લૅન્ઝારોટી (Lanzarote) : ઉત્તર ઍટલૅટિક મહાસાગરના કેનેરી દ્વીપસમૂહમાં પૂર્વ તરફ આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 29° 00´ ઉ. અ. અને 13° 40´ પ. રે. પર આશરે 795 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં આશરે 150 કિમી. દૂર ઉત્તર આફ્રિકાનો પશ્ચિમ ભાગ આવેલો છે. ટાપુનું ભૂપૃષ્ઠ લાવાના ખડકોથી બનેલું છે, અને અહીં આશરે 300 જેટલા જ્વાળામુખી-શંકુઓ આવેલા છે. તેના ઉપર આવેલું સર્વોચ્ચ સ્થળ 670 મીટરની ઊંચાઈ ધરાવે છે. 1730માં જ્યારે અહીં જ્વાળામુખી-પ્રસ્ફુટન થયેલું ત્યારે ટાપુનો લગભગ અડધો ભાગ લાવાથી છવાઈ ગયેલો. તેનું છેલ્લું પ્રચંડ પ્રસ્ફુટન 1824માં થયેલું; આજે પણ તેના અગ્નિ ઓકતા પર્વતમાંની ફાટોમાંથી ઈંડાં તળી શકાય એટલી બધી ગરમી નીકળે છે.

1974માં અહીં તિમનફાયા રાષ્ટ્રીય ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે 52 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલો છે. આ ટાપુના પહાડી ઢોળાવો પર સીડીદાર ખેતરો બનાવીને તેમાં ધાન્યપાકો, શાકભાજી, મદ્ય-દ્રાક્ષ તેમજ અન્ય કૃષિપાકોની ખેતી થાય છે. આ સ્થળ તેના સમુદ્રકંઠારપટ પરની કાળી રેતી માટે તેમજ માછલી પકડવાના શોખીન પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેલું છે. ટાપુના પાટનગર અને મુખ્ય બંદર અરેસીફમાં મત્સ્ય-ઉદ્યોગ અને તેને સંકલિત માછલી પૅક કરવાના હવાચુસ્ત ડબ્બાઓનો ઉદ્યોગ વિકસ્યો છે.

આ ટાપુ લાસ પાલ્માસ પ્રાંત હેઠળ, સ્પેન હસ્તક આવેલો છે. તે તેની ઉત્તરે 1.5 કિમી. દૂર આવેલા, આશરે 24 ચોકિમી.નો વિસ્તાર ધરાવતા લાસ પાલ્માસ દ ગ્રાન કાનારિયા (જ્વાળામુખી ટાપુ) સાથે જળમાર્ગે અને હવાઈ માર્ગે સંકળાયેલો છે. અહીં મુખ્યત્વે માછીમારોની વસ્તી જોવા મળે છે. 1998 મુજબ તેની વસ્તી આશરે માત્ર 60,000 જેટલી છે, જેનો લાસ પાલ્માસની 3,52,641 (1998) વસ્તીમાં સમાવેશ થાય છે.

નીતિન કોઠારી