ભૂખરી ફૂગના નામે ઓળખાતી બોટ્રાઇટિસ (botrytis) જખમો દ્વારા છોડમાં પ્રવેશી સડો કરે છે. આ ફૂગથી અન્ય શાકભાજીના પાકોમાં થડ અને મૂળનો સડો તથા અગ્રકલિકાનો સડો પેદા થાય છે. આ ફૂગ દ્વારા ઊગતા છોડ પર આક્રમણ થતાં ધરુ મૃત્યુ પામે છે. વળી આ ફૂગથી છોડની ડાળીઓ અને પર્ણદંડની પેશીઓ પાણીપોચી થઈ કાળી પડી કોહવાઈ જાય છે. આક્રમિત ડાળીઓની સડેલી પેશીઓની કિનારી લાલ રંગની થાય છે. તેને લીધે આ રોગ લાલ-પગા (red leg) રોગ તરીકે પણ ઓળખાય છે.

આ ફૂગના બીજાણુઓ ઝડપથી ઊગીને વાહી પુલો મારફતે છોડના વિવિધ ભાગોમાં દાખલ થાય છે. આ ફૂગના આક્રમણ અને પ્રજનન માટે પાર્યાવરણિક ભેજ અત્યંત અનુકૂળ નીવડે છે.

નિયંત્રણ : પાક કાપી લીધા બાદ પાકના અવશેષોનો ભૂકો કરી જમીનમાં ઊંડી ખેડ કરી દાટી દેવામાં આવે છે. બીજને PCNB ફૂગનાશકનો પટ આપી વાવણી કરવી ઇચ્છવાયોગ્ય છે. રોગ જણાય ત્યારે 0.15 % કેપ્ટાન અથવા કાર્બનડાઝીમ ફૂગનાશકનું દ્રાવણ બનાવી છંટકાવ કરવામાં આવે છે.

5. પીળો ગેરુ : આ ફૂગજન્ય રોગ સામાન્યપણે દરેક પ્રદેશમાં થાય છે. તેનું આક્રમણ થતાં પાનની ઉપરની બાજુ પર ચળકતાં પીળાંથી નારંગી પીળાં ટપકાં થાય છે. જ્યારે નીચેની બાજુએથી પીળા ચાઠામાં રોગના પીળા બીજાણુઓ પેદા થાય છે, જે હવા દ્વારા ફેલાય છે. આજદિન સુધી આ ફૂગનું જીવનચક્ર સ્પષ્ટ સમજી શકાયું નથી.

નિયંત્રણાર્થે ઊંડી ખેડ કરી જમીનમાં પાકના અવશેષોને દબાવી તેમનો નાશ કરવામાં આવે છે. વળી રોગ જણાય ત્યારે ઝેનેબ અથવા મેનેબનો છંટકાવ કરવો હિતાવહ છે.

6. સર્કોસસ્પૉરાનાં પાનનાં ટપકાં : આ એક સામાન્ય રોગ છે. ભેજ અને ઊંચા તાપમાને તેનો ફેલાવો થાય છે; પરંતુ તેની તીવ્રતા ઓછી હોવાથી પાકને ખાસ નુકસાન થતું નથી. ફૂગનું આક્રમણ થતાં પેશીઓ પાણીપોચી થઈ ખૂબ જ નાનાં, ગોળ ટપકાં કરે છે. તેમની વૃદ્ધિ થતાં તેઓ ભૂખરા રંગનાં થાય છે; જ્યારે ટપકાંનો મધ્યભાગ ઝાંખો ભૂખરો હોય છે. આ રોગના ફેલાવાની શરૂઆત જૂનાં પાન પરથી થાય છે અને પછી તે રોગ નવાં પાનમાં ફેલાય છે. આક્રમિત વિસ્તારમાં ચાબુક આકારના 3થી 4 રંગીત અથવા રંગ વગરના બીજાણુઓ પેદા થાય છે. આ બીજાણુઓ વરસાદથી દૂર ફેંકાય છે. તંદુરસ્ત પેશીમાં તેનું આક્રમણ થયા પછી 4થી 8 દિવસમાં નવાં ટપકાં પેદા થાય છે.

આ રોગના નિયંત્રણમાં, જંગલી લેટ્યુસના છોડનો નાશ કરવો જરૂરી છે. વળી તંદુરસ્ત બિયારણ વાવવું, પાકની ફેરબદલી કરવી અને સારી નિતારશક્તિ પેદા કરવી આ રોગના નિયંત્રણ માટે જરૂરી છે.

7. મોઝેક (પીળિયો) : આ વિષાણુજન્ય રોગમાં ચેપનું આક્રમણ થતાં પાંદડાં પીળા રંગનાં થાય છે અને છોડ બટકો પેદા થાય છે. પાન ઉપર લીલાં-પીળાં ધાબાં દેખાય છે; જ્યારે પાનની કિનારી વળી ગયેલી હોય છે. તીવ્ર આક્રમણ થતાં છોડ ઉપર દડો થતો નથી અને પાંદડાં જાડાં વિકૃત લીલાંપીળાં કોકડાયેલાં જોવા મળે છે. નવાં પાંદડાં વિકૃત સ્વરૂપ ધારણ કરે છે. આવા છોડ પર બીજ બેસતાં નથી. આ રોગનો ફેલાવો વાનસ્પતિક ચૂસિયા પ્રકારની જીવાતથી થાય છે. ઠંડી ઋતુમાં આ જીવાતનું પ્રમાણ વધવાથી તેનું આક્રમણ ખૂબ ઝડપથી ફેલાય છે. ક્યારેક પરિસરમાં આવેલા બધા છોડો રોગગ્રસ્ત બને છે. વિષાણુ છોડમાં દાખલ થયા બાદ 8થી 14 દિવસની અંદર આક્રમિત છોડ પર રોગનાં લક્ષણો જોવા મળે છે.

આ રોગના નિયંત્રણ માટે પાકની ફેર-બદલી કરવી અને જૂના રોગિષ્ઠ છોડો અને નીંદામણ ઉપાડી તેમનો નાશ કરવો જરૂરી છે. પાક જૂનો હોય તો તેની બાજુમાં નવી રોપણી ન કરવી હિતાવહ છે. તંદુરસ્ત બીજમાંથી ધરુ તૈયાર કરી રોપણી કરવી ઇષ્ટ છે. આ રોગનો ફેલાવો કરતી ચૂસિયા જીવાતોનું નિયંત્રણ શોષક પ્રકારની જીવાતો માટે વપરાતી જંતુનાશક દવાના છંટકાવથી થાય છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