લૅન્ગ, ક્રિશ્ચિયન લુઈ

January, 2005

લૅન્ગ, ક્રિશ્ચિયન લુઈ (જ. 17 સપ્ટેમ્બર 1869, સ્ટાવેન્જર, નૉર્વે; અ. 11 ડિસેમ્બર 1938, ઑસ્લો) : વિશ્વશાંતિના પ્રખર પુરસ્કર્તા અને 1921ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. યુવાનવયે તેઓ ‘યંગ નૉર્વે મૂવમેન્ટ’માં દાખલ થયા હતા અને ત્યારથી નૉર્વેને સ્વીડનથી જુદું પાડવા માટેના આંદોલનમાં સક્રિય રહ્યા હતા. તેમના દાદા જેઓ તેમના જમાનાના ઇતિહાસકાર હતા તેમની પ્રેરણાથી લૅંગને ઇતિહાસ પ્રત્યે રુચિ ઊભી થઈ. પિતા લશ્કરના અધિકારી તથા ઇજનેર હતા. શૈક્ષણિક કારકિર્દી અત્યંત જ્વલંત. 1893માં ઓસ્લો યુનિવર્સિટીમાંથી ઇતિહાસ મુખ્ય વિષય સાથે અનુસ્નાતક થયા  અને તેમણે તે જ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીયવાદ-(internationalism)ના ઇતિહાસ પર પ્રબંધ લખીને ડૉક્ટરેટની પદવી મેળવી હતી. ઓસ્લો નગરની એક શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ઉનાળાની રજાઓમાં યુરોપના વિવિધ દેશોની મુલાકાત લેતા અને તે દરમિયાન ઇતિહાસનું અધ્યયન કરતા. તે અરસામાં તેમણે લખેલું ઇતિહાસ પરનું પાઠ્યપુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું હતું. શિક્ષકના વ્યવસાયની સાથોસાથ સ્વીડનના કબજામાંથી નૉર્વેને મુક્ત કરવા માટેની લડતમાં સક્રિય બન્યા.

ક્રિશ્ચિયન લુઈ લૅન્ગ

નૉર્વેજિયન લેબર ઇન્સ્ટિટ્યૂટમાં થોડોક સમય અધ્યાપન કર્યું. ઑસ્લો ખાતેની નોબેલ કમિટીના સચિવપદે સેવાઓ આપી તથા નોબેલ ઇન્સ્ટિટ્યૂટના ગ્રંથાલયને વ્યવસ્થિત કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. 1907માં હેગ ખાતે યોજાયેલી બીજી શાંતિ પરિષદમાં નૉર્વેનું પ્રતિનિધિત્વ કર્યું  તથા રાષ્ટ્રસંઘ(લીગ ઑવ્ નેશન્સ)ની પરિષદમાં પણ હાજરી આપી. 1909-33ના ગાળામાં આંતરસંસદીય સંઘ(ઇન્ટર પાર્લમેન્ટરી યુનિયન)ના સચિવપદે સેવાઓ આપી. તેમના નેતૃત્વ હેઠળ ઇન્ટરનૅશનલ કન્વેન્શન ઑવ્ પાર્લમેન્ટરિયન્સ સંસ્થાએ નોંધપાત્ર પ્રગતિ કરી હતી. આ સંસ્થાની સ્થાપના 1903ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા સર વિલિયમ રેન્ડાલ ક્રેમર (1838-1908) દ્વારા કરવામાં આવી હતી. લૅન્ગની આ સેવાઓ માટે તેમને સ્વીડનના મુત્સદ્દી કાર્લ હેલમર બ્રૅન્ટિંગ (1860-1925) સાથે 1921ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિશ્વના દેશો વચ્ચેના વિવાદો સંઘર્ષ દ્વારા નહિ પરંતુ લવાદની પદ્ધતિ દ્વારા ઉકેલવાના લૅન્ગ શરૂઆતથી જ હિમાયતી હતા. આ જ હેતુને વરેલી એક સંસ્થા ઇન્ટરપાર્લમેન્ટરી યુનિયન(1889)નું વાર્ષિક અધિવેશન 1899માં ઓસ્લો ખાતે યોજાવાનું હતું તેની આયોજન સમિતિના સેક્રેટરી તરીકે લૅન્ગે જે કૌશલ્ય દેખાડ્યું તેને પરિણામે તેમને નૉર્વેની નોબેલ પુરસ્કાર સમિતિનું સેક્રેટરીપદ મળ્યું. જે પદ પર તેમણે દસ વર્ષ (1899-1909) કામ કર્યું. 1909માં તેમને ઇન્ટરપાર્લમેન્ટરી કમિટીના સેક્રેટરી જનરલ બનાવવામાં આવ્યા. સાથોસાથ નૉર્વેની નોબેલ પુરસ્કાર સમિતિના સલાહકાર તરીકે પણ તેઓ ચાલુ રહ્યા.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન જર્મનીએ બેલ્જિયમ પર કરેલા આક્રમણ બાદ લૅન્ગએ ઇન્ટરપાર્લમેન્ટરી કમિટીનું મુખ્ય કાર્યાલય બ્રસેલ્સથી નૉર્વેમાં ખસેડ્યું. એટલું જ નહિ પરંતુ તેની પ્રવૃત્તિઓ અવિરત ચાલુ રહી શકે તે માટે સંસ્થાને નાણાં પૂરાં પાડ્યાં.

