લૅઝ્યુરાઇટ (lazurite) : લૅપિસ લેઝ્યુલી રત્ન માટે ઉપયોગમાં લેવાતો સમાનાર્થી પર્યાય. ફૅલ્સ્પેથૉઇડ વર્ગનું ખનિજ. રાસા. બંધારણ : Na4Al3Si3O12S. ટેક્ટોસિલિકેટ પ્રકાર. તેમાંનો ગંધક ક્યારેક SO4 કે Clથી વિસ્થાપિત થતો હોય છે. તે મીઠાના તેજાબમાં દ્રાવ્ય છે, દ્રાવણ થતી વખતે તેમાંથી H2S મુક્ત થાય છે. તે ક્યૂબિક વર્ગમાં સ્ફટિકીકરણ પામે છે. તેના સુવિકસિત સ્ફટિકો ડોડેકાહેડ્રન(110)થી બંધાયેલો હોય છે, પરંતુ આવો પ્રકાર વિરલ હોય છે; મોટેભાગે તો તે દાણાદાર કે ઘનિષ્ઠ દળદાર સ્વરૂપમાં જ મળે છે. સંભેદ (110) ફલકને સમાંતર હોય છે. કઠિનતા 5થી 5.5 અને વિ.ઘ. 2.4થી 2.5 હોય છે. ચમક કાચમય અને રંગ મુખ્યત્વે તો ઍઝ્યૉર- વાદળી કે લીલો-વાદળી હોય છે; તેમ છતાં બર્લિન-વાદળી, જાંબલી-વાદળી રંગમાં પણ ક્વચિત્ જોવા મળે છે. સ્ફટિકોની સારી જાત સામાન્ય રીતે પારદર્શક હોય છે.

લૅઝ્યુરાઇટ ફૅલ્સ્પેથૉઇડ હોવા છતાં તે અગ્નિકૃત ખડકોમાંથી મળતું નથી, પરંતુ વિશિષ્ટપણે સંપર્ક-વિકૃતિજન્ય ખનિજરૂપે સ્ફટિકમય ચૂનાખડકોમાંથી જ મળે છે. રત્નપ્રકાર લૅપિસ લેઝ્યુલી એ લૅઝ્યુરાઇટનું એવું મિશ્રણ છે, જેમાં અન્ય સિલિકેટ અને કૅલ્સાઇટ હોય છે તેમજ પાયરાઇટનું વિખેરણ ભળેલું હોય છે. લૅપિસ લૅઝ્યુલી તરીકે આ ખનિજ અર્ધકીમતી રત્નપ્રકાર હોવાથી ઘણા સમયથી ઝવેરાતમાં ઉપયોગમાં લેવાતું રહ્યું છે. પહેલાં તે વાદળી વર્ણકોમાં, અલ્ટ્રામરીનમાં અને તૈલી રંગોમાં વપરાતું હતું. તે અફઘાનિસ્તાન, બૈકલ સરોવર, સાઇબીરિયા, ચિલી, ઈરાન અને કૅલિફૉર્નિયાના વિસ્તારોમાંથી મળે છે.

ગિરીશભાઈ પંડ્યા