લૅંકેસ્ટર વંશ : ઇંગ્લૅન્ડની રાજગાદીએ 1399થી 1461 દરમિયાન શાસન કરનાર રાજવંશ. હેનરી-4એ તેની સ્થાપના કરી હતી. હેનરી-4 શાહી કુટુંબનો જ વારસ હતો. તેનો પિતા જૉન ઑવ્ ગોન્ટ ઇંગ્લૅન્ડના પ્લેન્ટેજિનેટ વંશ(ઈ. સ. 1154-1399)ના એડવર્ડ3 (1327-77)નો પુત્ર હતો. એડવર્ડ-3ના રાજવંશનું રાજચિહન ‘પીળા ફૂલની સાવરણી’ (લૅટિન : પ્લાન્ટા જેનિટા) હોવાથી વંશ એ નામે ઓળખાતો હતો. જૉન ઑવ્ ગોન્ટ લૅંકેસ્ટરની વારસ કુંવરી સાથે પરણ્યો હોવાથી ડ્યૂક ઑવ્ લૅંકેસ્ટર બન્યો હતો અને તેનો પુત્ર હેનરી બૉલિંગબ્રૉક ગાદીએ આવતાં તેનો રાજવંશ લૅંકેસ્ટર વંશ કહેવાયો. લૅંકેસ્ટર ઇંગ્લૅન્ડના ઉત્તર-પશ્ચિમે આવેલા લકેશાયરનું કાઉન્ટીનગર હતું. લૅંકેસ્ટર ડચીની ઇંગ્લૅન્ડ અને વેલ્સના વિસ્તારોમાં જાગીરો હતી. લૅંકેસ્ટર વંશના ત્રણ શાસકો થઈ ગયા : હેનરી-4 (1399-1413), હેનરી-5 (1413-22), અને હેનરી-6 (1422-1461).
પ્લેન્ટેજિનેટ વંશનો અંતિમ શાસક રિચાર્ડ2 (1377-99 A.D.) હતો. તેના શાસનના અંતિમ વર્ષમાં રાજક્રાંતિ થઈ અને લૅંકેસ્ટર વંશ સ્થપાયો. લૅંકેસ્ટર વંશનો સ્થાપક હેનરી-4 તેનો પિત્રાઈ ભાઈ હતો. અંગત દુશ્મનાવટને લઈને રિચાર્ડે હેનરીને સતાવેલો પણ ઉમરાવો અને પ્રજા હેનરી-તરફી હતાં. તેથી બળવામાં તેને સાથ મળ્યો. રિચાર્ડને ટાવર ઑવ્ લંડનમાં કેદ કરીને પદભ્રષ્ટ કરીને પાર્લમેન્ટે હેનરી-4ને રાજા ઘોષિત કર્યો અને લૅંકેસ્ટર વંશનું શાસન શરૂ થયું. યોગ્ય વ્યક્તિને રાજાપદે સ્થાપીને પાર્લમેન્ટે રાજક્રાંતિ કરી અને પોતાનો નવો હક પ્રસ્થાપિત કર્યો અને એડવર્ડના ત્રીજા પુત્રના વારસ અર્લ ઑવ્ માર્ચ એડમન્ડ મોર્ટિમરના ગાદી માટેના મજબૂત દાવાને નકાર્યો.
હેનરી બૉલિંગબ્રૉક(હેનરી-4)નું શાસન (1399-1413 A.D.) ધર્મવિરોધી લૉલાર્ડના આંદોલનને કચડવામાં અને ઉમરાવોના વિરોધને શાંત કરવામાં વીત્યું. તેના પછી તેનો પુત્ર હેનરી-5 (1413-1422 A.D.) ગાદીએ આવ્યો. તેના ટૂંકા શાસનમાં મોટાભાગનાં વર્ષો વિદેશમાં વિજયો મેળવવામાં વીત્યાં. 1415માં તેણે ફ્રાન્સની ગાદી માટે દાવો રજૂ કરીને નૉર્મન્ડી ઉપર આક્રમણ કર્યું. ફ્રાન્સ આંતરિક સંઘર્ષને લઈને વિભક્ત હતું અને રાજા ચાર્લ્સ6 નિર્બળ હતો. હેનરી-5નો વિજય થયો અને ટ્રૉયની સંધિ (1420) દ્વારા તેના ફ્રાન્સની ગાદી માટેના દાવાને સ્વીકારાયો અને ફ્રાન્સની રાજકુમારી કૅથેરાઇન તેને પરણી. ફ્રાન્સની ગાદી મળે તે પહેલાં હેનરી-5નું મૃત્યુ થયું. તેના પછી તેનો પુત્ર હેનરી-6 (1422-1461) માત્ર નવ મહિનાની ઉંમરે રાજા બન્યો. ફ્રાન્સના ચાર્લ્સ6નું મૃત્યુ થતાં હેનરી-6ને ફ્રાન્સનો રાજા ઘોષિત કર્યો; પરંતુ ત્યાંની પ્રજા અને ઉમરાવોએ તેને ન