લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)

January, 2005

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો ઋણાયનીય અવકાશ (anion gap) કે જે 15 મિ. ઈ. ક્વિ./લિ.થી વધુ હોય, લોહીમાં કીટોન દ્રવ્યોની ગેરહાજરી તથા લૅક્ટેટની રુધિરરસ-સપાટી (serum level) 5 મિ.મોલ/લિ.થી વધુ હોય છે. લોહીમાં અમ્લતા વધવાથી થતા પેશીઓમાંના વિકારને અમ્લતાવિકાર અથવા અતિઅમ્લતાવિકાર કહે છે. લૅક્ટિક ઍસિડ (અમ્લ) મુખ્યત્વે રક્તકોષો, સ્નાયુઓ, ચામડી અને મગજમાં બને છે.

રક્તકોષોમાં ગ્લુકોઝમાંથી ઊર્જા(શક્તિ) મેળવવા માટેની રાસાયણિક પ્રક્રિયાઓમાં ઑક્સિજનની હાજરી ન હોય તો તેને અજારક (anaerobic) પ્રક્રિયાઓ કહે છે. ગ્લુકોઝની અજારક પ્રક્રિયાઓમાં લૅક્ટિક ઍસિડ બને છે. રક્તકોષોમાં જારક (વાતજીવી, anaerobic) પ્રક્રિયા માટેના ઉત્સેચકો હોતા નથી, તેથી તેમાં ઊર્જા(શક્તિ)નું ઉત્પાદન થાય તે સમયે લૅક્ટિક ઍસિડ બને છે. જ્યારે પેશીમાં ઑક્સિજનની ઊણપ થાય ત્યારે તેમાં ઊર્જાનું ઉત્પાદન થાય તે સમયે પણ લૅક્ટિક ઍસિડનું ઉત્પાદન વધે છે. લૅક્ટિક ઍસિડનો નિકાલ યકૃત (liver) દ્વારા થાય છે તેથી યકૃતની ક્રિયાનિષ્ફળતાનો વિકાર થયેલો હોય તોપણ લૅક્ટિક ઍસિડની અધિકતા થાય છે. જ્યારે શરીરમાં રુધિરાભિસરણનું કાર્ય ઘટી જાય ત્યારે પેશીમાં ઑક્સિજનની ઊણપ થાય છે તથા યકૃતનું કાર્ય પણ ઘટે છે, માટે લૅક્ટિક ઍસિડનો ભરાવો થાય છે. આ ઉપરાંત કેટલાક તીવ્ર વિકારોમાં લૅક્ટિક અતિઅમ્લતાવિકાર થાય છે; જેમ કે, હૃદયની ક્રિયાનિષ્ફળતા, શ્વસનતંત્ર કે યકૃતની ક્રિયાનિષ્ફળતા, સપૂયરુધિરતા (septicaemia) અથવા હાથપગમાં કે આંતરડાનો પ્રણાશ (infarction) કે પેશીનાશ (gangrene) થાય. શરીરમાંનો ચેપ લોહી દ્વારા બધે ફેલાય અને તેને કારણે જે વિકાર ઉદભવે તેને સપૂયરુધિરતા કહે છે. કોઈ અવયવના સ્નાયુનો કોઈ ભાગ લોહી ન મળવાથી મરી જાય તો તેને પ્રણાશ કહે છે. હાથપગમાં લોહીનું પ્રમાણ ઘટવાને કારણે જે ભાગ મૃત્યુ પામે તેને પેશીનાશ કહે છે. અમેરિકામાં મધુપ્રમેહના દર્દીઓને ફેન્ફૉર્મિન નામની દવા આપવાથી આ વિકાર થતો હતો. તેથી તે દવાને ત્યાં વાપરવાની બંધ કરવામાં આવેલી છે. તેને બદલે અપાતી મેટફૉર્મિન નામની દવામાં આવું જવલ્લે જ થતું જોવા મળેલું છે. ભારતમાં આ દવાઓથી લૅક્ટિક અતિઅમ્લતાવિકાર થતો હોય એવું ખાસ જોવા મળેલું નથી, માટે તેનો ઔષધીય વપરાશ ચાલુ રખાયેલો છે.

