લૅઝ્યુલાઇટ (lazulite) : લૅઝ્યુલાઇટ-સ્કૉર્ઝેલાઇટ શ્રેણી પૈકીનું ખનિજ. રાસા. બં. : (Mg·Fe2+) Al2 (PO4)2 (OH)2. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટેભાગે લઘુકોણીય પિરામિડલ સ્વરૂપના, જેમાં (111) અને (ī11) મોટા અને (101) નાના હોય છે; (101) કે (ī11) ફલકો પર મેજ આકારના પણ મળે. દળદાર, ઘનિષ્ઠથી માંડીને દાણાદાર સ્વરૂપના પણ હોય. યુગ્મસ્ફટિકો (100) ફલક પર મળે. પારભાસકથી અપારદર્શક, ભાગ્યે જ પારદર્શક મળે. સંભેદ : (110) અસ્પષ્ટથી સારો, (101) અસ્પષ્ટ. ભંગસપાટી : ખરબચડીથી કરચયુક્ત, બરડ. ચમક : કાચમયથી નિસ્તેજ. રંગ : ઘેરા નીલા વાદળીથી આછો ભૂરો; ભૂરો લીલો. કઠિનતા : 5.5થી 6. વિ.ઘ. : 3.08. પ્રકા. અચ. : α = 1.604થી 1.635; β = 1.633થી 1.634; γ = 1.642થી 1.673. પ્રકા. સંજ્ઞા : -Ve, 2V = 68.9°.

પ્રાપ્તિસ્થિતિ : ક્વાટર્ઝ શિરાઓમાં, ગ્રૅનાઇટપેગ્મેટાઇટમાં, વધુ વિકૃતિ પામેલા ખડકો(ક્વાટર્ઝાઇટ)માં મળે છે. સામાન્ય રીતે તે ક્વાટર્ઝ, પાયરોફિલાઇટ, કાયનાઇટ, મસ્કોવાઇટ, ઍન્ડેલ્યુસાઇટ, સિલિમેનાઇટ, રુટાઇલ, કૉરંડમ અને ગાર્નેટ સાથે હોય છે.

પ્રાપ્તિસ્થાનો : સ્વીડનમાં મોટા સ્ફટિકો અને અન્ય યુરોપીય દેશોમાં નાના સ્ફટિકો મળે છે. અત્યંત સારા સ્ફટિકો યુ.એસ.ના જ્યૉર્જિયા અને કૅલિફૉર્નિયામાંથી મળે છે. આ ઉપરાંત, તે બ્રાઝિલ, બોલિવિયા અને માડાગાસ્કરમાંથી પણ મળે છે.

ગિરીશભાઈ પંડ્યા