લૅમ્પ્રોફાયર ખડકો (lamprophyres)
January, 2005
લૅમ્પ્રોફાયર ખડકો (lamprophyres) : અગ્નિકૃત ખડકો પૈકીનો સામૂહિક ખડકપ્રકાર. અગ્નિકૃત ખડકોનો આ એક એવો સમૂહ છે જે નરી આંખે ન દેખી કે પારખી શકાય એવા સૂક્ષ્મ સ્ફટિકમય ખનિજદ્રવ્યમાં જડાયેલા વિપુલ પ્રમાણવાળા બાયોટાઇટ ઍમ્ફિબોલ, પાયરૉક્સીન અથવા ઑલિવિન જેવા ઘેરા રંગવાળા (મૅફિક) ખનિજોના મહાસ્ફટિકોથી બનતી પૉર્ફિરિટિક કણરચના દ્વારા ઓળખી શકાય છે. એક વિશિષ્ટ ખડકસમૂહ તરીકે આ શ્યામરંગી ખડકો નીચે પ્રમાણેની લાક્ષણિકતાઓ ધરાવે છે : 1. આલ્કલીસમૃદ્ધ ફેલ્સ્પારના સંકલનમાં મૅફિક ખનિજોની વિપુલતા. 2. મહાસ્ફટિકો અને સૂક્ષ્મ સ્ફટિકમય ખનિજદ્રવ્ય – બંનેની હાજરી. 3. ફેલ્સ્પારના મહાસ્ફટિકો ન હોય ત્યારે મૅફિક મહાસ્ફટિકોની વિપુલતા.
ખનિજબંધારણની દૃષ્ટિએ જોતાં જુદા જુદા લૅમ્પ્રોફાયર ખડકો સાયનાઇટથી ગૅબ્રો સુધીનાં ભિન્ન ભિન્ન બંધારણવાળા જોવા મળે છે. આ ખડકોમાં સિલિકાનું પ્રમાણ તદ્દન ઓછું હોય છે, પરંતુ લોહ, મૅગ્નેશિયમ અને આલ્કલીનું પ્રમાણ વધુ હોય છે. ખનિજોની વિપુલતા મુજબ આ ખડકોના જુદા જુદા પ્રકારો પાડવામાં આવેલા છે. મીનેટ, ફૉગેસાઇટ, કરસનટાઇટ અને સ્પેસરટાઇટ એ વધુ પ્રમાણમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારો છે. પ્રથમ બે પ્રકાર સાયનાઇટ લૅમ્પ્રોફાયર અને બીજા બે પ્રકાર ડાયોરાઇટ લૅમ્પ્રોફાયર કહેવાય છે. અબરખધારક લૅમ્પ્રોફાયરને સૂક્ષ્મદર્શક હેઠળ જોતાં મોટી ષટ્કોણીય રૂપરેખાવાળી બાયોટાઇટની તકતીઓ વિભાગીય (પટ્ટીદાર) સંરચના (zonal structure) દર્શાવે છે, જેનો કેન્દ્રભાગ આછોપીળો મૅગ્નેશિયમ-સમૃદ્ધ અને કિનારીઓ લાલ-કથ્થાઈ હોય છે. કેટલાક ખડકોમાં આ સ્ફટિકો રાસાયણિક ખવાણ પામેલા હોય છે. લીલા કે કથ્થાઈ હૉર્નબ્લેન્ડના લાંબા નાજુક પ્રિઝ્મૅટિક સ્ફટિકો અથવા સોયો પણ બહુધા જોવા મળે છે. પાયરૉક્સીન પૈકી ડાયૉપ્સાઇડ પ્રકારનું ઑગાઇટ સામાન્ય રીતે તેમાં હોઈ શકે છે, પરંતુ કેટલાક પ્રકારોમાં ટાઇટેનિયમ-સમૃદ્ધ ઑગાઇટની વિપુલતા હોય છે. ઑલિવિન મોટા ભાગના લૅમ્પ્રોફાયરમાં ભાગ્યે જ હોય છે, પરંતુ સ્પેસરટાઇટમાં તે લાક્ષણિક ખનિજ ગણાય છે.
આ ખડકોમાં મહાસ્ફટિકોની આજુબાજુ રહેલા બાકીના ખનિજદ્રવ્યનો મોટો ભાગ ફેલ્સ્પારથી બનેલો હોય છે. પ્લેજિયોક્લેઝ (આલ્બાઇટ-ઍન્ડેસાઇન) અનિયમિત કણો અથવા પટ્ટીઓને સ્વરૂપે રહેલું હોય છે, જે પૈકી કેટલુંક વિભાગીય (પટ્ટીદાર) સંરચનાવાળું હોઈ શકે છે, તેનો કેન્દ્રભાગ કૅલ્શિયમ-સમૃદ્ધ અને કિનારીઓ સોડિયમ-સમૃદ્ધ હોય છે. પોટાશ ફેલ્સ્પાર મોટેભાગે ઑર્થોક્લેઝ અથવા સેનિડિન પ્રકારનું હોય છે, જે અનિયમિતથી લંબચોરસ કણોરૂપે જોવા મળે છે અને અન્ય ખનિજોના ઝીણા દાણા તેમની અંદર રહેલા હોઈ શકે છે. ક્વાર્ટ્ઝ જો હોય તોપણ તેનું પ્રમાણ નહિવત્ હોય છે, જ્યારે હોય ત્યારે માત્ર અન્ય ખનિજો વચ્ચેની આંતરકણજગાઓમાં જ હોય છે. આ ઉપરાંત ગૌણ ખનિજોમાં ઍપેટાઇટ, સ્ફીન અને મૅગ્નેટાઇટનો સમાવેશ થાય છે. ફેરોમૅગ્નેશિયન ખનિજોની વિપુલતા તેમજ ફેલ્સ્પારફેલ્સ્પેથૉઇડના પ્રકારો પર આધારિત આ ખડકોનું વર્ગીકરણ નીચે મુજબ છે :
ઍલ્નૉઇટ અને ઔચિટાઇટ બાયોટાઇટધારક પણ ફેલ્સ્પારરહિત હોય છે. કુદરતમાં તે વિરલ હોય છે. ફેસ્પેથૉઇડ તેમાં હોઈ શકે છે. ઍલ્નૉઇટ મેલિલાઇટ, પર્વોસ્કાઇટ, ઑલિવિન અને કાર્બોનેટના ખનિજદ્રવ્યથી પરિવેદૃષ્ટિત લૅપિડોમિલેનના મહાસ્ફટિકો દ્વારા ઓળખાય છે. ઔચિટાઇટ ઑલિવિનરહિત હોવાથી તેમજ તેમાં કાચદ્રવ્યથી પરિવેદૃષ્ટિત ઑગાઇટનું પણ ઠીક ઠીક પ્રમાણ જોવા મળતું હોવાથી ઍલ્નૉઇટથી જુદો પડે છે.