લક્ષણો અને નિદાન : તેનું મુખ્ય ચિહ્ન છે અતિશ્વસન (hyperventilation). તેથી શ્ર્વાસોચ્છ્વાસની ક્રિયા વધુ ઝડપી બને છે; પરંતુ જો પેશીમાં ઑક્સિજનની ઊણપ હોય અને રુધિરાભિસરણમાં ઘટાડો થયેલો હોય તો વિશેષ લક્ષણો કે ચિહ્નો ઉદભવતાં નથી. જોકે કારણરૂપ તકલીફોનાં ચિહ્નો રૂપે આંગળીઓના ટેરવાં પર ભૂરાશ (નીલિમા, cyanosis) અને લોહીનું ઘટેલું દબાણ જોવા મળે છે. આ ચિહ્નો લૅક્ટિક અતિઅમ્લતાવિકારનાં ચિહ્નો નથી. અજ્ઞાતમૂલ (idiopathic), એટલે કે કોઈ સ્પષ્ટ કારણ વગર, લૅક્ટિક અતિઅમ્લતાવિકાર થયો હોય તો લોહીનું દબાણ કે રુધિરાભિસરણ પણ સામાન્ય રહે છે.

લૅક્ટિક અતિઅમ્લતાવિકારમાં નિદાનલક્ષી પ્રયોગશાળાની કસોટીઓ નિદાનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેમાં ઉદભવતા વિકારો ઉપર જણાવેલા છે. જો કોઈ દર્દીને ઋણાયનીય અવકાશ થયેલો હોય અને તેને મધુપ્રમેહમાં થતો કીટોન-અતિઅમ્લતાવિકાર (ketoacidosis) કે મૂત્રપિંડની ક્રિયાનિષ્ફળતામાં થતો મૂત્રવિષરુધિરતા(uraemia)નો વિકાર થયેલો ન હોય તો તે લૅક્ટિક અતિઅમ્લતાવિકાર હોવાની સંભાવના સૂચવે છે. ક્યારેક સેલિસિલેટ્સ, મિથાયલ આલ્કોહૉલ, ઇથિલીનગ્લાયકો જેવી દવાઓની અતિમાત્રા (overdose) થાય (વધુ પ્રમાણમાં અપાયેલી કે લેવાયેલી હોય) તોપણ ઋણાયનીય અવકાશ થાય છે. તેથી લૅક્ટિક અતિઅમ્લતાવિકારનું નિદાન કરતી વખતે આ દવાઓનું સેવન કરાયેલું છે કે નહિ તે જોઈ લેવાય છે. નિદાનને નિશ્ચિત કરવા માટે રુધિરપ્રરસમાં લૅક્ટિક ઍસિડનું પ્રમાણ જાણી લેવાય છે; જે 5 મિમોલ/લિ.થી વધુ હોવું જોઈએ. સામાન્ય રીતે રુધિરપ્રરસ(blood plasma)માં તેનું પ્રમાણ 1 મિમોલ/લિ.થી ઓછું હોય છે અને રુધિરપ્રરસમાં લૅક્ટેટ/પાયરુવેટ ગુણોત્તરપ્રમાણ 10 : 1 હોય છે. જો તે ગુણોત્તર વધે તો તે પણ લૅક્ટિક અતિઅમ્લતાવિકાર સૂચવે છે.

સારવાર : લૅક્ટિક અતિઅમ્લતાવિકાર કરતા કારણરૂપ વિકાર કે રોગની સારવાર મુખ્ય બાબત ગણાય છે. જો સ્પષ્ટ કારણ જણાયાં ન હોય તો અનુભવે સફળ નીવડેલી ઍન્ટિબાયૉટિકનો ઉપયોગ કરાય છે તથા લોહીમાંના શક્ય જીવાણુઓ માટેનું સંવર્ધન (culture) કરાય છે. નસ વાટે બાયકાર્બોનેટ આપીને લોહીનું pH મૂલ્ય 7.2થી વધુ રખાય છે. જોકે તે જીવનરક્ષક છે એવું સાબિત થયેલું નથી. જો વધુ પડતા સોડિયમને કારણે વિકાર ઉદભવે તો રુધિર-પારગલન (haemodialysis) કરાય છે. લૅક્ટિક અતિઅમ્લતાવિકારનો મૃત્યુદર વધુ રહે છે અને તે તેના કારણરૂપ વિકારના કારણે થતા મૃત્યુના દરને અનુરૂપ રહે છે.

શિલીન નં. શુક્લ

તિવેન રા. મારવાહ