લૅંગ, ડેવિડ રસેલ (જ. 4 ઑગસ્ટ 1942, ઓટોહુહુ, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ધારાશાસ્ત્રી અને રાજકારણી. ડાબેરી વિચારસરણી ધરાવતા તબીબ પિતાના સંતાન તરીકે ગરીબો પ્રત્યે તેમને ભારે હમદર્દી હતી.

25 વર્ષની વયે એક વર્ષ માટે તેઓ લંડન ગયા. 1970માં ઑકલૅન્ડ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે ધીકતા કાનૂની વ્યવસાયમાં પ્રવેશવાને બદલે ગરીબોને કાનૂની સલાહ આપવાનું કાર્યક્ષેત્ર પસંદ કર્યું.

1976માં ચૂંટણીમાં ઉમેદવારી કરી અને તેમણે 1977માં રાજકારણમાં પ્રવેશ કર્યો. વિજેતા સાંસદ તરીકે તેઓ ન્યૂઝીલૅન્ડની સંસદમાં પ્રવેશ્યા. ત્યાંની લેબર પાર્ટીમાં તેઓ સક્રિય બન્યા અને 1983માં તે પક્ષના નેતા વરાયા. 1983 થી 1989 સુધી લેબર પાર્ટીના નેતા તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. આ સમય દરમિયાનનાં તેમનાં ભાષણોમાં પ્રજાને ઉત્તમ વક્તાનાં દર્શન થતાં. આથી તેઓ વ્યાપક લોકચાહના અંકે કરી શક્યા. 1984ની સામાન્ય ચૂંટણીમાં તેમના લેબર પક્ષને ભારે બહુમતી સાંપડી અને પક્ષે સરકાર રચી ત્યારે તેમને વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા. તેઓ 42 વર્ષની વયે વડાપ્રધાન બન્યા ત્યારે યુરોપમાં વીસમી સદીના સૌથી નાની વયના વડાપ્રધાન હતા. 1987ની સામાન્ય ચૂંટણીમાં તેમણે પક્ષને બીજી વાર વિજેતા બનાવ્યો. પક્ષે તેમને ફરી વડાપ્રધાન બનાવ્યા.

વડાપ્રધાન તરીકે તેમણે આર્થિક ક્ષેત્રે સરકારી તથા ખાનગી માલિકીનાં એમ બંને પ્રકારનાં ઔદ્યોગિક સાહસોની તરફદારી કરી. વિદેશનીતિના ક્ષેત્રે પ્રશાંત મહાસાગરને ‘ન્યૂક્લિયર-ફ્રી’ ક્ષેત્ર રાખવાની નીતિના તેઓ હિમાયતી હોવાથી ન્યૂઝીલૅન્ડના જળવિસ્તારમાં પરમાણુ-શસ્ત્રોથી સજ્જ જહાજોનાં પ્રવેશ તેમજ આવન-જાવન પર તેમની સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રકારના નિર્ણયો દ્વારા તેમણે ન્યૂઝીલૅન્ડ સરકારને મજબૂત સ્થિતિમાં મૂકવા પ્રયાસ કર્યો.

બલદેવ આગજા