લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક તરીકે હોય છે. કેટલાક જીવાણુઓ (bacteria) દ્વારા થતી આથવણની પ્રક્રિયા દરમિયાન તે ઉત્પન્ન થાય છે. સક્રિય સ્નાયુકોષો પાસેથી વધુ પડતું કાર્ય લેવાતાં લૅક્ટિક ઍસિડ ઉત્પન્ન થાય છે અને તેમનામાં ઑક્સિજનની ઊણપ વર્તાય છે. આ ઍસિડ સ્વીડિશ રસાયણજ્ઞ કાર્લ વિલ્હેલ્મ શીલે દ્વારા પ્રથમ અલગ કરવામાં આવેલો.

આ ઍસિડમાં એક અસમ (asymmetric) કાર્બન પરમાણુ હોવાને કારણે તે બે પ્રકાશક્રિયાશીલ સમાવયવી સ્વરૂપોમાં મળે છે. નીચે તેના બે પ્રતિબિંબીઓ દર્શાવ્યા છે :

આ પૈકી એક d એટલે દક્ષિણભ્રમણીય (dextrorotatory) અને બીજો l – એટલે વામભ્રમણીય (laevorotatory) છે. d-ઍસિડ ધ્રુવીભૂત પ્રકાશના તલની જમણી બાજુ તથા l – ઍસિડ ડાબી બાજુ ભ્રમણ કરે છે. સામાન્ય લૅક્ટિક ઍસિડ આવા બે સમાવયવીઓનું સમાનભાગી મિશ્રણ હોઈ તે પ્રકાશક્રિયાશીલતા દર્શાવતો નથી, કારણ કે બંનેનાં ધ્રુવણ એકબીજાને નિર્મૂળ કરે છે. તેને dl અથવા (±) અથવા રેસેમિક (racemic) ઍસિડ કહે છે.

સ્નાયુઓ તથા લોહીમાં આ ઍસિડ સાર્કોલૅક્ટિક ઍસિડ તરીકે હોય છે.

સામાન્ય (d) અથવા (+) લૅક્ટિક ઍસિડ રંગવિહીન અથવા આછા પીળા રંગનું, લગભગ વાસવિહીન, ભેજશોષક ઘટ્ટ પ્રવાહી છે. તેનું ઉ.બિં. 122° સે. (15 મિમી.); ગ.બિં. 18° સે. અને ઘટત્વ 1.249 છે. આ ઍસિડ પાણી, આલ્કોહૉલ, ગ્લિસરૉલ વગેરેમાં દ્રાવ્ય તથા ક્લૉરોફૉર્મ, પેટ્રોલિયમ ઈથર, કાર્બન ડાઇસલ્ફાઇડ વગેરેમાં અદ્રાવ્ય છે. સામાન્ય વાતાવરણના દબાણે તેનું નિસ્યંદન થઈ શકતું નથી (વિઘટન પામે છે). લૅક્ટિક ઍસિડને ઉકાળીને 50 % કરતાં વધુ સંકેન્દ્રિત કરવામાં આવે તો તે આંશિક રીતે એન્હાઇડ્રાઇડમાં ફેરવાય છે.

લૅક્ટિક ઍસિડ મેળવવાની રીતો : મુખ્ય રીત : સ્ટાર્ચ, ફાડેલું દૂધ, ગોળની રસી, બટાકા વગેરેનું આથવણ કરી મેળવવામાં આવે છે. જેમ જેમ ઍસિડ બનતો જાય તેમ તેમ તેને કૅલ્શિયમ કે ઝિંક કાર્બોનેટ દ્વારા તટસ્થ કરીને લૅક્ટેટ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. આ રીતે મળતા લૅક્ટેટ દ્રાવણનું સંકેન્દ્રણ કરી સલ્ફ્યુરિક ઍસિડથી વિઘટન કરતાં લૅક્ટિક ઍસિડ મળે છે.

ઉદ્યોગમાં d-અથવા dl-લૅક્ટિક ઍસિડ ખાંડ, ગ્લુકોઝ કે માલ્ટોઝનું લૅક્ટોબેસિલસ ડેલબ્રૂકી, લૅક્ટોબેસિલસ બલ્ગારિક્સ, લૅક્ટોબેસિલસ ડેક્સ્ટ્રોલૅક્ટિકસ અને સ્પેપ્ટોકોકસ લૅક્ટિક પૈકી કોઈ એક દ્વારા આથવણ કરી મેળવાય છે.  l – ઍસિડ લૅક્ટોબેસિલસ કોકેસિકસ દ્વારા આથવણથી મેળવાય છે.

