લૅન્કેસ્ટર, ફ્રેડરિક વિલિયમ (જ. 1868, લંડન; અ. 1946) : મોટરકાર તથા વૈમાનિકીનો પ્રારંભિક સંશોધક. બ્રિટનમાં લૅન્કેસ્ટરે 1895માં સૌપ્રથમ પ્રાયોગિક ધોરણે મોટરકાર બનાવેલી. તેમણે લૅન્કેસ્ટર એન્જિન કંપનીની 1899માં સ્થાપના કરી. પ્રસિદ્ધ મોટરકાર તથા અંતર્જલન એન્જિનના શોધક ડેઇમલરે સ્થાપેલી કંપનીમાં લૅન્કેસ્ટર સલાહકાર-તજ્જ્ઞ હતા. 1907-1908 દરમિયાન તેમણે વાયુગતિવિદ્યા (aero-dynamics) ઉપર બે ભાગમાં પુસ્તક પ્રસિદ્ધ કર્યું.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધમાં પ્રતિકાર કરવાની ઉત્તમ રીતો અંગેનાં તથા અસરકારક તોપખાનાનાં મૉડલો પણ તેમણે તૈયાર કરેલાં.
જ. પો. ત્રિવેદી