લૅટકિયા (Latakia) : સીરિયાનું અગત્યનું શહેર, બંદર તથા તે જ નામ ધરાવતો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે 35° 31´ ઉ. અ. અને 35° 37´ પૂ. રે.ની આજુબાજુનો 2,297 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ શહેર દેશના વાયવ્ય ભાગમાં ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કિનારે વસેલું છે.
ભૂપૃષ્ઠ–આબોહવા : અહીંનું ભૂપૃષ્ઠ મેદાની પ્રદેશથી બનેલું છે, મેદાની પ્રદેશની પૂર્વ સીમા રચતી અનેક નાની નાની મોસમી નદીઓ આવેલી છે. કાંઠાનો ફળદ્રૂપ મેદાની પીઠપ્રદેશ આ બંદરને મળેલો છે. આ પ્રદેશની આબોહવા ભૂમધ્ય પ્રકારની છે. અહીંના શિયાળા ટૂંકા, ઠંડા અને ભેજવાળા તથા ઉનાળા લાંબા, ગરમ અને સૂકા રહે છે. સરેરાશ વાર્ષિક તાપમાન 18° સે. જેટલું રહે છે. જાન્યુઆરી અને ઑગસ્ટનાં સરેરાશ તાપમાન અનુક્રમે 13° સે. અને 26° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 710 મિમી. જેટલો પડે છે. વર્ષનો મોટાભાગનો વરસાદ ઑક્ટોબરથી માર્ચના સમયગાળામાં પડી જાય છે.
અર્થતંત્ર : આ પ્રદેશની કુદરતી વનસ્પતિમાં ઘાસ, ઝાડી-ઝાંખરાં ધરાવતા કાંટાળા છોડ, નાના કદનાં પાઇનવૃક્ષો તેમજ વસંતઋતુ દરમિયાન ખીલી ઊઠતાં ફૂલોવાળા છોડનો સમાવેશ થાય છે. વેપાર, માછીમારી અને પશુપાલન અહીંની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ છે. મેદાની પ્રદેશમાં ધાન્ય પાકો, ઑલિવ, ખાટાં રસદાર ફળો, વિવિધ જાતની સિંગો, શાકભાજી અને જુદા જુદા પ્રકારની તમાકુનું વાવેતર કરવામાં આવે છે. આ શહેરમાં વનસ્પતિ-તેલની મિલો, તમાકુની પેદાશોના એકમો, કપાસના જિનિંગ એકમો અને ડામરનાં કારખાનાં આવેલાં છે.
પરિવહન : લૅટકિયા સીરિયાનું બંદર છે. અહીં વિકસાવેલા અદ્યતન બારામાં મોટાં જહાજોની અવરજવર સરળતાથી થતી રહે છે. લૅટકિયાના આ વિકસિત બંદરને કારણે સીરિયાના વિદેશી વેપારનું મહત્વ વધ્યું છે. 1975માં લૅટકિયા-અલેપ્પો-અલ્ ક્વામિશ્લીનો 750 કિમી. લાંબો રેલમાર્ગ શરૂ થયો ત્યાં સુધી તો લૅટકિયા બાકીના સીરિયાના પ્રદેશો તેમજ લેબેનૉન સાથે કંઠારપટ્ટીના સડકમાર્ગે, પહાડી માર્ગે અને અલેપ્પો સાથે નદીમાર્ગે જોડાયેલું હતું; હવે રેલમાર્ગનો ઉપયોગ વધુ અને બાકીના માર્ગોનો ઉપયોગ પ્રમાણમાં ઓછો થાય છે.
ઇતિહાસ : લૅટકિયા પ્રાચીન શહેર છે. જૂના વખતમાં તે ‘લાઓડિસિયા’ નામથી જાણીતું હતું, આજે તે ‘અલ લાધિકિયા’ નામથી જાણીતું છે. નજીકના રાસ શમરા ગામ પાસેથી ઓલ્ડ ટેસ્ટામેન્ટ કાળ દરમિયાનનાં, હીબ્રૂ અને ફિનિશિયન ભાષાને મળતી આવતી ભાષામાં લખાયેલાં માટીનાં ઠીકરાં મળી આવેલાં છે. લૅટકિયા ક્યારેક ફિનિશિયન વસાહતોનું અને પછીથી રોમન વસાહતનું શહેર બનેલું. આ વિસ્તાર ઘણી વાર જિતાયેલો, તારાજ થયેલો અને પુનર્નિર્માણ પામેલો છે. તે પછીથી તેના પર ઘણા લાંબા સમય માટે તુર્કી શાસન પણ રહેલું. પ્રથમ વિશ્વયુદ્ધ (191418) પછીથી તેના પર ફ્રેન્ચ શાસન રહેલું. ત્યારબાદ તે સ્વતંત્ર થયું છે. લૅટકિયાની વસ્તી 9,36,000 (1996) જેટલી છે.
નીતિન કોઠારી