લૅંગલૅન્ડ, વિલિયમ (ચૌદમી સદી)
January, 2005
લૅંગલૅન્ડ, વિલિયમ (ચૌદમી સદી) : અંગ્રેજ કવિ. મધ્યકાલીન અંગ્રેજી (Middle English) ભાષાના સૌથી મોટા પ્રાસાનુપ્રાસવાળા પ્રતિષ્ઠિત કાવ્ય ‘પિયર્સ પ્લાઉમૅન’ના રચયિતા. લૅંગલૅન્ડના જીવન વિશે આધારભૂત માહિતી મળતી નથી. એવું લાગે છે કે તેઓ લંડનમાં નિવાસ કરતા હશે. ઇંગ્લૅન્ડના વેસ્ટ મિડલૅન્ડના મૅલવર્ન જિલ્લામાં તેઓ રહેતા હોવાનો સંભવ છે. પિતા સ્ટેસી દ રૉકેલ ઑવ્ શિપ્ટન-અન્ડર-વિકવુડ ઑક્સફર્ડશાયરના ઉમરાવ કુટુંબના નબીરા હતા. લૅંગલૅન્ડના નામે ‘પિયર્સ પ્લાઉમૅન’ સિવાય અન્ય કોઈ કાવ્ય રચાયું હોય તેમ લાગતું નથી. જોકે વિદ્વાન સંપાદક સ્કીટના મતે ‘રિચર્ડ ધ રેકલેસ’ કાવ્ય લૅંગલૅન્ડે રચ્યું હતું. આ કાવ્ય તેમના એક કાવ્ય ‘મમ ઍન્ડ ધ સૉધસેગર’ નામના કાવ્યનો ભાગ ગણાય છે.
‘પિયર્સ પ્લાઉમૅન’ને મહાકાવ્યનો દરજ્જો મળેલ છે. તેની 50 જેટલી હસ્તલિખિત પ્રતોમાં ત્રણ જેટલી જુદી જુદી વાચનાઓ મળે છે. કાવ્યની કુલ પંક્તિઓ 2,567 છે અને તે 1367-70ના અરસામાં રચાયાનું કહેવાય છે. અન્ય વાચનામાં 7,277 પંક્તિઓ સુધીનું તેનું વિસ્તરણ છે (1377-79). જોકે કવિએ પોતાના જીવનનાં છેલ્લાં વીસ વર્ષ આ કાવ્યને સુધારવામાં ગાળ્યાં હશે તેવી માન્યતા છે. આ બૃહત્કાવ્ય ‘વિઝિયો’ અને ‘વાઇટા’ એમ બે ભાગમાં વહેંચાયું છે. પહેલા ભાગમાં પ્રોલૉગ અને પ્રથમ 7 સોપાન (passus) છે. એક સોપાનમાં ઓછામાં ઓછી 129 અને વધુમાં વધુ 642 પંક્તિઓ હોય છે. સમસ્ત કાવ્ય 8 ‘વિઝન’માં અને 20 પૅસસમાં વહેંચાયું છે. આમાં મૅલવર્ન હિલ્સ નામની ડુંગરમાળામાં ભટકતા વિલ નામના એક મુસાફરને સ્વપ્ન આવે છે. તે સ્વપ્નમાં સત્યનો મહેલ જુએ છે. ભાતભાતના સ્વભાવના માણસો ત્યાં પોતપોતાનો વહેવાર કરતા હોય છે. ત્યાં લેડી હૉલી ચર્ચ છે. સન્નારી મીડ સેવા, સત્કર્મ કે ભલાઈ-બૂરાઈનું વળતર આપે છે. અહીં ‘તર્ક’ બોધ આપે છે અને સાત જેટલાં ભયંકર પાપોની કથની કહે છે. પિયર્સ પ્લાઉમેન્ન પોતે મુક્તિના માર્ગનો પ્રવાસી છે. તેના ઉપર સત્યની એક ચિઠ્ઠી આવે છે, પરંતુ એક પાદરી તેને ફાડી નાંખે છે. પાદરી સાથેની પ્લાઉમૅનની લડાઈ સ્વપ્નનો ભંગ કરે છે અને આમ ‘વિઝિયો’નો અંત આવે છે.
‘વિઝન’ ભાગ 3માં વિલ જ્ઞાન અને સમજનો માર્ગ લઈ સત્યને પામવા પ્રયત્ન કરે છે. અહીં સત્ય ડૉવેલ તરીકે ઓળખાય છે. વિલ ‘વિચાર’નું માર્ગદર્શન મેળવે છે. ત્યારપછી તે ‘બુદ્ધિ’, ‘સ્વાધ્યાય’, પાદરી અને ધર્મશાસ્ત્રને પણ મળે છે. ચોથા અને પાંચમા વિઝનમાં પરોપકારની વાત આવે છે. પિયર્સ પ્લાઉમૅન ક્રાઇસ્ટ જેવા ભાસે છે. છઠ્ઠા વિઝનમાં ક્રાઇસ્ટની કરુણાની વાત છે. ક્રાઇસ્ટના અવસાનની વાત પણ આવે છે. પછીના સાતમા ભાગમાં ક્રાઇસ્ટનાં ભલાં કર્મોની વાત આવે છે. છેલ્લે યાત્રાળુ પ્લાઉમૅનની શોધમાં અંતરાત્મા ખુદ પ્રગટે છે. અહીં સંપૂર્ણ મોક્ષની વાત છે.
કાવ્યમાં વિચારનો તંતુ કંઈક અસ્પષ્ટ પણ બને છે. કલ્પનાનું પ્રચંડ પૂર શાબ્દિક અર્થમાં ગૂંચવાડો પણ પેદા કરે છે. જોકે પૅસસ 11 અને 18માં અપૂર્વ કલ્પનાને રજૂ કરતી પંક્તિઓ છે. અહીં ‘શાંતિના છોડ’નું રૂપક ભવ્ય છે. મધ્યકાલીન અંગ્રેજીમાં આવું કલ્પનાપ્રચુર અન્ય કાવ્ય બીજું કોઈ નથી. જી. કેઈન. ઈ. ટી. ડૉનાલ્ડસન શ્મિટ અને ડી. એ. પિયરસોલ જેવા સાક્ષરોએ આ કાવ્યની સંશોધિત આવૃત્તિઓ પ્રસિદ્ધ કરી છે. આ કાવ્યનું સાંપ્રત અંગ્રેજી ભાષાંતર ટીરેન્સ ટિલરે 1981માં કર્યું છે.
વિ. પ્ર. ત્રિવેદી