મૉન્ચિકાઇટ અને ફૉર્ચાઇટ પણ વિરલ છે. મૉન્ચિકાઇટમાં ઑલિવિનની હાજરી હોય છે, જ્યારે ફૉર્ચાઇટમાં ઑલિવિન અને ફેલ્સ્પાર બંને હોતા નથી, તેથી આ બંને પ્રકારો એકમેકથી અલગ પાડી શકાય છે.
પરિવર્તન પેદાશો : આ ખડકો ખવાણક્રિયાને ખૂબ જ ગ્રાહ્ય હોવાથી, ઘણાખરા તો રાસાયણિક વિઘટન હેઠળ પૂરેપૂરા બદલાઈ જાય છે; તેમ છતાં કાર્બોનેટ, ક્લોરાઇટ, સર્પેન્ટાઇન અને લિમોનાઇટ જેવી પરિવર્તન-ખનિજ- પેદાશો પરથી તેમનું મૂળ ખનિજ-બંધારણ સમજી શકાય છે.
લૅમ્પ્રોફાયર ખડકો મોટેભાગે નાના પરિમાણવાળાં અને છીછરી ઊંડાઈએ મળતાં ડાઈક, સિલ જેવાં અંતર્ભેદનોને સ્વરૂપે જોવા મળે છે અને સામાન્યત: તો તે ગ્રૅનાઇટ અને ડાયોરાઇટ જેવાં મોટાં અંતર્ભેદનો સાથે સંકળાયેલાં હોય છે. ક્યારેક તે સમાંતર ડાઇક જૂથ રચતાં પણ મળે છે અને ક્યારેક વિકેન્દ્રિત સ્વરૂપે વિસ્તરેલાં પણ મળે છે.
ઉત્પત્તિ–સ્થિતિ : આ ખડકો ઘણી જુદી જુદી રીતે બને છે. કેટલાક પ્રકારો લૅમ્પ્રોફાયર બંધારણવાળા મૅગ્મા દ્રવમાંથી સીધેસીધા સ્ફટિકીકરણથી તૈયાર થાય છે; બીજા અન્ય ખડકોમાંથી વિકૃતિ પેદાશ કે કણશ: વિસ્થાપન પેદાશ દ્વારા રૂપાંતરિત થયેલા હોય છે. સામાન્ય બેસાલ્ટ બંધારણવાળો મૅગ્મા અન્ય પ્રાદેશિક ખડકો સાથે આત્મસાતીકરણની ક્રિયા કરે તોપણ લૅમ્પ્રોફાયર ખડક બની શકે છે. જ્યારે જૂથ સ્વરૂપે મળે ત્યારે મૅગ્મા દ્રવના આલ્કલીસમૃદ્ધ ભાગ સાથે અન્ય ખડક ભળે તો પ્રસ્ફુટિત થતા અગાઉ પોપડાની છીછરી ઊંડાઈએ અંતર્ભેદન પામીને લૅમ્પ્રોફાયર બની શકે છે. કેટલાક સામાન્ય બેસાલ્ટ બંધારણવાળી ડાઇક ઘનીભવન પામી ગયા બાદ લૅમ્પ્રોફાયરમાં ફેરવાયેલી જોવા મળે છે; આ પ્રકારની વિકૃતિ-પેદાશ કે કણવિસ્થાપન-પેદાશ નીચેથી ઉપર તરફ આવતાં મૅગ્માજન્ય બાષ્પ કે દ્રાવણો દ્વારા રૂપાંતરિત થયેલી હોય છે. ઊંડાણમાં તૈયાર થતા ગ્રૅનાઇટ જથ્થામાં છૂટતી બાષ્પ, ફાટો દ્વારા ઉપર આવતી વખતે બેસાલ્ટ કે ડાયાબેઝ અંતર્ભેદનો (ડાઇક) પર અસરો કરીને પણ લૅમ્પ્રોફાયર બની શકે છે. ડાઇક જેવાં દેખાતાં લૅમ્પ્રોફાયરનાં અંતર્ભેદનો ખરેખર અંતર્ભેદનો હોતાં નથી, તે તો નીચેથી ફાટો દ્વારા ઉપર આવતાં ખનિજીય દ્રાવણો પ્રાદેશિક ખડકોની દીવાલના સંપર્કમાં આવવાથી રૂપાંતર થઈને લૅમ્પ્રોફાયર બંધારણવાળા ખડકમાં ફેરવાય છે.
ગિરીશભાઈ પંડ્યા