સ્વીકાર્યો. દક્ષિણ ફ્રાન્સના ડૉફિનને ચાર્લ્સ-7 તરીકે રાજા જાહેર કર્યો. લકેસ્ટ્રિયનોએ હથિયાર ઉપાડ્યાં પણ ધીરે ધરે ફ્રાન્સ હાથથી નીકળી ગયું. હેનરી6 નાની ઉંમરનો અને શાસનમાં નિર્બળ હતો. થોડો સમય ગાંડપણમાં સરી જતાં પાર્લમેન્ટે તેના રક્ષક તરીકે ડ્યૂક ઑવ્ યૉર્ક રિચાર્ડને નીમેલો પરંતુ હેનરી સાજો થતાં તેને કાઢીને ડ્યૂક ઑવ્ સમરસેટને રાખ્યો તેથી સંઘર્ષ ઊભો થયો, જે ઇંગ્લૅન્ડના ઇતિહાસમાં ‘ગુલાબોના વિગ્રહ’ તરીકે ઓળખાય છે. આ વિગ્રહે જ અંતે લૅંકેસ્ટર વંશના શાસનને ખતમ કરી નાખ્યું. પાર્લમેન્ટે ડ્યૂક ઑવ્ યૉર્ક રિચાર્ડના પુત્રને એડવર્ડ-4 (14611-483) તરીકે ગાદીએ બેસાડ્યો અને યૉર્ક વંશ(1461-1485 A.D.)નું શાસન શરૂ થયું. સત્તાપ્રાપ્તિ પછી પણ લકેસ્ટરો સામે સંઘર્ષ ચાલુ રહ્યો. 1461માં યૉર્કશાયર વિજય પછી હેનરી-6 માર્ગારેટ ને પુત્ર એડવર્ડ સ્કૉટલૅન્ડ જતાં રહ્યાં. 1464માં હેનરી પકડાયો પણ 1470માં વિરોધી ઉમરાવોએ આક્રમણ કરી છોડાવ્યો ને ફરી રાજા જાહેર કર્યો. અંતે કુમાર એડવર્ડ મરાયો, માર્ગારેટ કેદ પકડાઈ અને હેનરી-6ને ટાવર ઑવ્ લંડનમાં મારી નાખ્યો (1471).
લૅંકેસ્ટર વંશનો શાસનકાળ ઇંગ્લૅન્ડમાં બંધારણીય વિકાસનો પણ સમય હતો. આ વંશના શાસન દરમિયાન પાર્લમેન્ટ સર્વસત્તાધીશ બની હતી. ચૌદમી સદીમાં તેણે મેળવેલી સિદ્ધિઓને દૃઢ કરવાની અનુકૂળતા તેને પ્રાપ્ત થઈ હતી. હેનરી-4ને રાજા તરીકે ચૂંટીને તેણે અગત્યનો હક મેળવ્યો અને તેની મંજૂરીથી રાજા બનેલા હેનરી-4એ પાર્લમેન્ટ વિરુદ્ધ કંઈ જ ન કર્યું; ઊલટાનું પાર્લમેન્ટે માગ્યા તે અધિકારો આપ્યા. હેનરી-5 લાંબો સમય ઇંગ્લૅન્ડમાં ગેરહાજર રહ્યો તેથી કર્તાહર્તા પાર્લમેન્ટ જ રહી અને હેનરી-6 બાળક હોવાથી સરકારી નીતિનું સંચાલન પાર્લમેન્ટે કર્યું હતું. પાર્લમેન્ટે વાણીસ્વાતંત્ર્ય, કરવેરાની દરખાસ્ત અને કાયદાઘડતરમાં વર્ચસ્, ધરપકડ સામે રક્ષણ, નાણાકીય ખર્ચ ઉપર અંકુશ વગેરે અધિકારો મેળવ્યા. રાજ્યની કાઉન્સિલ ઉપર સંપૂર્ણ સત્તા સ્થાપી. રાજા માત્ર બંધારણીય વડો જ બની રહ્યો. રાજાને સત્તા લોકોએ આપી છે એ સિદ્ધાંત પ્રસ્થાપિત થયો. ટૂંકમાં, લૅંકેસ્ટર યુગની પાર્લમેન્ટ દ્વારા આધુનિક બંધારણની પાર્લમેન્ટરી પદ્ધતિનાં લક્ષણો પ્રગટ થયાં. જોકે તે સમયમાં બંધારણીય પ્રગતિ ખૂબ જ ઝડપી થઈ હતી. પાર્લમેન્ટે સ્થાપેલ સિદ્ધાંતો, અધિકારો કાયમી નહોતા બની શક્યા. સત્તાની દોટમાં પાર્લમેન્ટે સરકારને નબળી બનાવી અને કાઉન્સિલને અધિકારહીન બનાવી દીધી. પરિણામે વહીવટી વ્યવસ્થા રૂંધાઈ ગઈ. સામાજિક અંધાધૂંધી ફેલાઈ અને આંતરસંઘર્ષો વધી ગયા. પ્રજાએ પાછી ટ્યૂડરોની બળવાન રાજાશાહીને આવકારી.
મોહન વ. મેઘાણી