પ્રથમ વિશ્વયુદ્ધનો અંત લાવવાની દિશામાં વાટાઘાટો કરવા માટે સ્ટૉકહોમ ખાતે મળેલી તટસ્થ દેશોની પરિષદમાં લગે સક્રિય અને હકારાત્મક ભૂમિકા ભજવી. યુરોપના અન્ય દેશોમાં ચાલતા આવા પ્રયાસો સાથે લૅન્ગ સક્રિય રીતે સંકળાયેલા રહ્યા. નવેમ્બર 1918માં યુદ્ધનો અંત આવતાં ઇન્ટરપાર્લમેન્ટરી કમિટીને પૂર્વવત્ સક્રિય બનાવવા માટે લૅન્ગે સફળ પ્રયાસો કર્યાં. યુદ્ધની ભૂમિ પર લડાઈનો અંત આવ્યો ખરો, પરંતુ યુરોપના દેશો વચ્ચે તંગદિલી અને વિવાદ ચાલુ જ હતાં. તેમ છતાં લૅન્ગના પ્રયત્નોને પરિણામે 1921માં જિનીવા ખાતે ઇન્ટરપાર્લમેન્ટરી કમિટીનું યુદ્ધોત્તર અધિવેશન યોજવામાં આવ્યું જે સફળતાથી પાર પડ્યું. વિશ્વશાંતિ માટે લૅન્ગ કરેલા આવા સતત પ્રયાસો માટે જ લૅન્ગને કાર્લ બ્રૅન્ટિંગ (1860-1925) સાથે 1921નું વિશ્વશાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

લીગ ઑવ્ નેશન્સના પ્રારંભકાળથી જ લૅન્ગ તેના ટેકેદાર હતા. આ સંસ્થાની ઘણી સમિતિઓમાં તેમણે પોતાના દેશના પ્રતિનિધિ તરીકે કામ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય નિ:શસ્ત્રીકરણના પણ તેઓ પ્રખર સમર્થક હતા. આ વિશે તથા વિવાદોના નિરાકરણ માટે લવાદની પદ્ધતિના લાભાલાભ વિશે લૅન્ગે ઘણાં લેખો તથા પુસ્તિકાઓ લખ્યાં હતાં. તેમજ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુલેહના પ્રચાર-પ્રસાર માટે તેમણે તેમના જીવનકાળ દરમિયાન 500 કરતાં પણ વધુ જાહેર વ્યાખ્યાનો આપ્યાં હતાં.

1934માં લૅન્ગે ઇન્ટરપાર્લમેન્ટરી કમિટીના સેક્રેટરી જનરલના પદનું રાજીનામું આપ્યું. 1935માં તેઓ નૉર્વેની નોબેલ કમિટીમાં ચૂંટાયેલા સભ્ય તરીકે વરણી પામ્યા. અવસાનના થોડાક જ મહિના પહેલાં તેમણે વિશ્વશાંતિની તરફેણમાં પોતાનું છેલ્લું વ્યાખ્યાન આપ્યું હતું.

વિશ્વશાંતિના હિમાયતી હોવાથી લૅન્ગને આંતરરાષ્ટ્રીય નિ:શસ્ત્રીકરણમાં પણ સક્રિય રસ હતો. લીગ ઑવ્ નેશન્સની પ્રવૃત્તિઓમાં નૉર્વેના પ્રતિનિધિ તરીકે તેમણે નોંધપાત્ર સેવાઓ આપી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે