લૅંગરહાન્સ, પોલ (જ. 25 જુલાઈ 1847, બર્લિન; અ. 20 જુલાઈ 1888, ફન્શલ, મૅડિરા) : જર્મન રુગ્ણવિદ્યાકીય શરીરરચના-વિદ્યા(pathological anatomy)ના વિદ્વાન. તેમના નામની સાથે અધિત્વચા(epidermis)નાં લૅંગરહાન્સના કોષો, સ્વાદુપિંડમાં આવેલા લૅંગરહાન્સના કોષદ્વીપો (islets), ઇન્સ્યુલિનનું વધુ ઉત્પાદન કરતી તે જ કોષોમાં થતી લૅંગરહાન્સ ગ્રંથિઅર્બુદ (adenoma) નામની ગાંઠ (કે જેને અલ્પમધુલકાર્બુદ કે ઇન્સ્યુલિનાર્બુદ (insulinoma) પણ કહે છે) તથા લૅંગરહાન્સના કોષવાળી પેશીકોષિતા (Langerhans cell histocytosis) વગેરે નામની જુદી જુદી 4 સંરચનાઓ કે વિષમતાઓ જોડાયેલાં છે. આવી રીતે કોઈ વ્યક્તિના નામ સાથે જોડાયેલાં નામોને અધ્યાનામ (eponym) કહે છે. આ ઉપરાંત તેમણે સિનાબાર નામના દ્રવ્યના ઇન્જેક્શન વડે અસ્થિમજ્જાના કેટલાક કોષોને અભિરંજિત કરી બતાવ્યા હતા. આ શોધે પાછળથી તનુતન્ત્વી-અંતશ્ચછદીય તંત્ર(reticular endothelial system)ની શોધ કરવામાં મહત્વનો ફાળો આપ્યો. આમ, તેમની શોધોએ દેહરચનાવિદ્યા તથા તબીબીવિદ્યા પર કેટલી અસર પાડી છે તે સુસ્પષ્ટ છે. તેમના પિતા બર્લિન નગર અધિમંડળ(council)ના પ્રમુખ રહી ચૂકેલા હતા અને તેમના બે અપર ભાઈઓ તબીબો હતા. તેઓ 16 વર્ષની ઉંમરે સ્નાતક બન્યા. સન 1865-66 વચ્ચે તેમણે જેના યુનિવર્સિટી ખાતે તબીબીવિદ્યાનો અભ્યાસ કર્યો. તેમના શિક્ષકોમાં રુડોલ્ફ વિર્શો પણ હતા. જેમના પાછળથી તેઓ મિત્ર બન્યા. સન 1869માં તેઓએ એમ.ડી.ની ઉપાધિ મેળવી. સન 1868માં તેમણે તેમના શિક્ષક કોહનિમ પાસેથી મેળવેલી જાણકારીની મદદથી ચામડીમાંના શીખાન્વિત કોષો(dendritic cells)ને ગોલ્ડ ક્લૉરાઇડ વડે અભિરંજિત કરીને ઓળખી બતાવ્યા. તેના ડૉક્ટરેટના અભ્યાસકાળમાં તેમણે સ્વાદુપિંડીય કોષદ્વીપો ઓળખી બતાવીને મહત્વની શોધ કરી હતી (1869). સન 1870માં તેમણે ઇજિપ્ત, સીરિયા અને પેલેસ્ટાઇનનો પ્રવાસ કરીને ત્યાંની પ્રજાની અંગમિતિ કરી. ફ્રેન્ચપ્રુસિઅન યુદ્ધમાં તેમણે જર્મન સૈન્યમાં તબીબ તરીકે કાર્ય કર્યું. સન 1871માં તેઓ રુગ્ણવિદ્યા વિભાગમાં કામ કરતા હતા અને પાછળથી તેઓ એસોસિયેટ પ્રાધ્યાપક બન્યા. 1874માં ક્ષયરોગના કારણે તેમની શૈક્ષણિક કારકિર્દીમાં રુકાવટ આવી અને તેમની સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી અને જર્મની ખાતેની સારવાર નિષ્ફળ રહી. સન 1875માં તેઓ મૅડિરા ખાતે સ્થાયી થયા. ત્યાં તેમણે તબીબી વ્યવસાય શરૂ કર્યો તથા ક્ષયરોગ વિશે પણ અભ્યાસ કર્યો. તેમણે આ સમયગાળામાં અપૃષ્ઠદંડી પ્રાણીઓના વર્ગીકરણમાં ઉપયોગી એવાં મહત્વનાં અવલોકનો કર્યાં. સન 1887માં તેમણે કૃમિ(worm)ની એક નવી જાતિ ઓળખી બતાવી અને પોતાના શિક્ષકના સન્માનમાં તેને વિર્શોવિયા નામ આપ્યું. તે અંગેનું એક ભાષણ તેમણે બર્લિનની રૉયલ એકૅડેમી ખાતે કર્યું. મૂત્રપિંડમાંના ચેપને કારણે તેઓ મૃત્યુ પામ્યા.

શિલીન નં. શુક્લ