સંશ્ર્લેષિત રીતે તે એસેટાલ્ડિહાઇડમાંથી લૅક્ટોનાઇટ્રાઇલ મેળવી તેનું જળવિભાજન કરી મેળવવામાં આવે છે.

અવકાશરસાયણમાં વપરાતી સંજ્ઞાઓ અંગે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. ઉદા., લૅક્ટિક ઍસિડ માટે D−, L−, d−, l−, +, −  તથા R અને S જેવા અનુગો તેની આગળ લગાડેલા જોવા મળતા હોવાથી સ્પષ્ટીકરણ જરૂરી બને છે. D− તથા L− સંજ્ઞા વિન્યાસ-દર્શક છે અને ઐતિહાસિક અગત્ય તરીકે તે ગ્લિસરાલ્ડિહાઇડ તથા તેમાંથી બનતી નીપજો માટે વપરાવા લાગી છે. D-વિન્યાસમાં અસમ કાર્બન ઉપરનો હાઇડ્રૉક્સિલ સમૂહ જમણી બાજુએ તથા L-વિન્યાસમાં તે ડાબી બાજુએ ધારવામાં આવેલો. આ સંજ્ઞાઓને ધ્રુવીભૂત પ્રકાશતળના ઘૂર્ણનની દિશા સાથે કોઈ સંબંધ નથી.  d− તથા l- સંજ્ઞાઓ પ્રાયોગિક રીતે દક્ષિણભ્રમણીય તથા વામભ્રમણીય સંયોજન માટે વપરાય છે અને પોલેરીમિટર દ્વારા જ તે નક્કી થઈ શકે. R− તથા S− સૌથી આધુનિક રીત કાન્હ, ઇન્ગોલ્ડ તથા પ્રિલોગ દ્વારા વિકસાવાયેલી નિરપેક્ષ વિન્યાસ દર્શાવતી સંજ્ઞાઓ છે અને તે ઘૂર્ણન સાથે કોઈ સંબંધ ધરાવતી નથી. ઉદા. તરીકે,

વગેરે સ્વરૂપે લખાયેલી જોવા મળશે.

પ્રક્રિયાઓ : લૅક્ટિક ઍસિડને 130°-140° સે. તાપમાને ગરમ કરવાથી લૅક્ટિક એન્હાઇડ્રાઇડ બને છે.

લૅક્ટિક ઍસિડને ઓછા (25 mm Hg) દબાણે ગરમ કરવાથી ચક્રીય (cyclic) લૅક્ટાઇડ મળે છે.

તેનું ગ.બિં. 125° સે. અને ઉ.બિં. 255° સે. (8 મિમી. દબાણે 138−142° સે.) છે.

લૅક્ટિક ઍસિડના મુખ્ય ક્ષારો પૈકી કૅલ્શિયમ લૅક્ટેટ [(C3H5O2) Ca · 5 H2O]; ઝિંક લૅક્ટેટ [(C3H5O2) Zn · 3 H2O)] અને ફેરસ લૅક્ટેટ [(C3H5O2) Fe · 3 H2O] વિવિધ પ્રકારે વપરાય છે. (દા.ત., દવા ઉદ્યોગમાં). સોડિયમ લૅક્ટેટને સોડિયમ સાથે ગરમ કરવાથી ડાઇસોડિયમ લૅક્ટેટ CH3CH (ONa) COONa મળે છે, જે ક્ષાર તેમજ એસ્ટર (આલ્કોહૉલેટ) બંને છે.

ઉપયોગો : લૅક્ટિક ઍસિડ ડેરી-નીપજોમાં દ્રાવણ ઍસિડિક (acidulant) બનાવવા માટે ક્ષારો, સુઘટ્યતાકારકો, આસંજકો તથા ઔષધો જેવાં રસાયણો બનાવવામાં વપરાય છે. તે ઉપરાંત રંગ-ઉદ્યોગમાં ઊનને રંગવા માટે રંગબંધક (mordant) તરીકે, ખોરાકમાં ઉમેરવા માટે તથા લૅક્ટેટના ઉત્પાદનમાં વપરાય છે.

જ. પો. ત્રિવેદી